સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ભરશિયાળે વાદળછાયા વાતાવરણ (Atmosphere) વચ્ચે જિલ્લાભરમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Rain) વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા ડાંગી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. હાલમાં નોકરિયાત વર્ગ સ્વેટર પહેરવું કે રેઇનકોટ તેની મૂંઝવણમાં મુકાયા હતા. તેમજ એક જ દિવસે બે ઋતુનો અનુભવ થયો હતો.
ડાંગ જિલ્લાનાં સુબીર, વઘઈ અને આહવા એમ ત્રણેય તાલુકામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર વરસાદી અમી છાંટણા પડ્યા હતા. ગિરિમથક સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ ધુમ્મસભર્યા વાતાવરણમાં અચાનક જ કમોસમી વરસાદનાં છાંટા પડતા રમણીય દૃશ્યો પણ સર્જાયા હતા. વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતાં તાપમાનનો પારો પણ ગગડયો હતો. ત્યારે લોકોને દિવસમાં પણ ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી. નોકરીયાત વર્ગ કે જે નોકરી માટે અપડાઉન કરતા હોય છે તેમના માટે સ્વેટર પહેરવું કે રેઈનકોટ તે પ્રશ્ન બની ગયો હતો.
નોકરિયાત વર્ગે પોતાના સ્થાને પહોંચવા માટે ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. ડાંગ જિલ્લામાં એક જ દિવસે બે ઋતુના અનુભવથી લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતા જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વાતાવરણમાં પલટો રહેતા રવિ પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ હતી. ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓએ પેરાગ્લાયડીંગ, બોટિંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મોડી સાંજ સુધી વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.
જેમાંય ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં મોડી સાંજનાં સાડા છ વાગ્યાથી કમોસમી વરસાદની હેલી શરૂ થતા સમગ્ર પંથકનાં માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. સાપુતારા પંથકમાં મોડી સાંજથી શરૂ થયેલ કમોસમી વરસાદનાં પગલે ખેડૂતો સહિત જનજીવનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપુતારા પંથકમાં વરસાદી માહોલનાં પગલે ચોમાસા જેવો માહોલ સર્જાતા જનજીવન દ્વિધામાં મુકાયું હતું. વરસાદી માહોલનાં પગલે ખેડૂતોનાં સ્ટ્રોબેરી, ફળફળાદી, શાકભાજી સહિત ઉભા પાકોને જંગી નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી છે.