Business

સનાતન સંસ્કૃતિના ઉદ્ધારક સમ્રાટ વિક્રમાદિત્ય

બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું લૂંટી જવાયું છે. હિન્દુ સંસ્કૃતિને બચાવવા કેટલાય સમ્રાટ રાજાઓએ સદીઓ સુધી લડત આપી છે જેની ફલશ્રુતિરૂપ આપણે સનાતની ધર્મી તરીકે ભારતમાં જીવી રહ્યા છીએ. આવા સમ્રાટોમાંના એક છે સમ્રાટ વિક્રમ… હા, આપણે માત્ર નામથી પરિચિત છીએ અથવા તો વિક્રમ-વેતાળ કે સિંહાસન બત્રીસીની વાર્તાઓ માત્રથી જાણીએ છીએ કારણ કે મોગલ આક્રાંતાઓએ ભારતના એ ભવ્ય ઇતિહાસના સુવર્ણપૃષ્ઠોને નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠની સાથે નષ્ટ કરી દીધા હતા અને પછી તો કયારેય ઇતિહાસ ફરી ના દોહરાય તેની તકેદારી રાખી હતી છતાંયે મંદિરોમાં અને વિદ્વાનોએ છુપાવી રાખેલ ઇતિહાસના એવાં પૃષ્ઠો બહાર આવ્યાં કે ચીન, મીસ્ર અને અરબી સાહિત્યોમાં ભવ્ય ભારતનો ભવ્ય ભૂતકાળ જેવો અંકિત થયો જોવા મળતો તેથી વિશેષ જોવા મળ્યો.

આપણા હિન્દુ વ્યવહારમાં જેનું અધિકાધિક મહત્ત્વ  છે તેવા વિક્રમ સંવતની શરૂઆત જેના શાસનકાળ દરમ્યાન થઇ હતી તે વીર પરાક્રમી સમ્રાટ રાજા વિક્રમ સૂર્યવંશી, ઉદાર, ન્યાયી, ધર્મપ્રિય અને બળવાન રાજા હતા. ઇ.સ. પૂર્વે 102માં તેનો જન્મ થયો હતો તેવું મનાય છે. બે હજાર વર્ષ પહેલાંની વાત આવે ત્યારે કયાંક સમય, કાળ અને કથાઓમાં વિસંગતતા જોવા મળે જ. છતાંયે અહીં આધારભૂત સત્યતા સાથે ચોકસાઈ રાખવાનો પૂરો પ્રયત્ન છે.

જયોતિર્લિંગ મહાકાલેશ્વરના ઉજ્જૈનની આજે જે ભવ્યતા જોવા મળે છે તેનાથી અધિકાધિક સમ્રાટ વિક્રમના ઉજ્જૈનની ભવ્યતા હતી. સૂર્યવંશી રાજા ગર્દભિલ્લ કે જે ગન્ધર્વસેન, ગર્દભવેશ અને મહેન્દ્રાદિત્ય જેવા વિવિધ નામે ઓળખાતા મહાન પિતાના વીર વિક્રમને શંખ અને ભર્તૃહરિ નામના બે ભાઈઓ હતા. ભર્તૃહરિ મોટા હોવાથી ઉજ્જૈનની ગાદી સંભાળેલી.

આ એ જ ભર્તૃહરિ જે રાણી પિંગલાનાં કપટથી વ્યથિત થઇ રાજપાટ છોડી નાથ સંપ્રદાયના સાધુ થઇ ગયેલા જેને રાજા ભરથરી તરીકે પણ આપણે ઓળખીએે છીએ. ભર્તૃહરિના સાધુગમન સાથે જ શક રાજાઓએ હુમલો કરી ઉજ્જૈન પર કબજો મેળવી લીધો હતો. બીજી તરફ સેના એકઠી કરવા લાગેલા વીર વિક્રમે રાજય મેળવવા હુમલો કરી ઉજ્જૈનને ફરી હસ્તગત કર્યું. એટલું જ નહિ શક રાજાઓને ભારતમાંથી ખદેડી મૂકવા એ સમયના વિશ્વની સૌથી મોટી સેના બનાવી જેમાં ત્રણ કરોડ પૈદલ સૈનિકો, દસ કરોડ ઘોડેસવાર સૈનિકો, 24600 હાથીઓ અને ચાર લાખ નૌકા સાથેના સૈનિકોની જબરજસ્ત ફોજ હતી.

