ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા જઈ રહી છે. ટોસ યજમાન ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો હતો. એટલે કે શુભમન ગિલે ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાનો પહેલો ટોસ ગુમાવ્યો હતો.
આ મેચ માટે સાઈ સુદર્શનને ભારતીય ટીમમાં તક મળી છે. સુદર્શનનો આ ડેબ્યૂ ટેસ્ટ મેચ છે. 23 વર્ષીય સુદર્શન ટેસ્ટ રમનાર 317મો ખેલાડી છે. સુદર્શનને ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કેપ સોંપી છે. પૂજારા કોમેન્ટ્રી કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તાજેતરની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT) માટે સુદર્શને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 15 મેચમાં 54.21 ની સરેરાશથી 759 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી.
આ મેચ માટે, અનુભવી બેટ્સમેન કરુણ નાયર અને શાર્દુલ ઠાકુર ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સામેલ થયા છે. કરુણ નાયર 8 વર્ષથી વધુ સમય પછી ભારત તરફથી રમવા આવ્યા છે. કરુણે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી. ત્યારબાદ તે તકની રાહ જોઈ રહ્યો હતો.
કરુણ નાયરે 2016માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. જોકે, તે પછી કરુણને ખૂબ ઓછી તકો મળી. શાર્દુલ પણ ઘણા મહિનાઓ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો છે. શાર્દુલ અગાઉ ડિસેમ્બર ૨૦૨૩માં સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ રમ્યો હતો. લીડ્સ ટેસ્ટ માટે શાર્દુલને નીતિશ કુમાર રેડ્ડી કરતાં વધુ પસંદગી મળી છે.
લીડ્સ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટોંગ, શોએબ બશીર.
ભારતીય ટીમની પ્લેઈંગ 11: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ.