SURAT

ઉનાળા પહેલાં જ લીંબુ કેમ થયા મોંઘા?: ત્રણ જ દિવસમાં ભાવ ડબલ…

સુરત: ઉનાળો શરૂ થાય તે પહેલાં જ લીંબુના ભાવમાં એકાએક ધરખમ વધારો થયો છે. છેલ્લાં ત્રણ ચાર દિવસમાં લીંબુના ભાવ બે ગણા વધી ગયા છે, જેના લીધે ગૃહિણીઓએ લીંબુની ખરીદી ટાળવી પડી રહી છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં જ લીંબુના ભાવ વધતા વેપારીઓ પણ ચોંકી ગયા છે.

  • સુરતમાં લીંબુના રિટેલના ભાવ 3 દિવસમાં બમણા થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • આંધ્રના વીજપુરથી માલ આવવાનો બંધ થઈ ગયો છે જેને લીધે શોર્ટ સપ્લાય ઊભી થઈ

સૌરાષ્ટ્ર (Saurashtra) અને કર્ણાટકથી (Karnataka) આવકમાં ઘટાડો થતાં સુરતમાં (Surat) લીંબુના (Lemon) રિટેલના ભાવ 3 દિવસમાં બમણા થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સુરત એપીએમસી (APMC) માર્કેટમાં અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કર્ણાટકમાંથી મોટાપાયે લીંબુ ઊતરતા હતા. પણ આ વર્ષે ત્યાં પાક ઓછો ઊતરતાં માલ જે-તે પ્રદેશમાં જ વેચાઈ રહ્યો છે. અત્યારે સુરતમાં એકમાત્ર મહારાષ્ટ્ર ચાલીસ ગાવ તાલુકામાંથી લીંબુ આવી રહ્યાં છે. આંધ્રના વીજપુરથી માલ આવવાનો બંધ થઈ ગયો છે. જેને લીધે શોર્ટ સપ્લાય ઊભી થઈ છે.

સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ પછી ઠંડી વધી અને એ પછી થોડાક દિવસ ગરમી રહ્યા પછી ફરી ઠંડીનો ચમકારો થતાં પાકને વ્યાપક અસર થઈ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં માલ એટલો જ ઊતર્યો છે, જેટલી એમની જરૂરિયાત છે. બીજી તરફ ગુજરાતના પાદરા, નરસંડા અને નડિયાદમાં જમીનના ભાવો વધતાં લીંબુની વાડીઓ વેચાઈ ગઈ છે.

ભય એવો છે કે, ક્લાઈમેન્ટ ચેન્જને લીધે ઉત્પાદન ઓછું રહેતાં આ વર્ષે ગરમીમાં હોલસેલમાં લીંબુ વેચાણનો ગત વર્ષનો 20 કિલોનો 2500 રૂપિયાનો રેકોર્ડ તૂટી શકે છે. ત્રણ દિવસ અગાઉ 20થી 35 રૂપિયે કિલો મળતાં લીંબુ સીધા 50થી 70 રૂપિયે કિલો થઈ ગયા છે. શિયાળામાં લીંબુ સહિત શાકભાજીની કિંમતો ઓછી રહેતી હોય છે. પણ ક્લાઈમેન્ટ ચેન્જને લીધે ભાવો ખૂબ ઓછા ઘટ્યા છે. સુરત એપીએમસીમાં રોજ 70 ટન જેટલાં લીંબુની આવક સામાન્ય દિવસોમાં રહેતી હતી. એની સામે માત્ર 40 ટન માલ મહારાષ્ટ્રથી આવી રહ્યો છે. ડિમાન્ડ સામે સપ્લાય ઓછી રહેતાં ભાવો વધ્યા છે.

Most Popular

To Top