સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) જુદા જુદા ત્રણ સ્થળોએ અકસ્માતનાં બનાવમાં એકનું મોત નિપજ્યુ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આજે અમદાવાદ આહવા એસટી બસ નં. જી.જે.18.ઝેડ.7901 જેના ચાલકે કાકરદા નજીકનાં વાંકન પાટિયા નજીક ગફલતભરી રીતે હંકારતા સામેથી આવી રહેલા મોટરસાયકલ (Motorcycle) સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં (Accident) બનાવમાં મોટરસાયકલ ચાલકનો પગે ફેક્ચર થયુ હતુ. જ્યારે મોટરસાઈકલ પર પાછળ બેસેલ પરિમલભાઈ ધનજભાઈ રાઉતનાં માથાનાં તથા શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નિપજ્યુ હતુ.
- ડાંગ જિલ્લાનાં અકસ્માતનાં ત્રણ બનાવમાં એકનું મોત
- એસટી બસના ચાલકે કાકરદા નજીક બાઇક સવારોને અડફેટે લેતા સવારનું મોત,
- બીજા બનાવમાં એસટી અને પીકઅપ અથડાયા, જ્યારે ત્રીજા બનાવમાં આહવાનાં ધુડા ગામે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો
આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે એસ.ટી બસનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં આહવાનાં કોટબા ધવલીદોડ વચ્ચેનાં વળાંકમાં આહવા બીલીઆંબા એસટી બસ અને પીકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ડાંગ જિલ્લાનાં સુબિર જતા રસ્તે કોટબા ગામ અને ધવલીદોડ ગામનાં વળાંકમાં દૂધ વાહતુક કરતી પીકઅપ વાન નં. જી.જે.21.ડબ્લ્યુ.1942 તથા આહવા થઈ બીલીઆંબા જતી એસટી બસ નં. જી.જે.18.ઝેડ.5740 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં ઘટના સ્થળે એસટી બસમાં સવાર 10 થી 12 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતા આ તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ત્રીજા બનાવમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધુડા ગામ નજીક બે મોટરસાયકલ સવારો સામસામે અથડાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં બન્ને મોટરસાયકલ સવારોને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ડાંગ જિલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળે બનેલા અકસ્માત સંદર્ભે ડાંગ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વાપી-સલવાવ માર્ગ પર વેન અડફેટે રાહદારી વૃદ્ધનું મોત
વાપી : વાપી નજીકના સલવાવ બ્રિજ પાસેથી પસાર થતાં માર્ગ પર વેન અડફેટે રાહદારી વૃદ્ધ આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીના વતની અને હાલ વાપી નજીકના સલવાવ ગામ, સાંઈ લીલા એપાર્ટમેન્ટમાં જામીન અબ્બાસ ઈમ્તેયાઝ હુસેન પિતા અને મિત્ર સાથે રહે છે. તેના પિતાજી ઈમ્તેયાઝ હુસેન રવિવારે સાંજે ચા-નાસ્તો કરવા માટે ચાલતા નીકળ્યા હતાં. તે સમયે સલવાવ બ્રિજ નજીક વાલા ચેમ્બર પાસે યુ.વી.વોશીંગ સેન્ટર સામે વાપીથી વલસાડ જતા સર્વિસ માર્ગ પર દોડી રહેલી વેનની અડફેટમાં આવી ગયા હતાં. જેમાં તેને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાનચાલકે તરત જ ઈજાગ્રસ્ત પિતાજીને વાનમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ પુત્ર જામીન અબ્બાસ હુસેને વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી.