સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સરહદીય વિસ્તારમાં આવેલ મોટામાળુંગા (હનવતપાડા)ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યનાં બારામતિ વિસ્તારમાં ગયેલ 14 જેટલા મજૂરો ફસાયા હોવાની વિગતો સાંપડી રહી છે. આ મોટામાંળુગા ગામનાં શ્રમિકોને મજૂરીએ લઈ જનાર લેબર કોન્ટ્રાકટર (Labor Contractor) ખેડૂત પાસેથી મજુરીનાં અંદાજીત રૂપિયા 16 લાખ ઉપાડ લઈ પલાયન થઈ જતા ખેડૂતે છેલ્લા કેટલાય દિવસોથી આ શ્રમિકોને બંધક બનાવ્યા હોવાની વિગતો બહાર આવવા પામતા ચકચાર મચી જવા પામી છે.
મજૂરોને તેમની કિડની વેચી નાખવાની ધમકી: પરિવારજનોએ જણાવ્યુ
મહારાષ્ટ્રનાં બારામતિ વિસ્તારમાં આ બંધક મજૂરોએ પરિવાર સાથે ફોન ઉપર વાત કરી જણાવ્યું હતું કે ખેડૂત નક્કી કરેલ રકમ કરતા વધુ કામ કરાવી ધમકી આપતો હોવાનું જણાવ્યું છે. આ બંધક બનાવનાર ખેડૂત ડાંગનાં મજૂરોને તેમની કિડની વેચી નાખવાની ધમકી આપતો હોવાનું પરિવારજનોએ જણાવ્યુ છે. મોટામાંળુગાનાં શ્રમિકો બંધક બનતા તેઓનાં નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા ચિંતામાં મુકાયા છે. અહી આ 14 શ્રમિકો બંધક બનતા તેઓનાં નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા અડધા દિવસે ભૂખ્યા સુઈ જવા માટે મજબુર બન્યા છે. આ શ્રમિકોને પરત લાવવા માટે ડાંગ જિલ્લાનાં ભાજપાનાં આગેવાન ચંદરભાઈ ગાવીતે પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તથા પોલીસની મદદથી તમામને પરત લાવવાની હૈયાધરપત આપી હોવાનું જાણવા મળેલ છે.
ડાંગ પોલીસ મદદ કરવા તૈયાર પરંતુ જો ફરિયાદ કરવામાં આવે તો જ પોલીસ વ્હારે આવશે
આ બાબતે ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતું હતું કે શ્રમિકો બંધક બન્યા છે જે અંગેની મૌખિક રજુઆત લઈને આગેવાનો આવ્યા હતા. ડાંગ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ કરવા જણાવ્યુ છે. જો ફરિયાદ કરવામાં આવશે તો ફરીયાદનાં આધારે ડાંગ પોલીસ મદદ કરશે.
સેલવાસની કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઇકોર્ટનો આદેશ
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનાર લોજના માલિક વિરુદ્ધ હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવ્યા બાદ આ સંદર્ભમાં મુંબઈ હાઇકોર્ટ દ્વારા સેલવાસના લોજ માલિકને કબજાવેલી સરકારી જમીન ખાલી કરવાનો આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ સ્વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્ય એક વ્યક્તિએ ઇ. સ. 1978 માં હોટલ માટે 0.03 એક્ટર સેલવાસમાં જગ્યા ભાડાપટ્ટા પર લીધી હતી. જેનો કરાર પૂર્ણ થઈ ગયા બાદ વર્ષ 2004માં લોજના માલિકને જગ્યા ખાલી કરવાનો પ્રશાસન દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં લોજ ચલાવનાર માલિકે વિવિધ જગ્યાએ આ બાબતે અપીલ કરી હતી. ત્યારે મુંબઈ હાઇકોર્ટે દાદરા નગર હવેલીની સિવિલ કોર્ટને પાંચ જાન્યુઆરી સુધીમાં નિષ્કર્ષની પુષ્ટિ કરી કે અરજદાર 10 ફેબ્રુઆરી સુધીમાં જમીન ખાલી નહીં કરે તો એ જમીન ખાલી કરાવવા પ્રશાસન સ્વતંત્ર છે.