એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા ઉપરના એક પત્રમાં લોકમાન્ય તિલકને એમ કહેતા ટાંક્યા છે કે, “ઇંગ્લેન્ડમાં આચાર, વિચાર અને પ્રચારના ક્ષેત્રે પ્રવર્તતા સ્વતંત્ર વાતાવરણની જે અનુકૂળતા તમને છે એવી સ્વતંત્રતા અમને અહીં મળે એવી કોઈ શક્યતા નથી.” (સમગ્ર સાવરકર વાંગ્મય, ખંડ ૧, પૃષ્ઠ, ૩૨૫)
આમ એટલું તો ખરું જ કે ભારતમાં રહીને રાજકીય પ્રવૃત્તિ કરવા કરતાં બ્રિટનમાં વસીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં ઓછું જોખમ હતું. શ્યામજી કૃષ્ણવર્મા અને લોકમાન્ય તિલક બન્નેએ આમ કહ્યું છે અને દસ્તુરખુદ સાવરકરે આનાં પ્રમાણ આપ્યાં છે. લંડનના વાસને ‘શત્રુની છાવણી’ તરીકે ઓળખાવવી એ શબ્દછલના છે અને બહાદુરીનો આભાસ છે. વાસ્તવમાં એ સલામત ભૂમિ હતી. પોતાના વહાલસોયા પુત્રો ગુમાવનારાં મા બાપો સાવરકર વિષે આવો અભિપ્રાય ધરાવતા હતા તો તેઓ ખોટાં નહોતાં. બેરિસ્ટરનું ભણવા મળશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વિદેશમાં સંપર્કો થશે અને જોખમ વિના નિર્ભયતાથી રાજકીય અભિપ્રાય વ્યક્ત કરી શકાશે તેમ જ રાજકીય પ્રવૃત્તિ કરી શકાશે એવી ગણતરીએ સાવરકર લંડન ગયા હતા. તેઓ ‘શત્રુની છાવણીમાં’ નહોતા ગયા, પણ સલામત છાવણીમાં ગયા હતા.
સાવરકરે ‘માઝ્યા આઠવણી’ (મારાં સંસ્મરણો) નામના પુસ્તકમાં તેમના દ્વારા સ્થાપિત સંગઠન ‘અભિનવ ભારત’નો ૧૯૦૦ થી ૧૯૦૨ સુધીનો અહેવાલ આપ્યો છે. એમાં તેઓ લખે છે: “ગાંધીજી જ્યારે God Save the King નામની પ્રાર્થના નિરુપાયે નહીં, પણ હરખે હરખે ગાતા હતા અને હિન્દુસ્તાનનું રાજકીય આકાશ મધ્યરાત્રીના કાળા અંધકારથી ભરેલું હતું ત્યારે અભિનવ ભારતના તેજોપુંજનો અકસ્માત ઉદય થયો હતો. અકાળે અરુણોદય થાય એવી ઘટના બની. એ જોઇને લોકો આભા બની ગયા. એ લોકો (ભારતના પ્રસ્થાપિત નેતાઓ) જ્યારે અંગ્રેજ સરકાર પાસે પાછલા પ્રહરની યાચક અવસ્થામાં જે તે માગણીઓ કરતા હતા ત્યારે અચાનક સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો સૂર્યોદય થયો અને નિદ્રાગ્રસ્ત જનતા અરુણોદય જોઇને આભી બની ગઈ તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. સંપૂર્ણ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિયુદ્ધ એ જ એક માત્ર અને અનિવાર્ય સાધન છે એવું વગાડીને કહેનારા અને એ સારુ શત્રુના અને પોતાના પ્રાણની પરવા નહીં કરનારા માથાફરેલ તરુણને શાણાઓ જોતા રહ્યા.
