સરકારી જમીન પચાવવાનો ભૂમાફિયાઓનો કારસો – Gujaratmitra Daily Newspaper

Vadodara

સરકારી જમીન પચાવવાનો ભૂમાફિયાઓનો કારસો

વડોદરા : શહેરનાં પુર્વ વિસ્તારમા આવેલી અનેક સરકારી જમીનો રાજકીય ઇશારે હડપ કરવાનો કારસો લાંબા સમયથી ચાલી રહયો છે તેમાં આજે વધુ એક ભાંડો ફૂટતા ભૂ માફીયાઓમા ખળભળાટ મચી ગયો હતો. શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલ ડી માર્ટ નજીક રેવા પાર્ક સામે આવેલી જમીનમાં સરકારી જમીન પર કરોડોના ખર્ચે બિલ્ડીંગ અને સોસાયટીના થઈ રહેલા બાંધકામ તદૃન ગેર કાયદેસર હોવાના આક્ષેપ પાલિકાની સભામાં થતા ખળભળાટ મચી ગયો હતો. મેયર સમક્ષ પૂરાવા સહ રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે દંતેશ્વર ના ટીપી સ્કીમ ૩મા આવેલ સર્વે નંબર ૫૪૧ના ફાયનલ પ્લોટ નં:૮૭૩,૮૭૯ અને ૮૮૧ વાળી મિલ્કત સરકારી છે. છતા તેમાં સંજયકુમાર બચુભાઇ પરમાર ગેર કાયદેસર કબ્જો કરીને બાંધકામ કરે છે.

જે જમીનના સરકારી રેકર્ડમાં વર્ષો સુધી નોંધ ફેરફાર થઈ નથી તેમજ મહિજીભાઈ જીણાભાઇ નામનો ઈસમ ગણોતિયો જ નથી છતા તેના નામે બનાવટી દસ્તાવેજો ઉભા કરી ને સોનાની લગડી જેવી કરોડોની જમીન પર ભૂ માફિયા ઓ નો ડોળો પડતા જ કાવતરું રચીને જમીન હડપ કરી લેવા તખ્તો ગોઠવાયો છે. જે જમીન નું રેકોર્ડ ૭/૧૨ પર સરકારી બોલે છે તે જ જમીન નુ રેકોર્ડ સિટી સર્વે કચેરીમાં બિન ખેતી દર્શાવતું હોવાથી વિરોધાભાસ સ્પષ્ટ જણાઈ આવે છે. તેમાં એવા પણ આક્ષેપ થયાં છે કે જમીન બાબતે ધારાશાસ્ત્રી એ ટાઇટલ કલિયરન્સ નોટિસ અખબારમાં આપી હતી પરંતુ કોઇએ વાંધો રજુ ના કરતા સર્ટિફિકેટ આપી દીધુ હતુ. જો સરકારી તંત્રએ જાહેર નોટીસ ને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ ને સત્વરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોત તો કરોડોની જમીન પર ભૂ માફિયા ઓ કબજો સુદ્ધાં ના લઈ શકતા.

Most Popular

To Top