નડિયાદ, તા.12
નડિયાદ નગરપાલિકના તમામ કર્મચારીઓ આજે સવારથી જ કામકાજથી દૂર રહ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓને આજે 12 તારીખ સુધી પગાર કરાયો નથી. જેના કારણે નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓ ગિન્નાયા છે. તેમજ આ અંગે જવાબદાર અધિકારીઓ યોગ્ય જવાબ આપતા ન હોવાનો પણ ગણગણાટ છે. ત્યારે કર્મચારીઓ કામકાજથી અડગા થઈ જતા ભારે ઉહાપોહ મચ્યો હતો. તેમજ આ ઘટનાથી નડિયાદ નગરપાલિકા જાણે આર્થિક રીતે પડી ભાંગી હોય, તેવો ઘાટ સર્જાયો છે.
નડિયાદ નગરપાલિકા આઉટસોર્સના કર્મચારીઓ તો ઠીક, પરંતુ નગરપાલિકાના કાયમી કર્મચારીઓને નિયમિત પગાર ચુકવવામાં પાંગળી સાબિત થઈ રહી છે. કારણ કે, નડિયાદ નગરપાલિકાએ આજે 12 તારીખ સુધી ડિસેમ્બર માસનો પગાર કામયી કર્મચારીઓને ચુકવ્યો ન હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર તો 3-3 મહિના સુધી થતો ન હોવાની પણ વિગતો મળી રહી છે. તેવામાં આગામી સમયમાં ઉતરાયણનો તહેવાર હોય, કર્મચારીઓએ આ અંગે રજૂઆત કરતા નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત એકાઉન્ટન્ટ યોગ્ય જવાબ ન આપતા કર્મચારીઓ ગિન્નાયા હતા અને નગરપાલિકાને માથે લીધી હતી. કર્મચારીઓ એકાએક કામકાજ છોડી બહાર નીકળી ગયા હતા અને તાત્કાલિક પગાર કરાય તેવી માગ કરી હતી.
આ વચ્ચે નડિયાદ નગરપાલિકા આર્થિક રીતે પડી ભાંગી હોય અને નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારનું ભંડોળ રહ્યું જ ન હોય, તે સ્પષ્ટ થઈ રહ્યુ છે. ત્યારે સત્તાધીશોની ખોટી નીતિઓના કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય અને યોગ્ય આયોજનના અભાવથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાની રાવ છે અને તેના પરીણામથી જ કર્મચારીઓનો પગાર સુદ્ધા કરી શકતી નથી, આ તમામ બાબતોમાં છેલ્લો બોઝો નગરપાલિકાના કર્મચારીઓ પર પડી રહ્યો છે. આજે કર્મચારીઓએ સ્ટ્રાઈક પાડી દેતા વહીવટી તંત્ર ભીંસમાં મુકાયુ હતુ અને સમગ્ર મામલે બેઠકોનો દૌર ચાલ્યો હતો. પરંતુ ખાસ કોઇ પરિણામ મળ્યું નહતું.
આ વચ્ચે વહીવટી તંત્રએ કોઈ ચોક્કસ સમાધાન શોધવાની બાહેંધરી આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આ વચ્ચે નગરપાલિકાના સત્તાવાર કામગીરીના સમય દરમિયાન તમામ કર્મચારીઓ તો કામગીરીથી અડગા જ રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે આગળ શું થાય છે ? તે આગામી દિવસોમાં જાણવા મળશે.
નડિયાદ નગરપાલિકામાં પગારના પણ ફાંફાં!
By
Posted on