Gujarat

“ગુલાબ”ના લીધે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની નિરાંત થઈ ગઈ, ડેમ છલકાયા

ગુલાબ વાવાઝોડાની ઘાતકતા ઘટી ગઈ પરંતુ તેના લીધે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોય અહીંના 64 ડેમ છલોછલ ભરાઈ ગયા છે. તેમ છતાં ખેડૂતો ખુશ નથી. પાછોતરા વરસાદના લીધે પાકને ઘણું નુકસાન થયું છે, ત્યારે હવે શું થશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

  • નર્મદા ડેમની ગુરુવારે સવારે સપાટી 126 મીટર પર પહોંચી હતી, જેના લીધે સૌરાષ્ટ્રના ડેમો પણ છલકાયા હતા. પ્રત્યેક ડેમમાં સરેરાશ પાણી 63.30 ટકા નોંધાયું છે. કુલ જળસંગ્રહ ક્ષમતાનું 85 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો નહોતો. મેઘરાજાએ ઘણી રાહ જોવડાવી હતી. સપ્ટેમ્બરમાં પણ છેક છેલ્લાં અઠવાડિયામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે નર્મદા ડેમની ગુરુવારે સવારે સપાટી 126 મીટર પર પહોંચી હતી, જેના લીધે સૌરાષ્ટ્રના ડેમો પણ છલકાયા હતા. પ્રત્યેક ડેમમાં સરેરાશ પાણી 63.30 ટકા નોંધાયું છે. કુલ જળસંગ્રહ ક્ષમતાનું 85 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની નિરાંત થઈ ગઈ છે. પરંતુ ખરીફ પાકના ખેડૂતોની ચિંતા વધી છે. તેઓનો પાક નષ્ટ થતાં હવે સરકારી સહાયની આશા તેઓ કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસું પાક તરીકે મુખ્યત્વે મગફળી અને કપાસ ઉગે છે. કેટલાંક ઠેકાણે તલ પણ વાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેના લીધે પાકને પારાવાર નુકસાન થયું છે. મગફળી ઉપાડવાની તૈયારી હતી ત્યાં જ વરસાદ તૂટી પડતાં ખેતરમાંથી ઉપાડવાની કામગીરી અટકી પડી છે. જમીનની અંદર જ મગફળી ઉગવા લાગી છે, જે ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં ઢગલા કરેલા તેના પર વરસાદ પડવાથી તે બગડવા માંડી છે. ગયા વર્ષ કરતા 50 ટકા જ મગફળી બજારમાં આવે તેવો હાલનો અંદાજ છે.

કપાસનો પાક પણ ભારે વરસાદના લીધે ખરવા માંડ્યો છે. તલીનું પણ ધોવાણ થઈ ગયું છે. દર વર્ષે મગફળી નવરાત્રિમાં અને કપાસ દિવાળીની આસપાસ બજારમાં આવતો હોય છે. જોકે, આ પાછોતરા વરસાદના લીધે જળનો જથ્થો વધુ ઉપલ્બ્ધ થતા ઘઉં, ચણા, જીરૂ જેવા શિયાળુ પાક માટે ઉપયોગી થશે.

Most Popular

To Top