Madhya Gujarat

ખેડા જિલ્લામાં સરપંચ પતિઆેનું રાજ !

નડિયાદ: ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્ય પદે ચૂંટાયેલી મહિલાઓના સ્થાને તેમના પરિવારના પુરૂષો દ્વારા વહીવટ કરવામાં આવે છે. ત્યારે મહિલાઓના અધિકાર પર તરાપ મારનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખને લેખિત રજુઆત કરવામાં આવી છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ નકુમે રજુઆતમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર તથા ગુજરાતની રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે કટિબધ્ધ છે. મહિલાઓને વિવિધ અધિકારો મળે તે માટે સરકાર કાયદાઓ ઘડે છે. પરંતુ આ કાયદાઓની છટકબારીનો લાભ લઈને મહિલાઓને લાભ ન મળે તે માટેના કારસા પણ ગોઠવાતાં હોય છે. ગુજરાત સરકારે પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે સભ્યપદ, સરપંચપદ તેમજ નગરપાલિકાના પ્રમુખ માટે અનામત સીટો ફાળવી છે. તેમ છતાં મોટાભાગના કિસ્સાઓમાં ચૂંટાયેલી મહિલાઓના સ્થાને તેમના પતિ કે અન્ય કોઈ નજીકના સગાં વહીવટ કરતાં હોય છે. ત્યારે ખેડા જિલ્લા માટે એક સ્ક્વોર્ડ બનાવી કેટલી ગ્રામપંચાયતોમાં સરપંચ મહિલાના સ્થાને તેમના ઘરના પુરૂષો વહીવટ કરે છે તેની તપાસ કરાવી, મહિલાઓના બંધારણ ઉપર તરાપ મારનાર આવા પુરૂષોને ઉઘાડા પાડી, તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

ભાજપની મહિલા સશક્તિકરણની માત્ર વાતો ?
એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે. તો વળી બીજી બાજુ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થકી ગ્રામપંચાયતથી લઈ નગરપાલિકાની ચુંટણીઓમાં સરપંચ, સભ્ય તેમજ પ્રમુખના પદે વિજેતાં બનનાર મહિલાઓના સ્થાને તેમના પરિવારના કોઈ પુરૂષ દ્વારા જ વહીવટ કરવામાં આવતો હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા પતિઓના સરપંચોનું રાજ નહીં ચાલે તેવું જણાવ્યું હતું છતાં પણ વડા પ્રધાનની વાતની અવગણના કરાય છે.

લાંચ લેતાં પકડાયેલાં રોહિસ્સાના સરપંચ પતિ સામે કાર્યવાહીની માંગ
તાજેતરમાં જ મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગ્રામપંચાયતના મહિલા સરપંચના પતિ બાબુભાઈ ખોડાભાઈ રાઠોડ બોર તથા ટાંકીની આકારણીની મંજુરી આપવાના બદલામાં અરજદાર પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેતાં એ.સી.બીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયાં હતાં. ત્યારે આ કિસ્સામાં જવાબદારો સામે દાખલો બેસે તેવા કડકમાં કડક પગલાં ભરવા માંગ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ કરી છે.

Most Popular

To Top