સંસ્કાર માનવીને શૈશવકાળથી પ્રાપ્ત થતી ભેટ છે. જે માવતર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. બાળક છે, જવા દો, પછી સુધરી જશે. આ માનસિકતા કયારેક સંતાનને વધુ પડતું આત્મવિશ્વાસુ બનાવી દે અને એ વડીલોનું પણ સન્માન નથી જાળવતું. શૈશવકાળથી પ્રાપ્ત થયેલા સંસ્કારની છાપ એના મનોવિશ્વ પર આજીવન રહે છે. બાળક ચતુર હોય, હોંશિયાર હોય પણ સંસ્કારી ન હોય તો એ અયોગ્ય કહેવાય. વિદ્યા પણ વિનયથી જ શોભે અને આપણી વાણી આપણા ઉછેરનું પ્રમાણપત્ર છે. શા માટે માતા પિતાને એનો દોષનો ટોપલો ઓઢાડીએ? ઘણી વાર સંતાનની ગેરવર્તણૂક માતા પિતાને દોષિત ઠેરવતી હોય છે. અપવાદ સર્વે બાબતમાં સર્વત્ર હોય પણ વાણી વર્તનથી જ માનવીનું મૂલ્યાંકન થતું હોય છે.
એટલે નાનપણથી નમ્રતા અને વિવેક તો બાળકને શીખવવા અત્યંત આવશ્યક. સંતાન ગેરવર્તણૂક કરતું હોય અને માતા પિતા હાસ્ય રેલાવે તો એ બાળકને વધુ ચાનક ચઢે છે. પણ એ જ સમયે રોકવામાં અને ટોકવામાં આવે તો બાળક બીજી વાર આ ભૂલ ન કરે. કુમળા છોડને વાળીએ તેમ વળે. બાળકને સજા કે મારવાની વાત બિલકુલ નથી. પણ શાંતિપૂર્વક, દૃઢતાપૂર્વક સમજાવીને સંસ્કારસિંચન અવશ્ય કરી શકાય. તાજેતરમાં એક શોમાં એક બાળક વધુ પડતા આત્મવિશ્વાસ અને ઉધ્ધતાઇપૂર્વકના વર્તનથી ટ્રોલ થયું છે. જેની સર્વે માતાપિતાએ નોંધ લીધી જ હશે.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.