ઉત્તરાખંડ : ઉત્તરાખંડ(uttarakhand) સરકારે દેવસ્થાનમ બોર્ડ પર એક મોટો નિર્ણય લીધો છે. સીએમ (CM) પુષ્કાર સિંહ ધામીએ (pushkar singh Dham) દેવસ્થાનમ બોર્ડ પર નિર્ણય લેતાં જણાવ્યું કે ત્રિવેન્દ્ર (Trivendra) સરકારની અધ્યક્ષતામાં રચાયેલા દેવસ્થાનમ બોર્ડને રદ કરવામાં આવે છે. ચારધામ હકહકુધારી તીર્થ પુરોહિત મહાપંચાયતના અધ્યક્ષ કે.કે કોઠિયાલે સરકારના નિર્ણયને માન આપતા કહ્યું કે દેવસ્થાનમ બોર્ડને રદ કરવા અંગે છેલ્લા બે વર્ષથી સંઘર્ષ કરવામાં આવી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે દેવસ્થાનમ બોર્ડની રચના 2020માં પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે (Trivendra Singh Rawat) કરી હતી. આ બોર્ડની રચના થકી 51 મંદિરનું નિયંત્રણ રાજ્ય સરકાર પાસે આવ્યું હતું. જેમાં કેદારનાથ(kedarnath), ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) અને બદ્રીનાથ( Badrinath) પણ સામેલ છે. આ ચારધામ સહિત 51 મંદિરનું નિયંત્રણ રાજ્ય સરકાર પાસે હતું. ત્યારથી તીર્થ પુરોહિત આ નિર્ણય સામે વિરોધ કરી અને નિર્ણય બદલવાની માંગ કરી રહ્યા હતાં. આ વર્ષે સીએમ તરીકે પુષ્કાર સિંહ ધામીની પંદગી કરવામાં આવી હતી. સીએમ બન્યા બાદ તેમણે તીર્થયાત્રાના પૂજારીઓની માંગ પર એક સમિતિની રચના કરી હતી અને તેના રિપોર્ટના આધારે નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. મુખ્યમંત્રી ધામીએ 30 ઓક્ટોબર સુધી જાહેરાત કરવાની હતી પરંતુ આ નિર્ણય લેવામાં એક મહિનાનો સમય લાગી ગયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં ઉત્તરાખંડના કેદારનાથ ધામના પ્રવાસે આવ્યા હતા ત્યારે સાધુ સંત દ્વારા મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ સીએમ ધામી દ્વારા સાધુ સંતને સમજાવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) દ્વારા કૃષિ કાનુન રદ કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદ ઉત્તરાખંડ સરકારના મંત્રી હરક સિંહ રાવતે કહ્યું હતું કે જેવી રીતે વડાપ્રધાન મોદી દ્વારા કૃષિ કાનુન રદ કરવામાં આવ્યા છે એ જ રીતે પ્રદેશ સરકાર પણ દેવસ્થાનમ બોર્ડ રદ કરવા નિર્ણય લઇ રહી છે. તેમણે કહ્યું હતું કે જો એવું લાગે કે આ બોર્ડ ચારધામ, મઠ-મંદિર અને સામાન્ય લોકોના હિતમાં નથી, તો સરકાર તેને પાછી ખેંચી લેવાનું વિચારી શકે છે.
નોંધનીય છે કે પૂર્વ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત હંમેશા આ બોર્ડના સમર્થનમાં હતાં. તેમણે દાવો કર્યો છે કે દેવસ્થવાનમ બોર્ડ હિન્દુઓ માટે જ નહીં પરંતુ વિશ્વનાં તમામ હિન્દુ આસ્થાવાદી માટે ફાયદાકારક છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તમામ મંદિરોના પૂજારીઓ આ બોર્ડનું સમર્થન કરી રહ્યા છે, માત્ર થોડા લોકો જ તેનો વિરોધ કરી રહ્યા છે.