સંતરામપુર: સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે નલ સે જલ યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં ભારોભાર ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. આ ઉપરાંત પાણીની ટાંકીમાં મેઇન પાઇપ લાઇન પણ જોઇન્ટ કરવામાં આવી નથી. જેના કારણે સમગ્ર યોજનાનો ફિયાસ્કો થયો છે. આ અંગે જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરવામાં આવી છે. સંતરામપુરના હિરાપુર ગામે આવેલા ખેરમાળ ફળિયાના ગ્રામજનોના ઘર આંગણે પીવાનું પાણી મળી રહે તે હેતુથી નલ સે જલ યોજના મંજુર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાણીની ટાંકીને પમ્પ રૂમ બનાવીને ખેરમાળ ફળિયાના રહિશોને નળ મુકી આપવામાં આવ્યાં છે. પરંતુ નલ સે જલ યોજના અંતર્ગત બનેલી પાણીની ટાંકીની કામગીરી ગુણવત્તા યુક્ત બની નથી. આ ટાંકીને પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી. સીધો કલર કરી દેવામાં આવ્યો છે. ટાંકીમાં પાણીની લાઇન પણ જોઇન્ટ કરવામાં આવી નથી.
આ ટાંકી પાસે પંપ રૂમ બનાવીને યોજના માટેનું વિજ કનેકશન માટે મીટર બોક્સ મુક્યું છે. પરંતુ જરૂરી સમ્પ પણ બનાવ્યો નથી. આ યોજના હેઠળ પાણીનો કુવો બનેલો જોવા મળતો નથી. આ કામગીરીને દોઢ વર્ષ થવા છતાં હજુ અધુરી હોવાથી લોકોમાં રોષની લાગણી જન્મી છે. હીરાપુર ખેરમાળ ફળીયાની પાણી પુરવઠા યોજના સબંધી તાકીદે તપાસ કરાય અને આ યોજના હેઠળ બીલોના થયેલા ચુકવણા સંબંધમાં પણ તપાસ કરાય અને આ હીરાપુર ખેરમાળ ફળીયાની યોજનાની થયેલી કામગીરીની ઉચ્ચતર સ્પેશીયલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. આ નલ સે જલ યોજના હાલ તો માત્ર કાગળ ઉપર જ જોવાં મળી રહી છે.