સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાની સાપુતારા (Saputara) પોલીસની (Police) ટીમે સાપુતારા ચેકપોસ્ટ પરથી પીકઅપ (Pickup Van) વાનમાં ટામેટા (Tomato) ભરેલા કેરેટની આડમાં લઇ જવાતો 8 કિલો ગાંજાનાં જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લા સાપુતારા પોલીસ (Police) મથકનાં પોલીસ ટીમ સાપુતારા નોટીફાઇડ એરીયા (Notified Area) વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. સાથે સાપુતારા પોલીસની ટીમે ચેકપોસ્ટ પર પણ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને ઉભી રાખી ચેકીંગ હાથ ધરતા ટામેટાનાં જથ્થા ભરેલા કેરેટ ઉપર એક કાળા કલરની રેક્ઝિનની બેગ જોવા મળી હતી.
કુલ 8.260 કિલોગ્રામ 83,600 રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો
રેક્ઝિનની કાળા કલરની બેગમાં પેકેટોમાં કથ્થઈ બદામી કલરનો વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવ્યો હતો. જેથી પી.એસ.આઈ એમ.એલ. ડામોરે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને એફ.એસ.એલ ટીમ વલસાડને જાણ કરી સાપુતારા બોલાવી લીધી હતી. સાપુતારા પોલીસની ટીમ અને એફ.એસ.એલ અધિકારીઓએ આ મુદ્દામાલનું પૃથક્કરણ કરતા કુલ વજન 8.260 કિલોગ્રામ 83,600 રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. હાલમાં સાપુતારા પોલીસની ટીમે પીકવાનનો કબ્જો મેળવી ગાંજોની હેરાફેરી કરનાર અરૂણભાઈ તુકારામભાઈ મોરે તથા મોહમ્મદ નિયામત શેખની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ઇસમો ભાઉ નામની વ્યક્તિ, ફારૂખભાઈ ,ભૈયાભાઈ તથા સનામીલ પાસે ઉન સુરતને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં વધુ તપાસ સાપુતારા પી.એસ.આઈ.એમ.એલ ડામોરે હાથ ધરી છે.
કંતાનના બારદાનની આડમાં ટેમ્પોમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
પારડી : પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચારરસ્તા હાઇવે બ્રિજ પર પીકપ ટેમ્પામાં કંતાનના બારદાનની આડમાં દેવભૂમિ દ્વારકા તરફ લઈ જવાતો રૂ.1.53 લાખનો દારૂનો જથ્થો સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પીકઅપ ટેમ્પા નં. જીજે- 03 ઝેડ 6784 આવતા પોલીસે ટ્રાફિક કરી રોક્યો હતો. ટેમ્પાની અંદર જોતા કંતાનના બારદાનની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની બોટલ નંગ 264 જેની કિં.રૂ.1,53,600 અને ટેમ્પાની કિં.રૂ. 3 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ.4.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક સંજય અરજણ નકુમને ઝડપી પાડી કારમાં પાયલોટિંગ કરતા રાહુલ ઉર્ફે રમેશ ધારાણી અને એક અજાણ્યા ઈસમ સહિત બેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા.આગળની તપાસ હાથ ધરી છે.