દેલાડ: ઓલપાડ તાલુકામાં પરપ્રાંતિ વસ્તી ધરાવતા સાયણ ટાઉનમાં (Sayan Town) રહેતા અને દેલાડ (Delad) ખાતેની એક ઇન્ડસ્ટ્રીઝમાં નાસ્તાની દુકાન ચલાવતા રાજસ્થાની યુવક ઉપર એક શખ્સે ચપ્પુના ઘા ઝીંકી હુમલો (Attack Knife) કરી હોસ્પિટલ (Hospital) ભેગો કર્યો છે. જ્યારે તેને બચાવવા દોડેલા નાના ભાઈને પણ બે શખ્સોએ લાકડીના સપાટાથી ફટકારી બબાલ મચાવતા આ મામલો ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો છે.
દુકાન નજીક પડેલા લોખંડના બાકડાને લાત મારી હતી
રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાનો વતની નારાયણ મોતીલાલ જાટ (ઉ.વ.૨૭)હાલ સાયણ-પરીઆ રોડ પર શુકન બંગ્લોઝની બાજુમાં આવેલા મારૂતિ એપાર્ટમેન્ટના ઘર નં.-૨,માં રહે છે. તે હાલમાં દેલાડ ગામે ગણેશ ઇન્ડસ્ટ્રીઝ, ચીકુવાડીમાં રાધેશ્યામ કંપનીમાં બાપા સીતારામ નાસ્તા નામની હોટલ ચલાવે છે. જ્યારે તેનો નાનો ભાઇ કનૈયાલાલ નાસ્તાની દુકાનની બાજુમાં મોબાઇલ એસેસરીની દુકાન ચલાવે છે. ગત શુક્રવાર, તા.૨૦ની મોડી રાત્રે ૧૦ કલાકે તેની દુકાન પાસે ત્રણ ઇસમો મોટર સાયકલ ઉપર આવ્યા હતા. જે પૈકી બે ઈસમો થોડે દુર ગયા બાદ અજય પ્રકાશ ત્રિપાઠી નામના એક ઈસમે દુકાન નજીક પડેલા લોખંડના બાકડાને લાત મારી હતી.
તું મગજ મારી ન કર, મારે બીજા માણસો સાથે ઝઘડો થયેલો છે
જેથી નારાયણ જાટે તેને વિનંતી કરી હતી કે, ‘ભાઈ કેમ તું મારા બાકડાને લાત મારે છે? તને પગમાં ઇજા થઇ જશે.’ આ સમયે અજય ત્રિપાઠીએ તેને ગાળો આપી કહ્યું કે, ‘તું મગજ મારી ન કર, મારે બીજા માણસો સાથે ઝઘડો થયેલો છે.’ જેથી નારાયણ જાટે તેને ત્યાંથી જતો રહેવાનું કહ્યું હતું અને જો ન જશે તો પોલીસને બોલાવવાનું કહ્યું હતું. જો કે તે સમયે ત્રણે ઈસમો ત્યાંથી મોટર સાયકલ પર બેસી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ શનિવાર, તા.૨૧ ના રોજ રાત્રે ૧૧:૪૫ કલાકના સુમારે ફરી ત્રણે શખ્સો દારૂનાં નશામાં તેની દુકાને આવીને બબાલ મચાવી હતી.
પગનાં ઘૂંટણની પાછળ ઉપરા-છાપરી ચપ્પુનાં ઘા માર્યા
જે પૈકી અજય ત્રિપાઠીએ નારાયણ જાટને જાનથી મારી નાંખવાની ધમકી અને ગાળો આપી હુમલો કરતા કહ્યું કે, ‘તું મને ગઈકાલે કેમ તારી દુકાને ઉભો રહેવાની ના પાડતો હતો? તારી દાદાગીરી વધી ગઇ છે. હું અહીંનો દાદો છું.’ તેમ જણાવી નારાયણને લાકડીના સપાટાથી માર માર્યા બાદ ઉશ્કેરાઇને માથાના ભાગે, જમણા થાપા તથા જમણા પગનાં ઘૂંટણની પાછળ ઉપરા-છાપરી ચપ્પુનાં ઘા માર્યા હતા. આ હુમલામાં નારાયણને લોહી વહેતા તે બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.