આમોદ: આમોદ તાલુકાના સરભાણ ગામે તા-૮મી નવેમ્બરના રોજ સમી સાંજે કપાસના ખેતરમાં એક સગીરા અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.જેથી આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી સુરત ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની સાથે એફ.એસ.એલની મદદ લીધી હતી.આમોદ પોલીસે બનાવ અંગે અકસ્માત ગુનો નોંધી ઝીણવટભરી તપાસ આરંભી હતી.
આમોદ તાલુકાના સરભાણ ગામે રહેતી ૧૪ વર્ષીય સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા માટે સાંજના સમયે ગઈ હતી અને લાકડાં વીણી ઘરે નાંખી ફરીથી લાકડાં વીણવા ગઈ હતી.ત્યારબાદ તા-૮મી નવેમ્બરના રોજ સાંજના છ કલાકે કોઈ અગમ્ય કારણોસર જશવંતભાઈ પટેલના કપાસના ખેતરમાં તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જેથી આમોદ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આમોદ પોલીસે સગીરાની લાશનો સુરત ખાતેથી પેનલ પોસ્ટમોર્ટમનો પ્રાયમરી રિપોર્ટ આવતાં તેમાં સગીરા સાથે બળાત્કાર કરી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેથી આમોદ પોલીસે બળાત્કાર તેમજ હત્યા અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.નાયક ચલાવી રહ્યા છે. આમોદ તાલુકાના સરભાણ ગામે સગીરા સાથે બળાત્કાર કરી ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા.તેમની સાથે તપાસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.