Gujarat

સાળંગપુરના વહીવટકર્તાઓનો વધુ એક વિવાદ, સિક્યોરિટી ગાર્ડને જાણ બહાર ફરિયાદી બનાવ્યો!

ગાંધીનગર: સાળંગપુર (Sarangpur Mandir) મંદિર ખાતેના હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના ભીંતચિત્રોના વિવાદમાં (Controversy) બે દિવસ પહેલા આ ભીંતચિત્રો ઉપર કાળો રંગ લગાવીને તેને હર્ષદ ગઢવી દ્વારા ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ (Police) ફરિયાદ (FIR) દાખલ થઈ હતી. આ ફરિયાદ સિક્યોરિટી ગાર્ડે તેની જાણ બહાર આપી હોવાનું ચોકાવનારું નિવેદન વિડીયોના માધ્યમથી આપ્યું છે.

  • વિડીયો મુજબ ગાર્ડને ઓફિસમાં બોલાવી કોરા કાગળ પર સહી લઈ લેવાઈ, બીજા દિવસે ખબર પડી કે હું ફરિયાદી છું
  • સિક્યોરિટી ગાર્ડે સોશિયલ મિડીયામાં વિડીયો દ્વારા ચારણ કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગી

સાળંગપુર મંદિર પરિસરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવક ભુપતભાઈએ વિડીયો બનાવી સ્પષ્ટતા કરી હતી કે હું મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો ઉપર કાળો રંગ લગાવી, તોડફોડ કરવામાં આવી તે દિવસે મારી ડ્યુટી ત્યાં હતી. આ બનાવ બાદ થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો, અને પૂછવામાં આવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે તમે ત્યાં હાજર હતા. ત્યારબાદ કોરા કાગળ ઉપર મારી સહી લેવામાં આવી હતી, તે પછી હું મારા ઘરે આવી ગયો હતો. બીજા દિવસે મને ખબર પડી કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. મારી જાણ બહાર જ આ કેસમાં ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, હું નિર્દોષ છું. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉપવાસ આંદોલન કરીશ, જીવ આપી દઈશ: હર્ષદ ગઢવી
સાળંગપુરના ભીંતચિત્રોને ખંડિત કરનાર હર્ષદ ગઢવીની બે દિવસ પહેલા પોલીસે ધરપકડ કરી હતી. જો કે આજે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ હર્ષદ ગઢવીએ કહ્યું હતું કે ભીંતચિત્રો નહીં ઉતરે તો જીવ આપી દેવા સુધીની મારી તૈયારી છે. સાથે જ ઉપવાસ આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી. બે દિવસ પહેલા જ સાળંગપુરના ભીંતચિત્રો ઉપર કાળી સહી લગાવી ભીંતચિત્રોને ખંડિત કરનાર હર્ષદ ગઢવીએ આજે જામીન પર મુક્ત થયા પછી જણાવ્યું હતું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી. પરંતુ તેમના દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવી છે, તેનો વિરોધ કરું છું. હજારો, લાખો લોકોની લાગણી દુભાય તેવું આ કૃત્ય છે. જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો હું ઉપવાસ આંદોલન કરીશ. આ લડત માટે હું મારી જાન આપવા પણ તૈયાર છું.

ભીંતચિત્રો દૂર નહીં કરાય તો લાખો સંત રોડ પર ઉતરશે, ધર્મયુદ્ધ ફાટી નીકળશે: ભારતીબાપુ
ગાંધીનગર: સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ વધુને વધુ વકરતો જાય છે. એક તરફ સાધુ સંતો ભીંતચિત્રોને દૂર કરવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સાળંગપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ મુદ્દે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ભારતી બાપુએ કહ્યું છે કે જો ચિત્રો દૂર નહીં થાય તો લાખો સંતો રોડ ઉપર ઉતરી આવશે અને ધર્મ યુદ્ધ ફાટી નીકળશે. આ તમામ જવાબદારી સ્વામિનારાયણ સંપ્રદાયની રહેશે. ભારતીબાપુએ વધુમાં કહ્યું હતું કે બે દિવસમાં સનાતન ધર્મની તરફેણમાં નિર્ણય લેવામાં આવે, અમે સમાધાનનો માર્ગ ઈચ્છીએ છીએ. જો સમાધાન નહીં થાય તો શાસ્ત્રોમાં શસ્ત્ર ઉગામવાની પણ અનુમતિ છે, તેવી ગર્ભિત ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Most Popular

To Top