Charchapatra

ગાંધી મૃત્યુ પછી પણ દુ:ખી

બીજી ઓકટોબર હંમેશ મુજબ ગાંધી જયંતી ઔપચારિક રીતે ગાંધીને યાદ કરવાનો દિન છે. આઝાદી પછી ગાંધીને મન બે દુ:ખ હતા. એક હિન્દુ-મુસ્લિમ ઝગડા અને બે અસ્પૃશ્યતા. એ સંદર્ભે આજે જોઇએ તો એક સરહદ પારનો આતંકવાદ અને બીજો દેશની અંદરનો ધાર્મિક આતંકવાદ. એ દેશને માટે બે મોટા દુ:ખાવા છે. આતંકવાદને સાથ આપનાર દેશનાં ગુમરાહ તત્ત્વોનું હૃદય પરિવર્તન કરાવનાર બીજો ગાંધી નથી.

ધાર્મિક ઘેલછા, ઉન્માદ અને અંધશ્રધ્ધાનું મોજું ચોમેર ખળભળી રહ્યું છે. બેસુમાર મંદિરોની સ્થાપના, ઉત્સવોની બિભત્સ ઉજવણીઓમાં અબજોનું આંધણ અને સર્જાતું અપાર ધ્વનિ પ્રદૂષણ ઉજવણીના અતિરેકમાં ધાર્મિકતા કેટલી? નહીંવત્ બલકે શૂન્ય ધાર્મિકતા છે. ગાંધી અને ગરીબી રાજકારણીઓ માટે સત્તાની સીડી બની ગઇ છે. આતંકવાદી હુમલામાં રેડાતું લોહી અને ધાર્મિક કુંભમેળા અને અન્ય ઉજવણી પ્રસંગે મરતા માનવો જાનહાનિમાં બન્ને ઘટના સરખી છે. ગોડસેએ ગાંધીને દૈહિક રીતે માર્યો આપણે ગાંધીને વૈચારિક રીતે માર્યો- યુવા પેઢીમાંથી ગાંધી જલ્દી ભૂલાઇ ગયો છે.

ગાંધી વિશે કોઈને જાણવું નથી અને કોઇએ જણાવવું પણ નથી. યુવાનોનો દિશા દૌર જ જુદો છે અને રાજનેતાઓનું યોગદાન ભારતને ભ્રષ્ટાચારનો પર્યાય બનાવવાનું રહ્યું છે. ગાંધીમૂલ્યો, સાદગી, સાદાઇ અને કરકસરયુકત જીવન, દયા, પ્રેમ, કરુણતા, સદ્‌ભાવ, સેવાપરાયણતા આવા માનવીય ગુણોને ઉજાગર કરવાની જરૂર છે. એ ગાંધીનું કામ છે. ગાંધીને કોણ જીવાડશે? વિદેશીઓ? લાગે તો તેવું જ છે? ગાંધી હયાત હતા ત્યારે પણ દુ:ખી હતા અને મૃત્યુ પછી આજે પણ દુ:ખી જ રહેવાના?!
વ્યારા              – બાબુભાઈ દરજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top