નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ભારતમાં રાજકીય ગરમાયું છે. એકતરફ મંગળસૂત્ર અને મિલકત બાબતે વાદ વિવાદ હજુ અટક્યા ન હતા. તે જ સમયે કોંગ્રેસ (Congress) નેતા સામ પિત્રોડાએ (Sam Pitroda) અમેરિકાના (America) હેરિટન્સ ટેક્સ પર આપેલા નિવેદનને લઈને વિવાદ વધુ ઘેરા બન્યા હતા. જો કે વધી રહેલા વિવાદને જોતા હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખે સ્પષ્ટતા આપી છે. તેમણે પોતાના નિવેદનને અંગત ગણાવી પોતાની સફાઇ આપી હતી.
પિત્રોડાએ પોતાની વાતની સ્પષ્ટતા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, ‘તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકામાં વારસાગત કર પર વ્યક્તિગત તરીકે મેં જે કહ્યું છે તેને ખોટી રીતે તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પીએમ કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈને જે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે તેનાથી ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. મંગળસૂત્ર અને સંપત્તિને લઈને વડાપ્રધાનનું નિવેદન વાસ્તવિકતાથી ખુબ જ જુદુ છે.
પિત્રોડાએ ભાજપ પર વળતો પ્રહાર કરતાં કહ્યું, ‘કોણ કહે છે કે 55 ટકા છીનવાઈ જશે? કોણે કહ્યું કે ભારતમાં આવું કંઈક થવું જોઈએ? ભાજપ અને મીડિયા કેમ આટલી ચિંતા કરે છે?
શું હું સાચી હકીકતો ટાંકી શકુ નહી?
પિત્રોડાએ આગળ કહ્યું, ‘મેં આફ્રિકામાં એક ટીવી ચેનલ પર અમેરિકન વારસા ટેક્સનું એકમાત્ર ઉદાહરણ આપ્યું હતું. શું હું સાચી હકીકતો ટાંકી શકુ નહી? મેં કહ્યું કે લોકોએ આવા મુદ્દાઓ પર વાત કરવી જોઈએ. આને કોંગ્રેસ કે કોઈપણ પક્ષની નીતિ સાથે કોઈ લેવાદેવા નથી.
સામ પિત્રોડાએ શું કહ્યું હતું?
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર સામ પિત્રોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અમેરિકાના હેરિટન્સ ટેક્સ વિશે વાત કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે $100 મિલિયનની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે તેના બાળકોને ફક્ત 45 ટકા જ આપી શકે છે. 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ નિયમ છે. તેઓ આગળ કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ. જોકે સંપૂર્ણપણે નહીં, માત્ર અડધી માત્રામાં. મને આ ન્યાયી કાયદો ગમે છે.’