મુંબઈ: (Mumbai) કિંગ ખાનનો દિકરો આર્યન (Aryan Khan) જેલમાંથી છૂટી ઘરે પહોંચી ગયો છે ત્યારે બીજી તરફ એનસીબી (NCB) ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની (Sameer Vankhede) પડખે પણ એક મંત્રી ઉભા રહ્યા હોવાનું સામે આવ્યું છે. વાનખેડે પરિવારના સમર્થનમાં સામે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે રિપબ્લિકન પાર્ટી તેની તમામ તાકાત સાથે સમીર વાનખેડેની સાથે રહેશે. સમીર વાનખેડે દલિત સમાજના છે અને તેમને અનામત લેવાનો અધિકાર છે, તેઓ આરક્ષણ દ્વારા IRS બન્યા છે. નવાબ મલિકના આરોપોમાં કોઈ તથ્ય નથી.
વાનખેડે ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક તેમના પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે NCB ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે. આઠવલેએ વાનખેડે પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અગાઉ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ અને પિતા જ્ઞાનદેવ વાનખેડે રામદાસ આઠવલેને મળ્યા હતા. રામદાસ આઠવલેએ કહ્યું, વાનખેડે પર નવાબ મલિકના આરોપો પાયાવિહોણા છે. આમાં કોઈ તથ્ય નથી. સમીર વાનખેડે દલિત છે. તે દલિત સમુદાયમાંથી આવે છે. તેમના પર દરરોજ જાણીજોઈને આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમના પર આરોપ લગાવીને સમગ્ર દલિત સમાજને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમારી પાર્ટી સમીર વાનખેડેની સાથે છે. તેમને કોઈ નુકસાન નહીં થવા દઈએ.
જણાવી દઈએ કે નવાબ મલિકે વાનખેડે પર આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડે જન્મથી મુસલમાન છે. દલિતોના અધિકાર તેમણે છીનવ્યા. તેની તપાસ થવી જોઈએ. સમીર વાનખેડેએ ધર્મ પરિવર્તન કર્યું નથી. તેઓ જન્મથી મુસલમાન છે. તેમના પિતાએ ધર્મ પરિવર્તન કર્યું. વાનખેડેએ નકલી દલિત સર્ટિફિકેટ બનાવડાવ્યું અને નોકરી મેળવી. હું મારા આરોપ પર કાયમ છું કે તેઓ નકલી દલિત પ્રમાણપત્રના આધારે આ પદ પર બેઠા છે.
સમીર વાનખેડેના પિતાએ કહ્યું- તમારે જે કહેવું હોય તે કોર્ટમાં જઈ કહો
સમીર વાનખેડેના પિતાએ આજે કહ્યું કે નવાબ મલિક કહે છે કે અમે દલિતોના હક છીનવ્યા. તમારે કઈ કહેવું હોય તો કોર્ટમાં જાઓ. મારા પુત્રએ તમારા જમાઈને પકડ્યો, એટલે તેઓ આરોપબાજી કરે છે. આરોપો ખોટા છે. સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ વાનખેડેએ કેન્દ્રીય મંત્રી આઠવલેને મળ્યા બાદ કહ્યું કે તેઓ દરેક દલિતની પરવા કરે છે આથી તેઓ અમારી સાથે છે. નવાબ મલિકના તમામ આરોપો ખોટા ઠરશે.