ભારતના વિવિધ પ્રાંતો કબ્જે કરી છેક આરબ અને મિસ્ર સુધીના દેશો સર કર્યા હતા. આટલા મોટા સમ્રાટ હોવા છતાં તે ધર્મપ્રિય અને ન્યાયપ્રિય રાજા ગણાતા ભારતભરના રાજાઓ પણ મુસીબતમાં ન્યાય મેળવવા સમ્રાટ વિક્રમાદિત્ય પાસે આવતા તેનાં બુદ્ધિચાતુર્ય અને ન્યાયપ્રિયતા માટે સ્વર્ગના રાજા ઇન્દ્રે પણ ખુશ થઇ 32 મૂર્તિઓવાળું સિંહાસન તેને ભેટ આપેલું અને 32 મૂર્તિઓની વિશેષતાઓ એ હતી કે તે બોલતી હતી. આ અંગેની સિંહાસન બત્રીસીની અનેક વાર્તાઓ વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રગટ થઇ ચૂકી છે. ઉપરાંત વેતાળ પચ્ચીસી નામની વાર્તાઓ પણ પ્રકાશિત થવા સાથે ટીવી સીરિયલ અને ફિલ્મો બની ચૂકી છે.

સમ્રાટ વિક્રમાદિત્યે સૌથી મહત્ત્વપૂર્ણ કામ સનાતન ધર્મની પુન:સ્થાપનાનું કર્યું છે. ઇ.સ.પૂર્વે 561 વર્ષે ગૌતમ બુદ્ધ થઇ ગયેલા તેમણે બૌદ્ધ ધર્મનો વિશ્વભરમાં ખૂબ પ્રચાર કર્યો હતો. ચીન, જાપાન, તિબેટ, નેપાળ જેવા દેશોમાં આજે પણ બૌદ્ધ ધર્મનો પૂર્ણ પ્રભાવ જોવા મળે છે. ભારતના ત્યારના છેલ્લા બૌદ્ધ ધર્મી રાજા અશોકના અવસાન પછીના સમયમાં સમ્રાટ વિક્રમાદિત્યે રામાયણ, મહાભારત, વેદો, પુરાણો અને સનાતન ધર્મ સાહિત્યને ફરી લોકો સમક્ષ લાવી હિંદુ ધર્મ પુન:સ્થાપિત કરી વેગવાન બનાવ્યો હતો. સનાતન સંસ્કૃતિના સંરક્ષક અને ઉધ્ધારક હોવા સાથે શ્રેષ્ઠ અને ન્યાયપૂર્ણ શાસન વ્યવસ્થા જાળવવા છદ્મવેશ ધારણ કરી રાત્રે રાજ્યમાં ભ્રમણ કરતા. તેના દરબારમાં વિવિધ ક્ષેત્રના જ્ઞાની વિદ્વાનો હતા. અકબરની જેમ સમ્રાટ વિક્રમાદિત્યના નવરત્નોની પણ ઘણી કથાઓ પ્રસિદ્ધ છે.

આ નવરત્ન સમાન કોણ હતા એ વિદ્વાનો? આવો જોઇએ સંક્ષિપ્તમાં તેની વિગત (1) વૈદ્ય ધન્વન્તરી : (ભગવાન ધન્વન્તરી નહીં) ઔષધિવિજ્ઞાન અને આયુર્વેદના જાણકાર તથા સંશોધનકાર હતા. (પુરાણોમાં અને ઇતિહાસમાં ચારથી વધુ ધન્વન્તરી નામ આવે છે જે બધા અલગ અલગ કાળે પ્રકટ પાત્રો છે) (2) ક્ષણપક: વ્યાકરણકાર તથા શબ્દકોષકાર તરીકે ક્ષણપકે ગણિત વિષય પર ઘણું સંશોધન કરેલું. (3) અમરસિંહ: શબ્દકોશના જનક ગણાતા અમરસિંહે શબ્દો અને ધ્વનિ ઉપર ઘણું કામ કર્યું હતું. (4) શંકુ: તે નીતિશાસ્ત્ર તથા રસાચાર્યમાં પ્રખર વિદ્વાન ગણાતા (5) વૈતાલ ભટ્ટ : યુદ્ધ કૌશલ્યમાં કુશળ ગણાતા વૈતાલ ભટ્ટ રાજ્યના રક્ષક હતા (6) કાલિદાસ: મહાન કવિ હતા. પરંપરાગત કાવ્યશૈલી છોડી નવા પ્રકારની કાવ્યસૃષ્ટિ-શૈલી બનાવવામાં પારંગત હતા. (7) ઘટકર્પણ: સાહિત્યના વિદ્વાન હતા. ઘણી બધી નવી શૈલીનું નિર્માણ કરેલું હતું.

