અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) 12 ઓક્ટોબરના રોજ બી.કોમ (B COM) સેમેસ્ટર 5 અને બીબીએ (BBA) સેમેસ્ટર 5ના પેપરલીક મામલે 24 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી. તો આ પેપરલીકની (Pepperleak) ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવા એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી હતી.એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, પેપરલીક કરવાવાળા લોકોનો ઉત્સાહ બુલંદ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરના એક દિવસ પહેલાં પ્રેસનોટમાં બતાવવામાં આવ્યા હતા. ન્યૂઝ પેપર સાથે સંકળાયેલા લોકોએ જ પેપરલીકની જાણકારી પોલીસને આપી હતી.
સરકારે આ માટે કોઈ નક્કર પગલાં કે તપાસ કે કાર્યવાહી કરી નથી
આ બાદ પોલીસ દ્વારા આ બંને પેપરની તપાસ બાદ સામે આવ્યું કે પ્રેસનોટમાં આવેલા પેપર અને પરીક્ષા માટે સેટ કરવામાં આવેલા પેપર એક જ છે. ત્યાર બાદ તરત જ બંને પરીક્ષા રદ કરવામાં આવી હતી. આટલી ગંભીર ઘટના થવા છતાં પણ સરકારે આ માટે કોઈ નક્કર પગલાં કે તપાસ કે કાર્યવાહી કરી નથી.પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના 2 પેપર લીક ઘટનામાં મુખ્યમંત્રી પણ આ બાબતે કોઈ પ્રતિક્રિયા કહેવા તૈયાર નથી કે પ્રધાનમંત્રીને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કોણ છે તે ઘણા લોકોને ખબર પણ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈ તપાસ કરી રહી નથી. તેનાથી સાબિત થાય છે કે ઉપરથી નીચે સુધી બધા જ પેપરલીકમાં સંકળાયેલા છે એટલા માટે આ પેપરલીક સાથે જોડાયેલા અપરાધીઓના ઉત્સાહ બુલંદ છે.
વાલીઓ પોતાનાં બાળકોનાં ભવિષ્ય માટે ચિંતિત
ગુજરાતમાં વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા બેસે ત્યારે એ તૈયારીથી બેસે છે કે ગમે ત્યારે પેપરલીકની ખબર આવશે અને પરીક્ષા રદ કરવામાં આવશે. આ માટે ભાજપના એકપણ નેતા એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. રાજ્યમાં વાલીઓ પોતાનાં બાળકોનાં ભવિષ્ય માટે ચિંતિત છે. જે પરિવાર પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે, તે હવે ગુજરાતમાં ભણાવવા માંગતા નથી અને બીજા રાજ્યોમાં શિક્ષણ માટે મોકલે છે પણ એ બાળકોનું શું ? જેમનાં મા-બાપ એમના છોકરાઓને સારા શિક્ષણ માટે બહાર મોકલી શકતા નથી ?