“રાજદ્રોહી, ભયંકર, બંડખોર! શાસકો અમને આ ભાષામાં ઓળખાવવા લાગ્યા. માથાફરેલ અને મૂર્ખ! શહાણાઓ અમને આ રીતે ઓળખાવીને તિરસ્કાર કરવા માંડ્યા. અકાળે અનિષ્ટ અને આત્મઘાત તરીકે ઓળખાવીને સ્વજનો અને હિતચિંતકો ગળે વળગીને સાવધાનીની સલાહ આપવા લાગ્યા. પણ અમને તેનું ભાન નહોતું. બેશુદ્ધ અવસ્થામાં અંગમાં જાણે કે કોઈ સંચાર થયો હોય એમ અમને તો શિવાજી અને કૃષ્ણના અને ગેરીબાલ્ડી અને મેઝિનીના જ શબ્દો સંભળાતા હતા. એ ભવ્ય ભૂતકાળના અને ‘ધન્ય!’ ‘ધન્ય!’ તરીકે શૌર્યનું સ્વાગત કરનારા તેમ જ હવે પછી આકાર પામનારા ભવિષ્યકાળના શબ્દોનો ધ્વનિ અમારા કાને ગૂંજતો હતો. એણે અમારી અંદર ક્રાંતિનો ઉન્માદ પેદા કર્યો હતો અને અમે ગાંડા થયા હતા.” (સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ-૧, પૃષ્ઠ-૧૭૦)
વિનાયક દામોદર સાવરકરનો જન્મ ૧૮૮૩ માં થયો હતો. ૧૯૦૦ ની સાલમાં ૧૭ વરસની ઉંમરે ‘મિત્ર મેળા’ નામનું યુવકોનું એક સંગઠન તેમણે નાસિકમાં સ્થાપ્યું હતું જેને આગળ ‘અભિનવ ભારત’માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ઉપર જે અહેવાલ આપ્યો છે એ માત્ર નાસિક શહેરમાં ૧૭-૧૯ વરસની ઉંમરે તેમણે અને તેમના મિત્રોએ કરેલા કામનું છે. અંગ્રેજો થરથરે, શહાણાઓ તિરસ્કાર કરે અને સ્વજનો ચિંતા કરીને ગળે વળગે એવા ક્રાંતિસૂર્યનો ઉદય નાસિકમાં થયો હતો એવો સાવરકર દાવો કરે છે. પણ હવે આશ્ચર્ય એ વાતનું છે કે કેસરિયા કરવા તત્પર અને સશસ્ત્ર ક્રાંતિથી રંગાયેલા નાસિકના આવા ભાનભૂલેલા તરુણોને છોડીને એ જ વરસે ૧૯૦૨ ની સાલમાં સાવરકર વધુ અભ્યાસ કરવા પુના ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા અને ૧૯૦૬ માં બેરિસ્ટરનો અભ્યાસ કરવા લંડન જતા રહ્યા!
હવે કહો કે સાચો ક્રાંતિકારી નાસિકની ચિનગારીને દેશભરમાં ફેલાવીને ભડકો કરે કે પછી નાસિકને રામરામ કરીને પહેલાં પુના અને પછી લંડન જાય? જો ક્રાંતિની સંભવના તેઓ કહે છે એમ નાસિકમાં પેદા થઈ ચૂકી હતી અને એ પણ સ્વજનો અને શત્રુઓ ડરી જાય એવી સશક્ત હતી તો નાસિકને છોડીને પુના અને લંડનમાં ક્રાંતિની શોધમાં જવાની શું જરૂર પડી? સાચો ક્રાંતિકારી જાનફેસાની કરવા તત્પર યુવકોની સાથે રહે કે તેમને છોડીને જાય? પણ હકીકત તો એ છે કે તેઓ ક્રાંતિ, ક્રાંતિકારી યુવકો અને ક્રાંતિની જન્મભૂમિ નાસિકને છોડીને જતા રહ્યા હતા. કોઈ સ્વાતંત્ર્યવીર આવું કરે? પણ સાવરકરે આવું કર્યું.
