National

શાહરૂખના દીકરા આર્યન ખાનને પકડનાર સમીર વાનખેડેનું ‘દાઉદ’ સાથે કનેકશન? શું છે હકીકત જાણો..

મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (NCP) મંત્રી નવાબ મલિકે (Nawab Malik) સોમવારે દાવો કર્યો હતો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (Sameer Wankhede) તેમના જન્મ પ્રમાણપત્ર સહિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. મલિકે કથિત સર્ટિફિકેટનો ફોટો ટ્વીટ કરતા લખ્યું કે, સમીર ‘દાઉદ’ વાનખેડેના દસ્તાવેજ બનાવટની શરૂઆત અહીંથી થઈ હતી. સોમવારે નાંદેડમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મલિકે દાવો કર્યો હતો કે, વાનખેડે જન્મથી મુસ્લિમ છે.

  • સમીર વાનખેડે મુસ્લિમ છે, જન્મ પ્રમાણપત્ર સાથે ચેડાં કરીને બદલવામાં આવેલા નામના આધારે કાસ્ટ સર્ટિફિકેટ બનાવ્યું, તેના આધારે દલિત ઉમેદવારની જગ્યાએ આઈઆરએસ અધિકારી બન્યા, વાનખેડેએ કહ્યું કે તેમના પિતા હિંદુ છે અને માતા મુસ્લિમ હતાં

2008 બેચના આઈઆરએસ (IRS) અધિકારી વાનખેડેએ મંત્રીની નિંદા કરતા કહ્યું કે, તેમનું આ કદમ બદનક્ષીભર્યું અને તેમના પરિવારની ગોપનીયતા પર પ્રહાર છે. મારા પિતા જ્ઞાનદેવ હિદુ છે અને માતા ઝહીદા મુસ્લિમ હતાં. એનસીબી અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રી દ્વારા કોઈ પણ કારણ વગર વ્યક્તિગત બદનક્ષીભર્યા અને નિંદાકારક પ્રહારના સ્વભાવથી તેઓ દુઃખી છે.

મલિક વારંવાર ક્રુઝ ડ્રગ્સ કેસને ‘બનાવટી’ ગણાવી રહ્યા છે. સોમવારે મલિક દ્વારા ટ્વિટર પર મુકવામાં આવેલા દસ્તાવેજમાં એનસીબી અધિકારીના પિતાનું નામ દાઉદ હોવાનું જણાવવામાં આવ્યું હતું. વાનખેડેએ કહ્યું કે, તેના પિતાનું નામ જ્ઞાનદેવ છે, જે આબકારી અધિકારી હતા. મલિક કે જેઓ એનસીપીના પ્રવક્તા પણ છે. તેમણે તાજેતરમાં દાવો કર્યો હતો કે, તેમની સરકાર જલદી જ વાનખેડેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.

મલિકે કહ્યું કે, સમીર દાઉદ વાનખેડે નકલી માણસ છે. તેમનું જન્મ પ્રમાણપત્ર સમીર દાઉદ વાનખેડેના નામે છે. જન્મ પ્રમાણપત્રને ટેમ્પર કરીને તેમના પિતા દ્વારા બદલવામાં આવેલા નામના આધારે કાસ્ટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તે દલિત ઉમેદવારની જગ્યાએ આઈઆરએસ અધિકારી બન્યા છે. વાનખેડેએ કહ્યું કે, જેનો હેતુ તેમને, તેમના પરિવાર, તેમના પિતા અને સ્વર્ગસ્થ માતાને બદનામ કરવાનો હતો.

મલિકના આરોપનો જવાબ વાનખેડેની પત્ની ક્રાંતિએ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હું અને મારા પતિ સમીર જન્મથી હિન્દુ છીએ. અમે ક્યારેય અન્ય કોઈ ધર્મ અપનાવ્યો નથી.

Most Popular

To Top