Dakshin Gujarat

સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતાં હોટલો, હોમ સ્ટે, ટેન્ટ હાઉસ વગેરે સ્થળોએ હાઉસફુલનાં પાટિયા

સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ રહ્યુ છે. ચાલુ વર્ષે દિવાળી પર્વની રજાઓની મઝા માણવા માટે ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની (Tourist) ચિક્કાર ભીડ ઊમટી પડતાં કાર પાર્ક કરવાની જગ્યા પણ લોકોને નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ગિરિમથક સાપુતારા ખાતે શુક્ર, શનિ,રવિ અને સોમવારે પણ પ્રવાસીઓની ભીડ ઉમટી પડતાં તમામ હોટલો, હોમ સ્ટે, ટેન્ટ હાઉસ સહિત રહેણાકનાં સ્થળોએ હાઉસફુલનાં (House Full) પાટિયા લાગી ગયા હતાં.

ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈન્ટ, સન રાઈઝ પોઈન્ટ, રોપવે રિસોર્ટ, બોટિંગ, એડવેન્ચર પાર્ક, પેરા ગ્લાઇડિંગ સહિત તમામ જગ્યાએ માનવ મહેરામણ નજરે પડતો હતો. ગિરિમથક સાપુતારાથી શામગહાનને સાંકળતા 9 કિલોમીટરનાં ઘાટમાર્ગમાં પણ પ્રવાસી વાહનોનો કાફલો વધી જતા અહી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. દિવાળી પર્વની રજાઓમાં ડાંગનાં ગીરાધોધ વઘઇ, બોટોનિકલ ગાર્ડન વઘઇ, મહાલ કેમ્પ સાઈટ, શબરીધામ સુબિર, ડોન હિલ સ્ટેશન, ગીરમાળનો ગીરાધોધ સહીત અન્ય પ્રવાસન સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતાં વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ વખતે દમણના હોટેલિયર્સે હોટલના રૂમના ભાડા વધારવાને બદલે 2-4 અને 6 દિવસના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથેના પેકેજ ઓફર કર્યા

દમણ : દમણમાં દિવાળી વેકેશનને લઈને પર્યટકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા પ્રદેશનાં રસ્તાઓ પર ટ્રાફીક જામનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ દમણ કોરોના મુક્ત થતાં જ પ્રશાસને કોવિડની જરૂરી ગાઈડલાઈન સાથે પુનઃ હરવા ફરવા લાયક સ્થળોને પર્યટકો માટે ખુલ્લા મુકતા પર્યટકો દમણની મુલાકાતે આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં સુરત, નવસારી, ભરૂચ, બરોડા, અમદાવાદ તથા આસપાસનાં શહેરોની સાથે મહારાષ્ટ્રનાં મુંબઈથી મોટી સંખ્યામાં પર્યટકો દમણની સહેલગાહે આવ્યા હતાં. જ્યાં રવિવારનાં રોજ દમણમાં હજ્જારોની સંખ્યામાં પર્યટકો આવતાં મોટી દમણ જામપોર અને દેવકા દરિયા કિનારે પર્યટકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેના કારણે દમણની તમામ હોટલોના બુકિંગ ફૂલ થઇ ગયા હતાં. રવિવારે શહેરનાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફીક જામ થતાં મોટી દમણથી નાની દમણ તરફ જતાં રાજીવ ગાંધી સેતુ પૂલ પર 2 કિલો મીટર જેટલી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જો કે, આ વખતે દમણના હોટેલિયર્સે હોટલના રૂમના ભાડા વધારવાને બદલે 2-4 અને 6 દિવસના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથેના પેકેજ ઓફર કર્યા હતાં.

Most Popular

To Top