કારણ? પહેલું કારણ એ કે તેઓ ઉક્ત અહેવાલમાં દાવો કરે છે એવી કોઈ ક્રાંતિની સંભવના નાસિકમાં પેદા નહોતી થઈ. કોઈ સમકાલીન અહેવાલોમાં તેની પુષ્ટિ મળતી નથી. બીજું આનાથી મોટું કારણ એ કે લંડન સલામત ભૂમિ હતી. ત્યાં શિક્ષણ, ડીગ્રી, પ્રતિષ્ઠા, સંપર્કો અને ઉપરથી રાજકીય બાબતે ગમે તે લખવા-બોલવા-કરવાની આઝાદી અને સલામતી એમ બધું જ મળે એમ હતું. પણ સલામતી અને આઝાદી તોળવામાં સાવરકર થાપ ખાઈ ગયા. તેમને એમ લાગ્યું કે તેઓ લંડનમાં બેસીને કાંઈ પણ કરી શકાશે.
જ્યાં સુધી તેઓ પોતે કાયદો હાથમાં નહીં લે ત્યાં સુધી ડરવાની જરૂર નથી અને લંડનવાસ દરમ્યાન કાયદો તેમણે ક્યારેય તોડ્યો નહોતો. તેઓ માત્ર મરાઠી ભાષામાં જલદ ક્રાંતિકારી લખાણો લખતા હતા, જેના પ્રભાવમાં આગળ કહ્યું એમ યુવકો સાહસ કરતા હતા અને મરતા હતા કાં પકડાતા હતા. અંગ્રેજ સરકાર આ જાણતી હતી, પણ સાવરકર લંડનમાં હોવાથી સંયમ જાળવતી હતી. એમાં બે ઘટના એવી બની જેણે વિનાયક દામોદર સાવરકરનું નસીબ બદલી નાખ્યું અને માફીઓ ઉપર માફી માગવાની નોબત આવી પડી. કોઈ ક્રાંતિકારીના નસીબમાં આવી નાલેશી નહીં આવી હોય! એ શું ઘટના હતી એની વાત હવે પછી. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા ઉપરના એક પત્રમાં લોકમાન્ય તિલકને એમ કહેતા ટાંક્યા છે કે, “ઇંગ્લેન્ડમાં આચાર, વિચાર અને પ્રચારના ક્ષેત્રે પ્રવર્તતા સ્વતંત્ર વાતાવરણની જે અનુકૂળતા તમને છે એવી સ્વતંત્રતા અમને અહીં મળે એવી કોઈ શક્યતા નથી.” (સમગ્ર સાવરકર વાંગ્મય, ખંડ ૧, પૃષ્ઠ, ૩૨૫)
આમ એટલું તો ખરું જ કે ભારતમાં રહીને રાજકીય પ્રવૃત્તિ કરવા કરતાં બ્રિટનમાં વસીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં ઓછું જોખમ હતું. શ્યામજી કૃષ્ણવર્મા અને લોકમાન્ય તિલક બન્નેએ આમ કહ્યું છે અને દસ્તુરખુદ સાવરકરે આનાં પ્રમાણ આપ્યાં છે. લંડનના વાસને ‘શત્રુની છાવણી’ તરીકે ઓળખાવવી એ શબ્દછલના છે અને બહાદુરીનો આભાસ છે. વાસ્તવમાં એ સલામત ભૂમિ હતી. પોતાના વહાલસોયા પુત્રો ગુમાવનારાં મા બાપો સાવરકર વિષે આવો અભિપ્રાય ધરાવતા હતા તો તેઓ ખોટાં નહોતાં. બેરિસ્ટરનું ભણવા મળશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વિદેશમાં સંપર્કો થશે અને જોખમ વિના નિર્ભયતાથી રાજકીય અભિપ્રાય વ્યક્ત કરી શકાશે તેમ જ રાજકીય પ્રવૃત્તિ કરી શકાશે એવી ગણતરીએ સાવરકર લંડન ગયા હતા. તેઓ ‘શત્રુની છાવણીમાં’ નહોતા ગયા, પણ સલામત છાવણીમાં ગયા હતા.
