Madhya Gujarat

ચરોતરમાં ઘરફોડને અંજામ આપતી ગેંગનો સાગરીત ઝબ્બે

આણંદ: આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમી આધારે સામરખા ચોકડી પાસેથી રીઢા ઘરફોડીયાને પકડી પાડ્યો હતો. આ શખસે કુલ 16 ઘરફોડ અને વાહન ચોરીની કબુલાત કરી છે. આ ઉપરાંત તેની સાથેના સાત સભ્યોના નામ પણ ખુલ્યાં છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાના પીએસઆઈ પી.એ. જાદવની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ઘરફોડ, વાહન ચોરી અને એટીએમ ચોરીના ગુનાઓમાં પકડાયેલા જગદીશ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધન રાઠોડ (રહે.સામરખા, આણંદ) તેના સાગરીત સાથે ભેગા મળી ચોરીઓ કરે છે. જે બાઇક નં.જીજે 23 એએમ 9472 લઇ નડિયાદથી આણંદ સામરખા ચોકડી આવી રહ્યો છે.

આ બાતમી આધારે એલસીબીની ટીમ એમએસ પેટ્રોલ પંપની સામે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં વર્ણનવાળુ બાઇક આવતા તુરંત તેને રોકી તેના પર સવાર શખસને કોર્ડન કરી લીધો હતો. આ શખસની તલાસી લેતા તેની ડેકીમાંથી ઘરપોડ ચોરીના સાધનો જેવા કે પોપટપાનુ, એક કટર, ચાવી બનાવવાની ફાઇલ, ડીસમીસ તથા શટર તોડવાનો લોખંડનો ચાપટ મળી આવ્યો હતો. આ શખસની પુછપરછ કરતાં તે જગદીશ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધન રાઠોડ (રહે. સામરખા) હોવાનું જણાવ્યું હતું.

જેણે એકાદ મહિના પહેલા ભાલેજ ખાતેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી તેની અટક કરી કુલ રૂ.26,400નો મુદ્દામાલ કબજે કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. જ્યાં આગવી ઢબે પુછપરછ કરતાં પોતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલો હતો અને જામીન પર મુક્ત થયા બાદ ફરી ચોરી કરી હતી. જેમાં ઘરફોડ, વાહન ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની સાથે મુકેશ ઉર્ફે બાલી રમેશ સોલંકી (મુળ રહે. કરમસદ, હાલ રહે. હાડગુડ), સદ્દામ, બશીર, રજ્જાક ઉર્ફે રાજા, કલ્લુ, ભગો તળપદા (રહે. તમામ ખંભાત) હોવાની પણ કબુલાત કરી હતી.

Most Popular

To Top