(8) વરાહ – મિહિર : જયોતિષશાસ્ત્રના પ્રખર જયોતિર્વિદ હતા. કાલગણના, હવાઓની દિશા, પશુધનની પ્રવૃત્તિઓ જેવા અનેક વિષયોની શોધ કરવા સાથે જયોતિષ શાસ્ત્રના જાણકાર હતા. વિક્રમ સંવતની શરૂઆત કરવા માટે તેનો સહયોગ અધિક હતો. (9) વરુચિ: વ્યાકરણના વિદ્વાન, કવિ ઉપરાંત શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. આ નવરત્નો વિક્રમાદિત્યનો વિદ્વાન નવરત્નોની સુઝબૂઝથી ભારત ઉન્નતિ સાથે સમૃદ્ધ દેશ બની રહ્યો હતો. આ નવરત્ન સમાન વિદ્વાનો અને વિક્રમાદિત્યની પ્રતિમાઓ ઉજ્જૈનમાં જોવા મળે છે. સમ્રાટ વિક્રમાદિત્યના સમયે સોનાના સિક્કાનું ચલણ હતું. કારણ કે દેશમા બનતુ કાપડ ત્યારે વિદેશમાં સોનાના બદલે અપાતુ એટલે દેશમાં સોનુ એટલુ હતુ કે સોને કી ચિડિયા તરીકે વિખ્યાત આ દેશ પર વિદેશીઓની નજર હતી.

ઇ.સ. પૂર્વે 57 વર્ષ પહેલા વિક્રમ સંવતનો પ્રારંભ થયેલો જેની કાલગણના, રાશિ, ગોચર, નક્ષત્રનું વૈદિક કેલેન્ડર અદ્દભૂત હતું જે આજે પણ આપણા વ્યવહારમાં છે. ઉપરાંત બીજુ એક કેલેન્ડર જે વ્યવહારમાં છે તે શાલિવાહન શક.. જે રાજા શાલિવાહનની સ્મૃતિમાં બનેલું. રાજા શાલિવાહન પણ સમ્રાટ વિક્રમાદિત્યનો પૌત્ર હતો એવી માહિતિ ઇતિહાસમાં મળે છે. શાલિવાહન શક કેલેન્ડર વિક્રમ સંવતના પ્રારંભ પછી 135 વર્ષે પ્રારંભ થયેલો. વિશ્વમાં આજે 96 પ્રકારના કેલેન્ડર છે. જેમાંથી ગ્રેગોરીયન કેલેન્ડર સર્વ માન્ય અને વધુ ચલણમાં છે.

સમ્રાટ વિક્રમાદિત્ય એટલા મહાપ્રતાપી રાજા હતા કે તેનુ નામ જ એક વિશેષણ બની ગયા, તેના પછીના ઘણા મહાન રાજાઓના નામ પાછળ ‘વિક્રમ’ શબ્દ જોડાતો રહ્યો. રાજા યથાશીહર્ષ, શુદ્રક, રાજા હલ, ચંદ્રગુપ્ત દ્વિતિય, શિલાદિત્ય અને સમ્રાટ યશોવર્ધનના નામ સાથે વિક્રમ નામની પદવી જોડાતી રહી હતી. બરાબર એક હજાર વર્ષ એટલે કે દશમી શતાબ્દીમાં ઇ.સ. 980માં રાજા ભોજનો જન્મ થયો હતો જેનો કાર્યકાળ ઇ.સ. 1010 થી 1053 સુધીનો હોવાની માહિતી ઉપલબ્ધ છે.

રાજા ભોજ પણ મહાપ્રતાપી અને સનાતન ધર્મના રક્ષક તરીકે વિખ્યાત છે. ઉજ્જૈનના જ રાજા ભોજ વિક્રમાદિત્યના 11માં વંશજ હતા. રાજા ભોજે પણ વિક્રમાદિત્યની જેમ દેશભરમાં અનેક મંદિરો બનાવી સનાતન ધર્મને ટકાવી રાકવા જબરદસ્ત યોગદાન આપ્યું હતું. તેમનુ બનાવેલ નગર ભોજપુર અને ભોજપાલ તરીકે ઓળખાતુ જે આજે ભોપાલ તરીકે ઓળખાય છે. વિક્રમાદિત્યના સનાતન ધર્મના પુન:રોદ્ધાર પછી એક હજાર વર્ષે ભોજરાજાની સનાતન ધર્મ સુરક્ષાની યાદગાર રાજનીતિક સેવા પછી કેટલાક સનાતની ધર્મગુરુઓ આજે માને છે કે રાજા ભોજના અતુલ્ય યોગદાન પછી ફરી એક હજાર વર્ષે ભારતમાં સનાતન ધર્મની રક્ષાર્થે વર્તમાન સરકાર એજ પ્રકારે કાર્યરત રહી યોગદાન આપી રહી છે.

Most Popular

To Top