SURAT

વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડે ઈશારો કર્યો અને સુરતની કોર્ટમાં આવી બૂમો પડી

સુરત(Surat): જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જાહેરમાં ઉઘરાણા કરનાર પોલીસનો (Police) લાઈવ વીડિયો (Live Video) ઉતારનાર સરથાણાના (Sarthana) વકીલ મેહુલ બોઘરા (AdvocateMehulBoghra) પર જીવલેણ હુમલો (Attack) કરનાર ટીઆરબીના (Traffic Brigade) સુપરવાઈઝર સાજન ભરવાડને (Sajan Bharwad) આજે શનિવારે બપોરે પોલીસ સુરતની કોર્ટમાં (Courte) લઈ આવી હતી. ત્યારે વકીલોએ હોબાળો મચાવ્યો હતો અને સાજન ભરવાડને મારવા દોડી હતી, બીજી તરફ સાજન ભરવાડના સમર્થનમાં પણ કેટલાંક લોકો કોર્ટમાં ભેગા થયા હતા. તેઓએ સાજન ભરવાડ ઝીંદાબાદના નારા પોકાર્યા હતા. બંને પક્ષે ઘર્ષણ થયું હતું. સુરત પોલીસની હાલત પણ કફોડી બની હતી. વકીલો સાજન ભરવાડને મારવા દોડતા હતા તેથી વકીલો સાથે પણ પોલીસને ઘર્ષણ થયું હતું.

આરોપી સાજન ભરવાડ

વકીલોનો રોષ જોઈ સાજન ભરવાડનું સમર્થન કરનારના મોં પડી ગયા
કોર્ટ પરિસરમાં પોલીસ વેન આવી ત્યારે સાજન ભરવાડના સમર્થકો ચિચીયારીઓ પાડવા માંડ્યા હતા. પોલીસ વેનને ઘેરી લીધી હતી. સાજન ભરવાડ વેનમાંથી ઉતર્યો ત્યાર બાદ સાજન ભરવાડ ઝીંદાબાદ ના નારા લગાવવા માંડ્યા હતા. જાણે કોઈ મોટો સેલિબ્રિટી હોય અને મોટું કામ કર્યું હોય તેમ ભરવાડના સમર્થકો વર્તન કરી રહ્યાં હતાં. પરંતુ વકીલોના રોષે તેઓનો ઉત્સાહ ઓસરાવી દીધો હતો. વકીલોએ ભેગા થઈ સાજન ભરવાડ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાતા વકીલોનો હોબાળો, મારવા દોડ્યા
એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આજે ટીઆરબી સાજન ભરવાડને સુરતની કોર્ટમાં રજૂ કરાયો ત્યારે વકીલોએ હોબાળો મચાવ્યો હતો. વકીલોએ સાજન ભરવાડ લુખ્ખો છે એવા નારા પોકારી તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના એકેય વકીલ સાજન ભરવાડનો કેસ લડવા તૈયાર થયા નહોતા. સાજન ભરવાડ વતી મુંબઈના વકીલ જે.કે. શાહે વકીલ પત્રક ભર્યું હતું. દરમિયાન કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરથાણા પીઆઈને સસ્પેન્ડ કરવા વકીલોની માગ
મેહુલ બોઘરા-સાજન ભરવાડ કેસમાં સુરતના વકીલો મેહુલ બોઘરાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, છતાં વકીલો સાજનને મારવા ધસી ગયા હતા. પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. સાજન ભરવાડને પોલીસ પ્રોટેક્શન કેમ આપવામાં આવી રહ્યું છે? તેવા સવાલો વકીલોએ ઉઠાવ્યા હતા. આ સાથે જ મેહુલ બોઘરા વિરુદ્ધ એટ્રોસિટીની કલમ લગાડનાર સરથાણા પીઆઈને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.

સાજન ભરવાડ-મેહુલ બોઘરા કેસમાં સામસામી ફરિયાદ, ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર
સરથાણામાં રહેતા વકીલ મેહુલ બોઘરા પર 18મી ઓગસ્ટની સવારે સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા પોલીસના દંડાથી જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલામાં મેહુલ બોઘરાનું માથું ફૂટી ગયું હતું. મેહુલ બોઘરાએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને ટીઆરબી જવાનો તેમજ તેમના મળતિયાઓ સરથાણા કેનાલ રોડ પર વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી રહ્યાં હતાં, તેનો લાઈવ વીડિયો બનાવી પર્દાફાશ કરતો હતો ત્યારે સાજન ભરવાડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સરથાણાના લોકો એડવોકેટ મેહુલ બોઘરાના સપોર્ટમાં ઉતરી આવ્યા હતા. મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.

સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ એડવોકેટ મેહુલ બોઘરા કેમ્પેઈન શરૂ થયું હતું. પોલીસ પર સાજન ભરવાડ વિરુદ્ધ કાર્યવાહીનું ભારે દબાણ ઉભું થયું હતું, પરિણામે આ સમગ્ર મામલામાં સરથાણા પોલીસે સાજન ભરવાડને સસ્પેન્ડ કર્યા બાદ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આજે સાજન ભરવાડને પોલીસ દ્વારા સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરથાણા પોલીસના એએસઆઈ અરવિંદ ગામીતે વકીલ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીસકર્મી અને અન્ય 3 સામે આઈપીસી 302 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. સાજન ભરવાડના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Most Popular

To Top