પાટીદાર સમાજનો સમૂહલગ્નોત્સવ ભાજપ – કોંગ્રેસના નેતા એક મંચ પર

આણંદ : ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવાર પલાણા, હાલ સંકેત ઈન્ડિયા આણંદ, સેવાલિયા અને પાટીદાર સમાજ પલાણાના સૌજન્યથી 109મો સમૂહલગ્નોત્સવ આણંદમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવમાં 30  નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આણંદ ખાતે યોજાયેલા ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજના સમૂહલગ્નોત્સવમાં વ્રજભૂમિ આશ્રમ અને વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામીએ દાંપત્યજીવનમાં પગલાં પાડનારા નવયુગલોને  આશીર્વચન પાઠવ્યા હતા. આ સમારંભના પ્રમુખસ્થાને માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી અને મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું.  જેમાં સ્વાગત પ્રવચન સમૂહ લગ્ન સમિતિના કાર્યકારી કન્વીનર ચંદ્રકાન્ત પટેલે કર્યું હતું. માતૃસંસ્થાનો પરિચય અને હેવાલ માતૃ સંસ્થાના સહમંત્રી ધીરૂભાઈ પટેલે પ્યો હતો.

વ્રજભૂમિ આશ્રમ અને વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામીએ નવયુગલોને જણાવ્યું હતું કે, સમાજે આજે તમને મોટું સન્માન આપ્યું છે. સ્વ. ચુનીકાકાના 100મા જન્મદિન નિમિત્તે આયોજિત  આ સમૂહલગ્નોત્સવમાં દાતા પરિવારે તમામ ઘરવખરીની ચીજવસ્તુઓ આપી છે. તેને હંમેશા યાદ રાખજો અને આગામી સમયમાં સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા પ્રયાસ કરશો. કાશીબા અનેચુનીકાકાના સામાન્ય પરિવારમાંથી આજે આ પરિવાર સમાજમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન ધરાવે છે. અઢળક સંપતિ હોવા છતાં સમાજના નાનામાં નાના માનવી સાથે જોડાઈ રહેવાની તેમની ભાવના પ્રશંસનીય છે.

સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે 109મો સમૂહલગ્નોત્સવ યોજાયો છે તે બદલ માતૃસંસ્થાના તમામ હોદ્દેદારો અભિનંદનને પાત્ર છે. સમાજ દ્વારા સામાજિક કાર્યોની સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કર્યો થયા છે જેનાથી ચરોતરની ખ્યાતિ દેશવિદેશમા ફેલાઈ છે. ચાંગામાં ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ આપણા માટે ગૌરવ સમાન છે.  આ ઉપરાંત નગીનભાઈ પટેલે માતૃસંસ્થા વતી દાતા પરિવારને અભિનંદન આપતા જણાવ્યું કે, સમગ્ર દાતા પરિવારને  અભિનંદનને પાત્ર છે સમાજ તો નિમિત બને છે સમાજોપયોગી કાર્ય તો તમે કર્યું છે. આવા કપરા કાળમાં  પ્રો. ડી. સી. પટેલે સમૂહલગ્નોત્સવ કરવાની તૈયારી દર્શાવી તે બદલ માતૃસંસ્થા સદા તેમની ઋણી રહેશે. આવા સુંદર આયોજન બદલ દાતા પરિવાર પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરી હતી. અંતમાં માતૃસંસ્થા તરફથી આભારવિધિ સહમંત્રી ગિરીશભાઈ બી. પટેલે કરી હતી.

Most Popular

To Top