સુરતની (Surat) ઓળખ આપવી હોય તો ખાણીપીણી… સુરતીઓનો મિજાજ મોજીલાપણાંનો રહ્યો છે. વેપાર ઉધોગને વ્યાપ હોવાને લીધે સુરતમાં અનેક સમુદાયના લોકો વસે છે. જેમાના એક છે પારસી. દુધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓનો (Parsi) સમુદાય ઘણાં વર્ષોથી સુરતમાં પણ વસે છે. સુરતના સૌથી જુના બેકરી ઉધોગમાં ફાળો આપનાર પણ એક પારસી જ હતા. જી હા નસરવાનજી સાહેરે ૨૨૦ વર્ષે પુર્વે સુરતમાં સાહેર બેકરીની (Saher Bakery) સ્થાપના કરી અને આજે એમની ચોથી પેઢી આ વ્યવ્સાય સંભાળે છે. ચાલો સુરતની સૌથી જુની અને જાણિતી સાહેર બેકરીની એક મુલાકાતે….
કોણે કરી શરૂઆત ?
નસરવાનજી સાહેર પહેલાં લાકડાનાં મોટા વેપારી હતા. તેમાથી તેમણે ભઠ્ઠી અને બેકરીના વ્યવ્સાયની સાથે સાથે હોટેલ શરૂ કરવાનું વિચારી ઇ.સ ૧૮૦૩માં સાહેર બેકરીનાં નામે ધંધો શરૂ કર્યો. એ સમયે સુરતમાં ફકત એક જ બેકરી હતી. સમય જતાં એમના બેકરીના વ્યવ્સાયમાં નસરવાનજીનાં દિકરા કેખશહુ સાહેર જોડાયાં. જેમણે પિતાના બિઝનેસને આગળ ધપાવવા માટે ઘણી મહેનત કરી. કેખશહુના અવસાન બાદ એમના દિકરા કેરસી સાહેર પોતાનો અભ્યાસ પુર્ણ કરી બેકરીનો વ્યવ્સાય અપનાવ્યો. પુર્વજોના આશિર્વાદ એળે ના જાય એ માટે કેરસી સાહેરે પણ મહા જહેમત ઉઠાવી. તેમણે સુરતમાં સૌ પ્રથમ ફેન્સી ડિઝાઇનના બર્થ ડે કેક તેમજ હાર્ડ આઇસિંગના કેક જાતે ડેકોરેશન કરવાની શરૂઆત કરી.
સુરતમાં સૌ પ્રથમ સ્લાઇસ બ્રેડની શરૂઆત કરનાર
અંગ્રેજોના સમયે શરૂ થયેલી આ બેકરી જ્યારે સ્થપાય ત્યારે હજીરા બંદર ડેવલપ કરવા માટે રશિયાથી રશિયન એન્જીનિયરો આવતા હતા. તેમણે સાહેર બેકરીની મુલાકાત લીધા બાદ રશિયન કેક તેમજ સ્લાઇસ બ્રેડ શિખવ્યા. સુરતમાં સૌ પ્રથમ સ્લાઇસ બ્રેડ શરૂ કરનાર પણ સાહેર બેકરી જ હતી એમ કહીએ તો ખોટું નથી. સાહેર બેકરીના બે દાયકા વિતી ગયા છતા કાર્યરત રહેવાનો સિક્રેટની જો વાત કરીએ તો તેમની બ્રેડ કે ટેબલ પાઉંમાં પ્રિઝ્વેટીવ કે આર્ટિફિશ્યલ પાવડર નાંખતા નથી અને સોફટ અને ફ્રેશ બ્રેડ જ બનાવે છે.
૨૧૯ વર્ષેથી કાર્યરત
બે સદી વટાવી જનાર સાહેર બેકરીને પેઢી દર પેઢી જેના પણ હાથમાં સુકાન આવી તેમણે બેકરીને આગળ ધપાવવા માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું. કેરસી સાહેર બાદ એમની દિકરી કેશમીરા સાહેરે બી.કોમ એલ.એલ.બીનો અભ્યાસ કરી ૧૯૭૦માં વિદેશ જઇ પેસ્ટ્રી સ્કુલ USAમાં અભ્યાસ કર્યો. અને વિદેશની અભ્યાસ પુરો કર્યા બાદ વારસામાં મળેલી આ ધરોહરને આગળ ધપાવી અને આજસુધી તેઓ કાર્યરત છે.
શું છે સ્પેશ્યાલીટી
સાહેર બેકરીની જો વાત કરવામાં આવે તો પ્લમકેક તેમજ ક્રિસમસ કેક આજે પણ સુરતમાં પ્રખ્યાત છે. ના માત્ર સુરતમાં પણ પડવાળી બિસ્કીટ અને નાનખટાઇ તો બોમ્બે ઇરાની રેસ્ટોરન્ટમાં પણ સપ્લાય થતી કે જ્યાં નાનખટાઇ મટકામાં ભરીને કાગળમાં લપેટીની મોકલાવાતી હતી. જ્યા સુધી બોમ્બેમાં ઇરાની રેસ્ટોરન્ટ હતા ત્યાંસુધી સાહેર બેકરીની પ્રખ્યાત જાયફળ એલચીથી ભરપૂર નાનખટાઇ જતી હતી.
USAમાં ઓર્ડર મુજબ પડવાળી બિસ્કિટ અને નાનખટાઇની સપ્લાય કરું : કેશમીરા
હાલમાં સાહેર બેકરીનું સંચાલન કરનાર ૭૦ વર્ષીય કેશમીરાબેન જણાવે છે કે, ‘’આજે સાહેર બેકરીની ચોથી-પાંચમી પેઢી કાર્યરત છે. મારી દિકરી સિરાજ કોન્ટ્રાકટને પણ હું USAમાં ઓર્ડર મુજબ પડવાળી બિસ્કિટ અને નાનખટાઇની સપ્લાય કરું છું જે ત્યાં વેચે છે. જો કે મારી દિકરી પણ ત્યાં સેટ્લ હોવાથી અમારા બાદ બેકરી સંભાળવાવાળું કોઇ નથી. આથી હવે બિઝનેસને થોડો ઓછા કરતાં જઇએ છીએ. બહારગામના વેપારીના સપ્લાય અમે બંધ કર્યા છે. જો કે અમારી ચિક્ન પેટિસ ખૂબ જ પ્રખ્યાત છે. જેને ઓર્ડર મુજબ બર્થ ડે પાર્ટી કે અન્ય ફંકશનમાં અમે સપ્લાય કરીએ છીએ. જે સુરતીઓને આજે પણ ખૂબ જ પસંદ છે.’’