મીનાકુમારીની વિદાયને આ 31મી તારીખે પચાસ વર્ષ થશે. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ફકત 39 વર્ષના હતા. લોકોએ તેમને ટ્રેજેડી ક્વિન કહ્યા પણ હકીકતે તેઓ વહેલા વિદાય પામ્યા તે આપણી ટ્રેજેડી છે. પૂરા ચાર દાયકાની જિંદગી પણ ન મળી અને એટલા સમયમાં તેમના નામે સો જેટલી ફિલ્મો છે. શરૂમાં બેબી મીના નામે બાળ કળાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું ને પછી ધાર્મિક ફિલ્મો ‘વીર ઘટોત્કચ’, ‘શ્રી ગણેશ મહીમા’, ‘હનુમાન પાતાલ વિજય’માં પણ કામ કર્યું પરંતુ ‘બૈજુ બાવરા’ ફિલ્મની ગૌરી તરીકે તેઓ એવા ગમી ગયા કે બિમલરોય જેવાની ‘પરિણીતા’માં તેઓ અશોકકુમારનાં હીરોઇન બન્યા. ‘ફૂટપાથ’માં તેમની સાથે દિલીપકુમાર હતા તો ‘દાયરા’માં નાસીર ખાન. કમાલ અમરોહી સાથેની તેમની આ પ્રથમ ફિલ્મ. વર્ષ 1953. બેગમ મહેજબીન બકસ પછી મીનાકુમારી તરીકે જ ચાહકોના હૃદયમાં સ્થપાઇ ગઇ.
ચાર દાયકા પણ ન જીવનારા મીનાકુમારીના નામે ‘બૈજુ બાવરા’, ‘પરિણીતા’, ‘ફૂટપાથ’, ‘કાજલ’, ‘ભીગી રાત’, ‘ગઝલ’, ‘મેં ભી લડકી હું’, ‘દિલ એક મંદિર’, ‘આરતી’, ‘મેં ચૂપ રહુંગી’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘પ્યાર કા સાગર’, ‘ભાભી કી ચુડીયાં’, ‘કોહીનૂર’, ‘દિલ અપના ઔર પ્રીત પરાયી’, ‘ચિરાગ કહાં રોશની કહાં’, ‘યહુદી’, ‘શારદા’, ‘એક હી રાસ્તા’, ‘આઝાદ’, ‘ચાંદની ચોક’થી માંડી ‘પાકિઝા’, ‘મેરે અપને’ સહિતની ફિલ્મો છે. આમાંની ઘણી આજે કલાસિકસ તરીકે ઓળખાય છે અને મીનાકુમારીની અભિનય શૈલી એક બ્રાન્ડ સમી બની ગઇ છે. ને આવી અભિનેત્રીનું અંગત જીવન પિતા, પ્રેમી, પતિના શોષણના કિસ્સાથી ભરપૂર છે. તેઓને એકલતા મળી, હતાશા મળી, દગો મળ્યો. પોતાની કમાણી પોતાને કામ ન લાગી. મીનાકુમારી દારૂ પીતા હતા એ સાચું પણ એમના વ્યકિતત્વમાં એક ગરિમા હતી. કોઇ પણ માણસને તેઓ સમ-વેદનથી જોઇ શકતા. તેમણે જો કમાલ અમરોહીને મદદ કરી ન હોત તો ‘પાકિઝા’ જેવી કલાસિક ફિલ્મ પુરી જ ન થઇ હોત.