સાવરકરે ‘માઝ્યા આઠવણી’ (મારાં સંસ્મરણો) નામના પુસ્તકમાં તેમના દ્વારા સ્થાપિત સંગઠન ‘અભિનવ ભારત’નો ૧૯૦૦ થી ૧૯૦૨ સુધીનો અહેવાલ આપ્યો છે. એમાં તેઓ લખે છે: “ગાંધીજી જ્યારે God Save the King નામની પ્રાર્થના નિરુપાયે નહીં, પણ હરખે હરખે ગાતા હતા અને હિન્દુસ્તાનનું રાજકીય આકાશ મધ્યરાત્રીના કાળા અંધકારથી ભરેલું હતું ત્યારે અભિનવ ભારતના તેજોપુંજનો અકસ્માત ઉદય થયો હતો. અકાળે અરુણોદય થાય એવી ઘટના બની. એ જોઇને લોકો આભા બની ગયા. એ લોકો (ભારતના પ્રસ્થાપિત નેતાઓ) જ્યારે અંગ્રેજ સરકાર પાસે પાછલા પ્રહરની યાચક અવસ્થામાં જે તે માગણીઓ કરતા હતા ત્યારે અચાનક સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો સૂર્યોદય થયો અને નિદ્રાગ્રસ્ત જનતા અરુણોદય જોઇને આભી બની ગઈ તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. સંપૂર્ણ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિયુદ્ધ એ જ એક માત્ર અને અનિવાર્ય સાધન છે એવું વગાડીને કહેનારા અને એ સારુ શત્રુના અને પોતાના પ્રાણની પરવા નહીં કરનારા માથાફરેલ તરુણને શાણાઓ જોતા રહ્યા.
“રાજદ્રોહી, ભયંકર, બંડખોર! શાસકો અમને આ ભાષામાં ઓળખાવવા લાગ્યા. માથાફરેલ અને મૂર્ખ! શહાણાઓ અમને આ રીતે ઓળખાવીને તિરસ્કાર કરવા માંડ્યા. અકાળે અનિષ્ટ અને આત્મઘાત તરીકે ઓળખાવીને સ્વજનો અને હિતચિંતકો ગળે વળગીને સાવધાનીની સલાહ આપવા લાગ્યા. પણ અમને તેનું ભાન નહોતું. બેશુદ્ધ અવસ્થામાં અંગમાં જાણે કે કોઈ સંચાર થયો હોય એમ અમને તો શિવાજી અને કૃષ્ણના અને ગેરીબાલ્ડી અને મેઝિનીના જ શબ્દો સંભળાતા હતા. એ ભવ્ય ભૂતકાળના અને ‘ધન્ય!’ ‘ધન્ય!’ તરીકે શૌર્યનું સ્વાગત કરનારા તેમ જ હવે પછી આકાર પામનારા ભવિષ્યકાળના શબ્દોનો ધ્વનિ અમારા કાને ગૂંજતો હતો. એણે અમારી અંદર ક્રાંતિનો ઉન્માદ પેદા કર્યો હતો અને અમે ગાંડા થયા હતા.” (સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ-૧, પૃષ્ઠ-૧૭૦)
વિનાયક દામોદર સાવરકરનો જન્મ ૧૮૮૩ માં થયો હતો. ૧૯૦૦ ની સાલમાં ૧૭ વરસની ઉંમરે ‘મિત્ર મેળા’ નામનું યુવકોનું એક સંગઠન તેમણે નાસિકમાં સ્થાપ્યું હતું જેને આગળ ‘અભિનવ ભારત’માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ઉપર જે અહેવાલ આપ્યો છે એ માત્ર નાસિક શહેરમાં ૧૭-૧૯ વરસની ઉંમરે તેમણે અને તેમના મિત્રોએ કરેલા કામનું છે. અંગ્રેજો થરથરે, શહાણાઓ તિરસ્કાર કરે અને સ્વજનો ચિંતા કરીને ગળે વળગે એવા ક્રાંતિસૂર્યનો ઉદય નાસિકમાં થયો હતો એવો સાવરકર દાવો કરે છે. પણ હવે આશ્ચર્ય એ વાતનું છે કે કેસરિયા કરવા તત્પર અને સશસ્ત્ર ક્રાંતિથી રંગાયેલા નાસિકના આવા ભાનભૂલેલા તરુણોને છોડીને એ જ વરસે ૧૯૦૨ ની સાલમાં સાવરકર વધુ અભ્યાસ કરવા પુના ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા અને ૧૯૦૬ માં બેરિસ્ટરનો અભ્યાસ કરવા લંડન જતા રહ્યા!
