સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના ગોથાણ રેલ્વે ઓવરબ્રિજ (Railway Over Bridge) ઉપર બાઈક પર જતાં એક યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. ઈજાગ્રસ્ત યુવકનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમ્યાન મોત થયું છે.
- ઓલપાડના ગોથાણ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલક યુવકનું મોત
- સિક્યોરિટીની નોકરી કરતો યુવક રૂમ પરથી નોકરીએ જવા નીકળ્યો અને કાળનો કોળિયો થઈ ગયો, સ્મીમેરમાં ટૂંકી સારવારમાં મોત
પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની વિજયસિંહ બ્રિજેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૨૦) સુરત શહેરના ભટાર વિસ્તારમાં ઉદયદીપ એપાર્ટમેન્ટ, ઉમાભવન ખાતે રહી સિક્યોરીટીની ફરજ બજાવતો હતો. તે ગત શનિવારના રોજ પોતાની રૂમ પરથી ઉમરા ગામ તરફ જતા ગોથાણ બ્રિજ પર તેની મો.સા. નંબર: જીજે-૦૫,કેવાય-૧૬૩૮ પર જઈ રહ્યો જતો હતો. તે વખતે સાંજે-૪:૩૦ કલાકના સુમારે ગોથાણ બ્રિજ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે હંકારીવિજયસિંહ ચૌહાણને ટક્કર મારી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિજયસિંહને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન રાત્રે ૧૦:૧૫ કલાકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના સબંધી સિક્યુરીટી વોચમેન અજીતસિંગ હનુમાનસિંગ ચૌહાણે ઓલપાડ પોલીસને જાણ કરી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
સાયણ ટાઉનમાં ધોળે દહાડે ચોરી, બંધ મકાનમાંથી તસ્કરો 49,500ની મત્તા ચોરી ફરાર
સાયણ: ઓલપાડ તાલુકાના સાયણ ગામના પૂર્વ વિસ્તારના એક બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા અને સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.૯૯,૫૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા આ વિસ્તારના રહીશોમાં ભય સાથે ફફડાટનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના સાયણ ગામના પૂર્વ વિસ્તારના પારસી ચાલમાં રહેતા જિજ્ઞેશભાઈ નટવરભાઇ પટેલ (ઉ.વ.૪૨) સેલ્સમેનની અને પત્ની પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. ગત શનિવારના રોજ પતિ-પત્ની મકાન બંધ કરી નોકરીએ ગયા હતા. તેમના મકાનનો પાછળનો દરવાજો ધક્કો મારતાં જ ખુલી જાય તેવો હતો, જેનો લાભ લઈ અજાણ્યા તસ્કરો સવારે-૧૦ થી બપોરે-૩:૪૫ કલાકના સમયગાળા દરમ્યાન ઘરના પાછળની દિવાલ કૂદી બંધ દરવાજાને ધક્કો મારી ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ લોખંડના બે કબાટોના દરવાજા અને કબાટની તિજોરીના લોક તોડી રોકડા રૂ. ૪૦,૦૦૦, સવા તોલા વજનની સોનાની બુટ્ટી તથા સોનાની કાનસેટ, જેની કિંમત રૂ.૫૦,૦૦૦, ચાંદીના બે જોડ સાંકળા જેની કિંમત રૂ.૮૦૦૦ તથા ચાંદીનો કંદોરો જેની કિંમત રૂ.૧,૫૦૦ મળી કુલ રૂ. ૪૯,૫૦૦ની કિંમતના સોનાચાંદીના ઘરેણાં અને રોકડા મળી રૂપિયા ૯૯,૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે જિજ્ઞેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.