ખૈયામ, ખૈયામના પત્ની જગજીત કૌર, સુનીલ દત્ત વગેરેએ મીનાજીને કહેલું કે ‘પાકિઝા’ ફિલ્મ પુરી કરવી જોઇએ. મીનાજીને એ ફિલ્મનો વિષય, પોતાનું પાત્ર ખૂબ ગમતું હતું. કમાલ અમરોહીની દિગ્દર્શક તરીકેની પ્રતિભા પર પણ તેમને વિશ્વાસ હતો અને એટલે જ તેઓ તેમને કમાણી આપતા ગયા ને ફિલ્મ પુરી થઇ. કમાલ અમરોહીએ તેમને બહુ સતાવ્યા હતા છતાં મીનાજી કહેતા કે ‘મુઝે તલાક ન દેના, મુઝે આપકે નિકાહ મેં રહને દેના’. પાકિઝા’માં મીનાકુમારીની ડુપ્લીકેટનું કામ બિલ્કીસ નામની યુવતીએ કરેલું જે મીનાજી જેવી જ દેખાતી હતી. મીનાજી તબિયત ખરાબ હોવાને કારણે પથારીમાં દવા લઇને સૂતા હોય અને કમાલ અમરોહી બિલ્કીસ સાથે પ્રેમની મસ્તીમાં ડૂબેલા હતા. મીનાકુમારી આ જાણતા હતા પણ તેઓ ત્યારે ધર્મેન્દ્રના પ્રેમમાં હતા એટલે અમરોહીને શું કહે?
ગુલઝારને તેઓ અંગત ડાયરી આપી ચુકયા હતા એટલે અમરોહીનો મિજાજ બગડેલો હતો. અમરોહીએ તો ઉંમરના સાંઇઠમાં વર્ષે 25-26ની બિલ્કીસને નિકાહથી બીવી પણ બનાવી દીધેલી. હકીકતે મીનાકુમારી પ્રેમ માટે સદા તરસતા રહ્યા. બાકી તેઓ વ્યભિચારી નહોતા. ધર્મેન્દ્રમાં એક સાદગી, સહજતા ને ખુલ્લાપણું હતું. મીનાજીને તે ગમી ગયું કારણ કે તે બદમાશ પ્રકૃતિના પુરુષોથી થાકયા હતા. મીનાકુમારીએ નવા નવા ધર્મેન્દ્રને અનેક ફિલ્મો અપાવી. ‘ફૂલ ઔર પત્થર’ મીનાકુમારીની ફિલ્મ છે પણ ધર્મેન્દ્ર તેનાથી સ્ટાર બન્યા. ધર્મેન્દ્ર સાથે તેમણે ખુલ્લી રીતે પ્રેમ કર્યો અને તે એ હદે પહોંચેલો કે ધર્મેન્દર્ની પત્ની પ્રકાશે એકવાર મીનાકુમારીને થપ્પડ મારી દીધેલો. જો કે એવી એક થપ્પડ તો અમરોહીના ચમચા અલી બાકરે પણ મારેલો. આટલી મોટી અભિનેત્રી અને જાહેરમાં થપ્પડ ખાય? પણ ખાધા છે. તેમનું બધું સ્વમાન ફિલ્મના કેમેરા સામે અભિનયથી પ્રાપ્ત થઇ જતું. પરદા પર તેઓ કોઇપણ ભૂમિકામાં પૂર્ણ જણાશે. નિર્માતાઓએ મીનાકુમારીને પોતાની ફિલ્મમાં લેવી હોય તો અમરોહી પાસે જવું પડતું અને રૂપિયા પણ તેને જ ચુકવવા પડતા. અભિનેત્રી તરીકેની પ્રશંસા સિવાય તેમનું કશું ન હતું.
