વડોદરા : બે માસ પૂર્વે પોલીસ મથકમાં નોંધાયેલી લેન્ડ ગેમ્બલિંગ ની ફરિયાદના આરોપી અને ભાજપના કાર્યકર સાજન ભરવાડ ની પોલીસ કમિશનરે પાસા ફટકારી હતી. ગોત્રી વિસ્તારમાં આવેલી સોનાની લગડી જેવી નવ હજાર ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે આઠ ભેજાબાજો એ બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. આશરે ૪૦ કરોડ રૂપિયાની મનાતી જમીનનો કબજો મેળવવાની હિલચાલ આદરાતા જમીન માલિકે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે રાતોરાત દોડધામ મચાવી ને બનાવટી દસ્તાવેજ ઉપર નોટરી કરનાર હરિશ્ચંદ્ર સિંહ ઝાલા ગણપત મોતી પરમાર કમળાબેન પરમાર સહિતનાઓની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા પરંતુ રાજકીય વગ ધરાવતા ભાજપના સક્રિય કાર્યકર સાજન ભરવાડ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો. પોલીસે તેના આશ્રય સ્થાનો ઉપર છાપા માર્યા હતા પરંતુ કોઈ ભાળ મળી નહીં જોકે સાત દિવસ બાદ તેના ઘરે આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ભાગેડુ સાજન ભરવાડ ઘરે આવતા જ પોલીસે દબોચી લીધો હતો અને વધુ તપાસ અર્થે રિમાન્ડ પણ મેળવ્યા હતા. જોકે બાદમાં તેમનો જામીન પર છૂટકારો થયો હતો પરંતુ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા માથાભારે સાજન ભરવાડને પાસા કરવા પોલીસ કમિશનર સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ હતી આરોપીને ભાવનગર જેલમાં ધકેલી આપવાનો હુકમ કર્યો હતો દેના ગુજરાત પોલીસે કડક જાપ્તા હેઠળ આરોપીને ભાવનગર રવાના કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે ચાર વર્ષ પૂર્વે ફર્નિચરના વેપારીને 8% લેખે ત્રણ લાખ રૂપિયા વ્યાજ આપનાર સાજન ભરવાડ એ પૈસા વસૂલવા તેના માથાભારે માણસો દ્વારા વેપારીને તેની ઓફિસમાં ઉઠાવી લાવ્યા હતા અને સાજન ભરવાડ ઢોર માર મારીને વધુ પૈસા પડાવવા વેપારીની કાર પણ પડાવી લીધી હતી. જેની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમા પણ નોંધાઈ હતી.