ડાંગના સાપુતારા ઘાટમાં આજે મળસ્કે 4 વાગ્યે એક લક્ઝરી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા મુસાફરો ઘાયલ થતા 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ઘટનામાં બસના ડ્રાઇવરનું મોત થયું છે.
ડાંગના સાપુતારા માલેગામ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે 4 વાગે થયેલા અકસ્માતમાં 45 પ્રવાસીઓ ઘાયલ થયા છે. તેઓને નજીકની સામગહાન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 24 જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાને કારણે તેઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ અને રાહતકાર્ય શરૂ કરાવ્યું હતું.

આ બસ અંગે સામે આવેલી માહિતી અનુસાર ખાનગી બસ (નંબર UP 92 AT 0364) ચારધામની યાત્રા કરીને પરત ફરી રહી હતી ત્યારે ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મોત થયા છે. બસમાં 50થી વધુ યાત્રાળુઓ સવાર હતા. આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શીવપુરી અને અશોકનગરના રહેવાસી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી ખીણમાં જઈને પડી હતી. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
મૃતકોના નામ
- રતનલાલ દેવીરામ જાટવ (ડ્રાઈવર) (ઉં.41, રહે. વશલ્લા, મધ્યપ્રદેશ)
- ભોલારામ ફોસારામ કુશવાહ (ઉં.55, રહે.રામગઢ)
- બિજેન્દ્રસિંહ બાદલસિંહ યાદવ (પપ્પુ) (ઉં.55, રહે. બીજરૌની)
- ગુડ્ડીબેન રાજેશસિંહ યાદવ (ઉં.60, રહે.રામગઢ)
- કમલેશબાઈ બિરપાલસિંહ યાદવ (ઉં.60, રહે.રામગઢ)
મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી 4 બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી. જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી. ટેકનીકલ કારણસર બસ ખીણમાં ખાબકી હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના થોડાં સમય પહેલાં જ બસ ચા-નાસ્તા માટે નજીકમાં જ રોકાઇ હતી. 23 ડિસેમ્બરે આ લોકો પ્રવાસે નીકળ્યા હતા જ્યાંથી પરત ફરતા સમયે આ દુર્ઘટના થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમની સારવાર કરાઈ રહી છે. હાલ બધા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.