તમે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુને શું ભુલી શકો? ‘પાકિઝા’ના મીનાકુમારી વારંવાર યાદ આવે છે. ‘દિલ એક મંદિર’માં પ્રેમી અને પતિ વચ્ચે પોતાની પવિત્રતા તેઓ અભિનયથી જ સિધ્ધ કરે છે. મીનકુમારીને ‘શારદા’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હોત પણ એ વખતે નરગીસની ‘મધર ઇન્ડિયા’ સ્પર્ધામાં હતી. હકીકતે જયારે મીનાકુમારીએ આ ફિલ્મની પટકથા સાંભળી ત્યારે રાજકપૂરને કહેલું કે બેબીજી (નરગીસ)ને સંભળાવો. તેને જે ભૂમિકા ગમે તે પસંદ કરી લે પછી બાકી બચેલી ભૂમિકા હું કરીશ. એ ફિલ્મમાં બે હીરોઇનની જરૂર હતી અને પછી તો બીજી ભૂમિકા શ્યામાએ કરેલી. ‘શારદા’ની વાર્તા એવી હતી કે મીનાકુમારી-રાજકપૂર પ્રેમમાં છે પણ મીનાકુમારી એવા ગરીબ ઘરની યુવતીના પાત્રમાં હતા કે તેના કુટુંબવાળા પૈસા ખાતર એક વૃધ્ધ સાથે તેને પરણવી દે છે. હતાશ રાજ કપૂર ઘરે જાય છે તો ખબર પડે છે કે તેની પ્રિયતમા તો હવે પિતાની જ પત્ની બની ચુકી છે. મીનાકુમારીનો એક શ્રેષ્ઠ અભિનય આ ફિલ્મમાં હતો.
મીનાકુમારી પોતાને કેમેરા સામે જ મુકત અનુભવતા. અંગત જિંદગી જીવવા જેવી નોતી. ગુરુદત્ત જેવા માટે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ માટે એક માત્ર પસંદગી મીનાજી જ હતા. મીનાકુમારી માટે વિચારાયેલી ભૂમિકામાં કોઇ પ્રવેશી શકે નહીં. ગુલઝારે પોતાની દિગ્દર્શક પહેલી જ ફિલ્મમાં મીનાકુમારીને લીધેલા. મૂળ બંગાળી ‘અપંજન’માં છાયાદેવી હતા તે જ ભૂમિકા ‘મેરે અપને’માં મીનાજીએ ભજવી છે. મીનાજીને ‘બેનઝીર’ ફિલ્મ વેળા ગુલઝાર પ્રથમવાર મળેલા અને ત્યારની બંધાયેલો પરિચય ગાઢ થતો ગયેલો. ‘મેને અપને’ રિલીઝ થયાના થોડા જ સમયમાં મીનાજીએ વિદાય લીધેલી. આ વિદાયનો લાભ જો કે ‘પાકિઝા’ને વધારે મળ્યો. આખરી દિવસોમાં હોસ્પિટલવેળા પણ મીનાકુમારી પાસે બહુ ઓછા સ્વજનો હતા. ‘પાકિઝા’ જલ્દી પુરી થાયએ માટે માંદા મીનાજી પાસે ય સતત શૂટિંગ કરાવનાર અમરોહી પણ નહોતા. બન્યું એવું કે 4 ફેબ્રુઆરી 1972ના રોજ મરાઠા મંદિરમાં ‘પાકિઝા’નું પ્રિમીયર યોજાયું ત્યારે મીનાજી આખી ફિલ્મ જોઇ નહોતા શકેલા. તેમણે તો ફિલ્મના રશીઝ (અંશો) જ જોયેલા. ખેર! મીનાજીનો હોસ્પિટલનો ખર્ચ નિર્માતા પ્રેમજી અને ઓ.પી. રાલ્હને ચુકવેલો. અમરોહીએ નહીં, ધર્મેન્દ્રએ પણ નહીં. ‘પાકિઝા’ રજૂ થયા પછીના મહિને 31મી માર્ચે મીનાકુમારીનો ઇન્તેકાલ થયો. તેમને યાદ કરો તો અફસોસ થાય કે કેવા ઊંચા ગજાની અભિનેત્રી ને કેટલું સરળ, સંવેદનશીલ વ્યકિતત્વ પણ જીવને તેમને શું આપ્યું? મીનાકુમારીએ જ લખેલી ગઝલનો શેર છે: ટુકડે, ટુકડે દિન બીતા, ધજજી ધજજી રાત મિલી