મુંબઈ: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનને ધમકીભર્યો મેલ મળ્યો હતો. જે બાદ તેની સુરક્ષા (Security) વધારી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. ફોન કરનારે આ વખતે હુમલાની તારીખ પણ આપી છે. ત્યારે હવે સલમાન ખાન બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને (CM Eknath Shinde) પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
સલમાનને આ તારીખે મર્ડરની આપી ધમકી
સલમાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોલીસ કંટ્રોલને ફોન કરીને કહ્યું કે તે 30મીએ સલમાન ખાનને મારી નાખશે. ફોન કરનારે પોતાને રોકી ભાઈ તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે જોધપુરના ગાય રક્ષક છે. આ કોલ મુંબઈ પોલીસ કંટ્રોલને ગયા સોમવારે રાત્રે 9 વાગ્યે મળ્યો હતો. ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
તાજેતરમાં બુલેટપ્રૂફ કાર ખરીદી
તમને જણાવી દઈએ કે બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે પોતાના કાર કલેક્શનમાં એક નવું બુલેટ પ્રૂફ વાહન ઉમેર્યું છે. પાછલા સમયથી તેને આ દિવસોમાં એક પછી એક ધમકીઓ મળી રહી છે. ગયા મહિને અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ પણ મળ્યો હતો. જે બાદ અભિનેતાની મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. આ દરમિયાન સલમાન ખાને નવી બુલેટફ્રુટ કાર ખરીદી છે, જે વિદેશથી આયાત કરવામાં આવી છે. સલમાને પોતાના કાફલામાં નિસાન પેટ્રોલ એસયુવીનો ઉમેરો કર્યો છે. હાલમાં આ વાહન ભારતીય બજારમાં લોન્ચ પણ કરવામાં આવ્યું નથી.
પોલીસે સુરક્ષા વધારી દીધી હતી
સલમાનની સુરક્ષા માટે છેલ્લા મહિનાથી પોલીસ સતત તકેદારી રાખી રહી છે. લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકીભર્યા ઈમેલને પગલે તેમના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ધમકીને ધ્યાનમાં રાખીને, આ દિવસોમાં તેના ચાહકોને પણ તેના ઘરની નજીક ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
મળતી માહિતી અનુસાર એક્ટર સલમાન ખાન બાદ હવે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન પર આ ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, આરોપીએ 112 પર ફોન કરીને કહ્યું હતું કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, એમ્બ્યુલન્સ મોકલવામાં આવે. તેના પર તેને કહેવામાં આવ્યું કે તેણે એમ્બ્યુલન્સ માટે 108 પર ફોન કરવો પડશે. આ પછી તેણે ફરીથી ફોન કર્યો અને સીએમ એકનાથ શિંદેને ઉડાવી દેવાની ધમકી આપી. આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ કોલ 10 એપ્રિલની મોડી સાંજે આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલ નાગપુર કંટ્રોલને મળ્યો હતો. આ કોલ મળતાની સાથે જ મુંબઈ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી, તેણે નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું.
પીધેલી હાલતમાં પોલીસને બોલાવી
આ કોલ પુણેથી થયો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ નંબર માટે મુંબઈનું સરનામું આપવામાં આવ્યું હતું. પોલીસ આપેલા સરનામે પહોંચી પરંતુ ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું. જે બાદ પુણે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાજેશ મારુતિ અગવાને નશાની હાલતમાં આ ફોન કર્યો હતો. તે વ્યવસાયે વોર્ડ બોય છે અને મુંબઈના ધારાવી વિસ્તારમાં રહે છે. આરોપીની પત્ની પુણેના કોથરુડમાં રહે છે અને ખાનગી નોકરી કરે છે. પોલીસે જણાવ્યું કે આરોપી ઘણીવાર તેની પત્નીને મળવા પુણે જતો હતો. તેણે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર ફોન કર્યો ત્યારે તે પુણેમાં હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, તેણે હજુ સુધી આ મામલે એફઆઈઆર નોંધાવી નથી. તે કસ્ટડીમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.
આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાને ગઈકાલે સાંજે તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ફિલ્મ ઈદના અવસર પર 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ સિવાય સલમાન ટૂંક સમયમાં યશ રાજ ફિલ્મ્સની આગામી સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.