હવે કહો કે સાચો ક્રાંતિકારી નાસિકની ચિનગારીને દેશભરમાં ફેલાવીને ભડકો કરે કે પછી નાસિકને રામરામ કરીને પહેલાં પુના અને પછી લંડન જાય? જો ક્રાંતિની સંભવના તેઓ કહે છે એમ નાસિકમાં પેદા થઈ ચૂકી હતી અને એ પણ સ્વજનો અને શત્રુઓ ડરી જાય એવી સશક્ત હતી તો નાસિકને છોડીને પુના અને લંડનમાં ક્રાંતિની શોધમાં જવાની શું જરૂર પડી? સાચો ક્રાંતિકારી જાનફેસાની કરવા તત્પર યુવકોની સાથે રહે કે તેમને છોડીને જાય? પણ હકીકત તો એ છે કે તેઓ ક્રાંતિ, ક્રાંતિકારી યુવકો અને ક્રાંતિની જન્મભૂમિ નાસિકને છોડીને જતા રહ્યા હતા. કોઈ સ્વાતંત્ર્યવીર આવું કરે? પણ સાવરકરે આવું કર્યું.
કારણ? પહેલું કારણ એ કે તેઓ ઉક્ત અહેવાલમાં દાવો કરે છે એવી કોઈ ક્રાંતિની સંભવના નાસિકમાં પેદા નહોતી થઈ. કોઈ સમકાલીન અહેવાલોમાં તેની પુષ્ટિ મળતી નથી. બીજું આનાથી મોટું કારણ એ કે લંડન સલામત ભૂમિ હતી. ત્યાં શિક્ષણ, ડીગ્રી, પ્રતિષ્ઠા, સંપર્કો અને ઉપરથી રાજકીય બાબતે ગમે તે લખવા-બોલવા-કરવાની આઝાદી અને સલામતી એમ બધું જ મળે એમ હતું. પણ સલામતી અને આઝાદી તોળવામાં સાવરકર થાપ ખાઈ ગયા. તેમને એમ લાગ્યું કે તેઓ લંડનમાં બેસીને કાંઈ પણ કરી શકાશે.
જ્યાં સુધી તેઓ પોતે કાયદો હાથમાં નહીં લે ત્યાં સુધી ડરવાની જરૂર નથી અને લંડનવાસ દરમ્યાન કાયદો તેમણે ક્યારેય તોડ્યો નહોતો. તેઓ માત્ર મરાઠી ભાષામાં જલદ ક્રાંતિકારી લખાણો લખતા હતા, જેના પ્રભાવમાં આગળ કહ્યું એમ યુવકો સાહસ કરતા હતા અને મરતા હતા કાં પકડાતા હતા. અંગ્રેજ સરકાર આ જાણતી હતી, પણ સાવરકર લંડનમાં હોવાથી સંયમ જાળવતી હતી. એમાં બે ઘટના એવી બની જેણે વિનાયક દામોદર સાવરકરનું નસીબ બદલી નાખ્યું અને માફીઓ ઉપર માફી માગવાની નોબત આવી પડી. કોઈ ક્રાંતિકારીના નસીબમાં આવી નાલેશી નહીં આવી હોય! એ શું ઘટના હતી એની વાત હવે પછી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.