સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં વરસાદી તાંડવથી સાપુતારા (Saputara) ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડી હતી. જ્યારે આહવા વઘઇ માર્ગમાં તોતિંગ વૃક્ષ ધરાશઈ થતા માર્ગ અવરોધાયો હતો. ડાંગ જિલ્લામાં ગતરોજથી પડી રહેલા ભારે વરસાદનાં (Rain) પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી બંને કાંઠે વહી રહી છે. જિલ્લામાં સતત બીજા દિવસે પડેલા ભારે વરસાદનાં પગલે આંતરીક માર્ગો અને કોઝવેઓનું ધોવાણ થયું હતું. શુક્રવારે ડાંગ જિલ્લામાં 24 કલાકમાં સાપુતારામાં 48 મિમી અર્થાત 1.92 ઈંચ, વઘઇમાં 89 મિમી અર્થાત 3.56 ઈંચ, સુબિરમાં 92 મિમી અર્થાત 3.68 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 104 મિમી અર્થાત 4.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
શુક્રવારે ધોધમાર વરસાદથી શામગહાનથી સાપુતારાને જોડતા સાપુતારા ઘાટ તથા સનસેટ પોઈંટ ખાતે ભેખડો ધસી પડતા માર્ગ અવરોધાયો હતો. જેને સાપુતારા પોલીસ, નોટિફાઈડ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની ટીમે જેસીબીથી ભેખડો હટાવી માર્ગ પૂર્વરત કર્યો હતો. જ્યારે આજે ભારે વરસાદથી આહવા વઘઇને જોડતા ધોરીમાર્ગનાં ધૂળચોંડ ગામ નજીક તોતિંગ વૃક્ષ ધરાશયી થતા વિજલાઈન પણ તૂટી જતા આહવા જી.ઈ.બીનાં ઘોઘલી ફીડરની વીજળી ડુલ થઈ હતી.
ડાંગ જિલ્લાનાં આ માર્ગો બંધ કરાયા
ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદથી તા.16નાં રોજ સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ જિલ્લાનાં પાંચ માર્ગો અને કોઝવે ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. આ માર્ગો બંધ થતા કુલ આઠ ગામો પ્રભાવિત થતા વાહન ચાલકો તથા રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહી કરવા તંત્રએ સૂચના આપી હતી. ડાંગ જિલ્લાનાં જે માર્ગો પ્રભાવિત થયા છે તેમાં આહવા તાલુકાનાં માત્ર બે માર્ગ (1) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ અને(2) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ઉપરાંત વઘઈ તાલુકાના (1) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ (2) ખાતળ ફાટક થી ઘોડી અને (3) માછળી-ચીખલા-દિવડયાવન રોડવાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે.
વલસાડમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડ : વલસાડમાં બે દિવસના ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. આજે સવારથી જ વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોગરાવાડી અને છીપવાડ ગરનાળામાં, દાણાબજાર, તરીયાવાડ, વલસાડપારડી, કાશ્મીર નગર, કસ્તુરબા હોસ્પિટલ પાસે, હાલર રોડ, તિથલ રોડ વગેરે વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અબ્રામા ધરમપુર રોડ ઉપર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા એક સાઈટનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ખેરગામ રોડ ઉપર રહેતા લોકોએ વલસાડના ઓવરબ્રિજથી હાઈવે થઈને ખેરગામ રોડ ઉપર જવું પડ્યું હતું. જ્યારે મોગરાવાડીના ગરનાળામાં ભરાયેલું પાણી નગરપાલિકા દ્વારા મોટર મૂકીને કાઢવામાં આવ્યું હતું. હાલમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવામાં થોડી ખલેલ પડશે, તેવું જણાઈ રહ્યું છે. ગરબા આયોજકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.