Sports

સંજુ સેમસનની આ ટીમના કેપ્ટન તરીકે પસંદગી, BCCI એ કરી જાહેરાત

નવી દિલ્હી: સંજુ સેમસનને (Sanu Samson) આગામી T20 વર્લ્ડ કપ 2022 (T20 WorldCup 2022) માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આ નિર્ણયથી ઘણા ક્રિકેટ ચાહકો નાખુશ હતા. હવે BCCIએ પ્રશંસકોની નિરાશા દૂર કરવા માટે એક મોટું પગલું ભરતા સંજુ સેમસનને ન્યૂઝીલેન્ડ-A સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ઈન્ડિયા-Aના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.

BCCI દ્વારા પસંદ કરવામાં આવેલી 16 સભ્યોની ટીમમાં મોટાભાગે એવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જેઓ વર્લ્ડ કપની ટીમમાં પસંદગી માટે દાવેદાર હતા, પરંતુ તેમને ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારી ટુર્નામેન્ટ માટે તક મળી ન હતી. સેમસન ઉપરાંત આ ખેલાડીઓમાં પૃથ્વી શો, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે આ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ-A સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગશે.

ઇન્ડિયા A ટીમ: પૃથ્વી શો, અભિમન્યુ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજુ સેમસન (c), KS ભરત (wk), કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંગદ બાવા.

ત્રણેય મેચ ચેન્નાઈમાં રમાશે
ન્યુઝીલેન્ડ-A સામેની બિનસત્તાવાર ODI શ્રેણીની ત્રણેય મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ 25 અને 27 સપ્ટેમ્બરે બાકીની બે મેચોનું આયોજન કરવામાં આવશે. હાલમાં, ન્યુઝીલેન્ડ-A ટીમ ભારત-A સામે ત્રણ મેચની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમી રહી છે.

પંતને T20 વર્લ્ડ કપ માટે તક મળી છે
ટી20 વર્લ્ડ કપ માટે ઈશાન કિશન અને સંજુ સેમસન જેવા ખેલાડીઓ કરતાં રિષભ પંતને પસંદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ટી20માં પંતનું ફોર્મ ઘણું ખરાબ રહ્યું છે. પંતે 58 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23.94ની સરેરાશથી 934 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 126.21 રહ્યો છે. પંતે T20 આંતરરાષ્ટ્રીયમાં 3 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 65 રન છે. સંજુ સેમસનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારત માટે 21.14ની એવરેજ અને 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સંજુ સેમસનને રિષભ પંત કરતાં ઘણી ઓછી તકો મળી છે.

ઓસ્ટ્રેલિયા-એસએ સિરીઝમાં પણ તક મળી નથી
BCCIએ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી છે. આમાં પણ સંજુ સેમસનને સ્થાન મળ્યું નથી. જોકે, ચાહકોને આશા છે કે સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં સેમસનને ચોક્કસપણે તક મળશે. વનડે શ્રેણી માટેની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે સેમસનને તેની કેપ્ટનશિપ અને બેટિંગથી પસંદગીકારોને પ્રભાવિત કરવાની શાનદાર તક મળી છે.

Most Popular

To Top