સુરત: સુરત મહાનગરપાલિકાના સૌથી જુના ગાંધી બાગમાં બે વર્ષ પહેલાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ ગયા હોવાની ઘટના ભૂલાઈ નથી ત્યાં એ જ મોડસ ઓપરેન્ડીથી ગુરુવારની રાત્રે ફરી ચંદન ચોરો ત્રણ વૃક્ષ કાપીને લઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત પાલિકાની નબળી સિક્યુરીટીના કારણે પાલિકાના ગાંધીબાગમાંથી ચંદનની ચોરી સમયાંતરે થઈ રહી હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં પણ ઈલેક્ટ્રીક કટર લઈને આવેલા ચોરો ગાર્ડનના ગેટની બરોબર સામેથી જ ચંદનના વૃક્ષ કાપી ગયા છતાં સિક્યોરીટીને ખબર નહીં પડે તે અચરજ પમાડે તેવી વાત છે. પાલિકાની સિક્યુરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સુરતના ઐતિહાસિક એવા ગાંધી બાગમાં વારંવાર ચંદનના લાકડા ચોરી થવાની ઘટના ગંભીર છે. ગુરુવારની રાત્રે ફરી એક વાર વિરપ્પન અને પુષ્યા સ્ટાઈલમાં ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થતા પાલિકાનું નાક કપાઈ ગયું છે. ગાંધીબાગમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની વચ્ચે ચોરી થતાં પાલિકાની સિક્યુરિટી એજન્સીના રેઢિયાળ વહીવટ સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીબાગ એ સુરતનો સૌથી જુના અને ઐતિહાસિક યાદગાર એવા અંગ્રેજોના સમયનો બાગ છે. જયાંથી ચંદનના વૃક્ષ ચોરાવવા એ ગંભીર બાબત કહી શકાય છે. પરંતુ આ વૃક્ષ ચંદનના લાકડા ચોર પુષ્પા ચોરો માટે પાલિકાએ ઉછેર કર્યા હોય એમ કહી શકાય છે. સુરતના વિરપ્પન અને પુષ્પા જેવા ચોરો ચંદનના વૃક્ષની ચોરી કરી રહ્યાં હોવાનો આ જીવતું ઉદાહરણ છે. સુરતના ચંદન ચોરો આધુનિક બનીને ઈલેક્ટ્રીક કટર લઈને વૃક્ષ નહિ પાલિકાના અધિકારીઓનું કાપી જાય છે એમ કહી શકાય છે.
વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં હજારો CCTV કેમેરા લગાવનાર સુરત પાલિકા આ ચંદન ચોરોને પકડવા માટે આધુનિક ટેકનોલોજી વાળીન હોવાનું પુરવાર થયું છે. રાત્રીના સમયે ચંદનના ત્રણ વૃક્ષની ચોરી થયા છે. બે વર્ષ પહેલાં પણ જાન્યુઆરી મહિનામાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ હતી ત્યાર બાદ વધુ એક ચારી થઈ છે. હવે ગાંધીબાગમાં ચંદનના આઠેક જેટલા વૃક્ષ બાકી છે જો પાલિકાની સિક્યુરીટી આવી જ રીતે ઉંઘતી રહી તો ગાંધી બાગમાં એક પણ ચંદનના વૃક્ષ સલામત નહી રહે તેવુ કહી શકાય છે.