SURAT

ઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં ગ્રાહક બનીને આવેલી મહિલા 75 હજારની સોનાની બંગડી તફડાવી ગઈ

સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે આવેલી શાહ જ્યંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી એક મહિલા સેલ્સગર્લની (Salesgirl) નજર ચુકવી 14.260 ગ્રામ વજનની સોનાની (Gold) 75 હજારની બંગડી તફડાવી ગયાની ફરિયાદ ઉમરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • ઘોડદોડ રોડના જ્વેલર્સને ત્યાં ગ્રાહક બનીને આવેલી મહિલા 75 હજારની સોનાની બંગડી તફડાવી ગઈ
  • રાત્રે હિસાબ કરતી વખતે મેનેજરને બંગડી નહીં જણાતા સીસીટીવીમાં ચેક કરતા જાણ થઈ
  • વ્હાઇટ ડ્રેસ અને લાલ દુપટ્ટો પહેરીને આવેલી મહિલા એક બંગડી પર્સમાં મુકતા જોવા મળી

પાલનપુર જકાતનાકા ખાતે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય અંકિત નવરતનમલ જૈન ઘોડદોડ રોડના કેનોપસ મોલમાં આવેલી શાહ જ્યંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ નામની દુકાનમાં મેનેજર છે. તેઓ રાબેતા મુજબ રાત્રે 8 વાગ્યે આખા દિવસનો હિસાબ ચેક કરતા હતા. ત્યારે સોનાની સાદી મશીન ડિઝાઇનવાળી એક બંગડી ગાયબ જણાઈ હતી. એટલે તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બપોરે 1 વાગ્યાના અરસામાં વ્હાઇટ ડ્રેસ અને રેડ દુપટ્ટો પહેરીને ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક ઠગ મહિલાએ દાગીના ખરીદવાના બહાને સેલ્સગર્લ મુસ્કાન સિંઘની નજર ચુકવી સોનાની 4 બંગડી પૈકી 75 હજારની કિમતની 14.260 ગ્રામ વજનની એક બંગડી પોતાના પર્સમાં મુકી નીકળી ગઈ હતી. ઉમરા પોલીસમાં ગ્રાહકના સ્વાંગમાં આવનાર ઠગ મહિલા વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

કેનેડાની કરન્સી બતાવી ભારતની મોટી કરન્સી જોવાનું કહી અજાણ્યાએ ગલ્લામાંથી 65 હજાર તફડાવ્યા
સુરત : રાંદેર ખાતે ટાયર્સની શોપમાં આવેલા અજાણ્યાએ પોતે કેનેડાથી આવ્યો છે કહીને કેનેડાની કરન્સી બતાવી હતી. બાદમાં મેનેજરને ભારતની મોટી કરન્સીની નોટ બતાવવાનું કહી પછી 500નું બંડલના બદલે 786 નંબરની 2 હજારની નોટ આપવાનું કહીને નજર ચુકવી ગલ્લામાંથી 65 હજાર ચોરી કરી ગયો હતો.

અડાજણ હજીરા રોડ પર મહેરનગર સોસાયટીમાં રહેતા 49 વર્ષીય જીતેશભાઈ જમુભાઈ પટેલ રાંદેર સંઘવી ટાવરની સામે ગીતાનગર સોસાયટીમાં ગીતા ટાયર્સના નામે અલગ અલગ કારના ટાયરનો વેપાર કરે છે. તેમની દુકાનમાં ચંદ્રેશ રમેશભાઈ પટેલ (રહે. ભાગ્યોદય સોસાયટી, રાંદેર) મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 28 નવેમ્બરે રાત્રે મેનેજર ચંદ્રેશભાઈએ ફોન કરીને જીતેશભાઈને જણાવ્યું હતું કે, બે અજાણ્યા આપણી શોપમાં ટાયર ખરીદવા આવ્યા હતા. ટાયર ખરીદી કર્યા વગર નજર ચુકવીને ગલ્લામાંથી 65 હજાર ચોરી કરી ગયા છે. જેથી જીતેશભાઈ તાત્કાલિક શોપ ઉપર પહોંચ્યા હતા. ત્યારે ચંદ્રેશભાઈએ જણાવ્યું કે રાત્રે 8 વાગ્યે તેઓ કાઉન્ટર ઉપર હતા. ત્યારે બે જણા મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા. તેમણે કરોલા કારનો રેટ પુછ્યો હતો. બાદમાં તેણે પોતે કેનેડાથી આવ્યાનું કહ્યું હતું.

આવતીકાલે આવીને ટાયર નખાવી જઈશ કહીને તેને ખીસ્સામાંથી પોતાનું પર્સ કાઢી એક કેનેડાની કરન્સી બતાવી હતી. અને ભારતમાં સૌથી મોટી કરન્સી કઈ તેમ પુછતા ચંદ્રેશભાઈએ 2 હજારની નોટ ગલ્લામાંથી કાઢી બતાવી હતી. આ નોટ અજાણ્યાએ પોતાના માથાને અડાડી પરત આપી દીધી હતી. બાદમાં તેણે નજીક આવીને તેની પાસેનું 500 રૂપિયાની નોટનું બંડલ બતાવી 2 હજારની 786 નંબરની નોટ હોય તો આપવા કહ્યું હતું. અને આ દરમિયાન નજર ચુકવીને ગલ્લામાંથી 65 હજાર ચોરી કરી ગયો હતો. સીસીટીવી ચેક કરતા ગલ્લામાંથી પૈસા કાઢી ચોરી કરતા જોવા મળે છે. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top