ગાંધીનગર: સૌરાષ્ટ્ર તમિલ સંગમ (Saurashtra Tamil Sangam) કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર – કેવડિયા ખાતે ૩૦૦ યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી – ૨ ખાતે વડોદરાથી (Vadodra) બસ (Bus) મારફતે આવી પહોંચ્યો હતો. રાજયના નર્મદા જિલ્લાના ચૂંટાયેલા પધાધિકારીઓએ આ મહેમાનોનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં ‘કેમ છો…. મજામાં છો…. બહુ મઝા આવી…’ નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી ભાવવિભોર બન્યા હતા. સરદાર સાહેબની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જોતાં જ અરે વાહ …બ્યુટીફૂલના શબ્દો તેમના મુખેથી સરી પડ્યા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રોડ – રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટુર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય- અકલ્પનીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે તેમની આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી.
મહેમાનોએ દેશના પીએમ નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તામિલનાડુના કન્વીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રિકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું.
આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતિક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ-શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી – ૨ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.