વડોદરા: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ 5 લાખની માગ પૂરી ન કરતી પરિણીતાને ઢોરમાર મારીને પહેરેલ કપડે કાઢી મૂકતા પીડિતાએ મહિલા પોલીસ મથકે અત્યાચારી સાસરિયાઓ વિરૂધ્ધ દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સમા રોડ સ્થિત જવાહરનગર ઝુંપડપટ્ટીમાં રહેતી 23 વર્ષીય તેજલ નટુભાઈ માળીના લગ્ન અનિલ ગોકળ માળી (રહેવાસી, ઢાળ પાસે દોડકા) સાથે થયા હતા.
લગ્નજીવનના ટુંકા સમય બાદ જ સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું. સંયુકત પરિવારમાં પતિ, સાસુ, ઉષાબેન ગોકળ માળી, સસરા ગોકળ શના માળી, દિયર કિશન જેઠ વિજય સહિત કાકા સસરાના ત્રણ પુત્ર વારંવાર મહેણા ટોણા મારીને પરીણીતાને ત્રાસ આપતા હતા. હદ બહારનો ત્રાસ સહન ના થતાં પ્રતિકાર કરતી પરિણીતાને સાસરિયાઓએ અનેક વખત મારઝુડ કરી હતી.
પાંચ વર્ષથી ત્રાસ આપતા સાસરિયાઓએ પરિણીતાને 5 લાખ રૂપિયા તેના પિયરમાંથી લાવવા ધમકી આપી માર માર્યા બાદ પહેરેલ કપડે કાઢી મૂકી હતી અને સ્ત્રીધન પર કબજો કરી લેતા નિ:સહાય પરિણીતાએ પોતાના પિયર આવીને મહિલા પોલીસ મથકે ગુનો પતિ, સસરા, સાસુ સહિત 7 વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
તું વાંઝણી છેના મહેણાં ટોણાં મારી ત્રાસ આપતા
તરસાલી સ્થિત માધવપાર્કના એ-47 માં પિયરમાં રહેતી સ્વેતાબેને શિવમ સદાશિવ મોરે સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનના ત્રણ વર્ષ થવા છતાં દંપતીને કોઈ સંતાન ના થવાથી સાસુ અને દિયર દેરાણી મહેણા ટોણા મારતા હતા. તારે સંતાનમાં કોઈ બાળક નથી તુ તો વાંછણી છે અમારા ઘરમાં નહીં ચાલે તું ઘરનો વારસ આપી નહીં શકે અને તારા પતિના બીજા લગ્ન કરાવી દઈશું ની ધમકી આપી વારંવાર ઢોર માર મારીને અત્યાચાર ગુજારતા હતા. પરિણીતાના માતાિપતાએ સાસરીયાઓને સમજાવવાનો પ્રયાસ કરતા તેેમને પણ અપમાનીત કર્યા હતા. પરીણીતાએ મકરપુરા પોલીસ મથકે પતિ, સાસુ મીનાબેન દિયર રોહન મોરે અને દેરાણી કરીશ્મા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.