Vadodara

SSGHના નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય સહાયકો દ્વારા મહિલા આરોપીની સલામત પ્રસૂતિ કરાવી

વડોદરા : ચોરીનો આરોપ જેના માથે છે.તેવી સગર્ભા મહિલાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી.માં અને નવજાત બાળકી સ્વસ્થ હોવાથી સહુએ ખુશીની લાગણી અનુભવી હતી. આ અંગે માહિતી આપતાં ઇન્ચાર્જ સિસ્ટર ભાનુબહેન ઘીવાલા એ જણાવ્યું કે,ગઈકાલે નિશા નામની આ સગર્ભા મહિલાને પોલીસ તંત્ર દ્વારા ચોરીની એક ઘટનાના અનુસંધાને અટકમાં લેવામાં આવી હતી.તે સમયે જ તેને પ્રસુતિની પીડા ઉપડતાં પોલીસ તંત્રે વિલંબ કર્યા વગર આ મહિલાને સયાજી હોસ્પીટલમાં લાવવાની સમય સૂચકતા દાખવી હતી.પ્રસૂતિ વિભાગમાં આ મહિલાને તુરત જ લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી.

આ મહિલાએ બપોરના સમયે લગભગ 2.900 ગ્રામ વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો ત્યારે સૌ એ આનંદની લાગણી અનુભવી હતી.હાલમાં માતા અને બાળકીની હાલત સારી છે અને તેમની યોગ્ય કાળજી સરકારી દવાખાનામાં લેવામાં આવી રહી છે.આ પ્રકારની મારી કારકિર્દીની આ પ્રથમ ઘટના છે અને કદાચ અમારા પ્રસૂતિ વિભાગમાં પહેલીવાર આવું બન્યું છે.તેવી જાણકારી આપતાં ભાનુબેને કહ્યું કે સુખરૂપ પ્રસૂતિ થી અમને ખૂબ આનંદ થયો છે. હાલમાં સંબંધિત પ્રસુતાની સ્વજન મહિલા પણ તેની દેખરેખ રાખી રહી છે.બાળ રોગ વિભાગને પણ આ બાળ જન્મની જાણ કરવામાં આવી છે અને ત્યાંના તબીબે નવજાત શિશુ ની તપાસ કરી તે સ્વસ્થ હોવાનો અભિપ્રાય આપ્યો છે.પોલીસ તંત્ર પણ ઉપસ્થિત છે.

આ અંગે પ્રતિભાવ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે કાયદો કે પોલીસ તંત્રની દૃષ્ટિએ વ્યક્તિનું સ્ટેટસ ગમે તે હોય દવાખાનામાં અમે આરોગ્ય સેવાની જરૂર વાળા બધાને કોઈ ભેદ વગર દર્દી તરીકે જરૂરી સારવાર,આરોગ્ય સેવા કોઈ ભેદ વગર આપીએ છે.પ્રસૂતા ને પણ એક સમાન રીતે,તેને આરોપી તરીકે ન જોતાં,આરોગ્ય સેવાની જરુરને અનુલક્ષીને પ્રસુતિની સેવાઓ અપાઈ છે.સલામત પ્રસૂતિ અને સ્વસ્થ બાળ જન્મ થી અમારા તબીબો,નર્સિંગ સ્ટાફ અને સૌ આનંદ અનુભવી રહ્યાં છે.માતા અને બાળક સ્વસ્થ રહે એ જ અમારી અગ્રતા છે.હાલમાં માતા અને બાળકને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નિયમાનુસાર રાખવામાં આવ્યાં છે.

Most Popular

To Top