ગાંધી અને સરદારના મોડેલને કચડીને ભાજપ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મોંઘવારીમાં દુષ્કર બનાવી દીધું છે, ત્યારે ગુજરાતની જનતાને દારૂ મળે તેવી હોટલોની નહીં, પરંતુ દવા મળે તેવી હોસ્પિટલોની જરૂર છે, તેવું વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે આજે ગુજરાતની અંદર ખેડૂતો જે ઉત્પાદન કરે છે, તેમને પોષણક્ષમ ભાવો નથી મળતા, અને બીજી બાજુ એજ ખેતપેદાશોમાં મોંઘવારીએ માજા મુકી છે. ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ગ્રાહકોને કોઈ વસ્તુ સસ્તી નથી મળતી તો આ વચ્ચેની મલાઈ કોણ તારવી જાય છે ? ૪૦ રૂપિયાની પડતર પેટ્રોલા ગુજરાતમાં દરેક વ્યક્તિએ ૧૦૦ રૂપિયા શું કામ ચુકવવા પડે છે.
૪૨ રૂપિયા પડતર ડીઝલના ૯૫-૯૭ રૂપિયા સામાન્ય માણસને શું કામ ચુકવવા પડે છે ?. પેટ્રોલ પેદાશ પર ઉંચો કર વસુલાતા આજે પરિવહન ખર્ચ વધ્યો છે, વિજળી, બસનું ભાડુ, ગેસનો બાટલો, કેરોસીન ઉપર કાપ, ચારેકોર મોંઘવારીથી સપડાયેલો માણસ ભુખ્યા પેટે જીવન જીવવા માટે મોતની સામે ઝઝુમી રહ્યો હોય એવી કટોકટીમાંથી સમગ્ર ગુજરાત પસાર થઈ રહ્યો છે .
ત્યારે આપણે સૌ સાથે મળી આ વધતી મોંઘવારી અને બેરોજગારી વચ્ચે સામાન્ય માણસના ખિસ્સા ખંખેરનારી ભાજપ સરકારને જગાડવા અવાજ ઉઠાવવો પડશે. ગાંધી અને સરદારના ગુજરાતમાં કરના નામે લોકોના ખિસ્સામાં લૂંટ ચલાવનારી આ ભાજપ સરકાર વિરૂદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.