જીવનમાં સંસ્કાર મહત્ત્વ0ની બાબત છે. માણસને ગળથૂથીમાંથી મળેલા સંસ્કાર વડે જ એનું જીવન ઘડતર થાય છે. બાળકને મા-બાપ દ્વારા મળેલા સંસ્કાર એની મોટી મૂડી છે એટલે મા-બાપની જવાબદારી મહત્ત્વની છે. એ જેવા સંસ્કાર બાળકમાં બચપનથી સિંચશે એવું બાળક ઘડાશે અને મોટું થતાં એ પ્રમાણે વર્તશે. સંસ્કારની બાબત શિવાજી મહારાજનો દાખલો ખૂબ જાણીતો છે. માતા જીજાબાઇએ પુત્રને પારણીયામાં હિંચતાં કે ધાવણ આપતાં અથવા તો શિવાજીનો ગર્ભ જયારે માતાના પેટમાં હતો ત્યારે મા પાસેથી સાંભળેલી શૂરવીરતાની વાતોએ એમનું જીવન ઘડતર કર્યું હતું. એવી માના ધાવણથી શિવાજી જેવા શૂરવીર પાકી શકે. એમ પુત્રને જીવનમાં વારંવાર ટોકીને માતા જ યોગ્ય ઘડતર કરી શકે. આજની પેઢીએ પણ આ વાત ધ્યાન પર લેવી જરૂરી છે.
અત્રે એક સરસ વાતનું ઉદાહરણ જોઇએ. જૈન સંઘના એક અગ્રણી જેમનું નામ હતું લાલભાઇ શેઠ. એમની માનું નામ હતું ગંગામા. તે સમયે હિન્દુસ્તાન ઉપર ગોરા અંગ્રેજની હકૂમત ચાલતી હતી. અંગ્રેજોએ શિખરજી પર્વત પર પોતાના માટે ગેસ્ટહાઉસ બાંધવાનું નક્કી કર્યું. જેથી જૈન સંઘમાં ભારે ખળભળાટ મચી ગયો. અંગ્રેજો ગોરા હાકેમો માટે ધર્મસ્થળ પર ગેસ્ટહાઉસ બાંધે તો ત્યાં હોટલો ઊભી થાય અને દારૂ-માંસની જયાફતો ઊડે, એથી તીર્થની પવિત્રતા જોખમાય. આ અંગે વિરોધ વિસ્તરતો ગયો. બધા અગ્રણીઓ ભેગા થઇ લાલભાઇ શેઠ પાસે ગયા અને આ રોકવા માટે વાત કરી.
શેઠે વાત સાંભળી કહ્યું: આ અંગ્રેજ રાજ સામે આપણું કશું નહીં ચાલે અને બધા વિખરાઇ ગયા. શેઠને આ અંગે વિચારમાં આખી રાત ઊંઘ ન આવી. સવારે એણે પોતાની માને આ વાત કરી. મા ભારે ધર્મચુસ્ત અને ખુમારીવાળી, સંસ્કારી હતી. એણે દીકરાની હતાશા જોઇ. સાંજ પડી દીકરો જમવા બેઠો, ત્યારે માએ એની થાળીમાં સાડલો અને બંગડીઓ મૂકી હતી. શેઠે આશ્ચર્યથી માને પૂછયું; ‘આ શું?’ માએ કહ્યું, ‘‘તું સંઘનો નાયક છે. તે શું કરવાનો? તું ગોરાઓના બંગલાને અટકાવી ના શકે તો આ સાડલો ને બંગડી પહેરી લે. તેં મારી જનેતાની કૂખ લજવી.’’ માના શબ્દોથી શેઠના કાળજે ઘા વાગ્યો અને શેઠની ખુમારી જાગૃત થઇ. જૈન અગ્રણીઓને ભેગા કરી અંગ્રેજો સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી અને ગેસ્ટહાઉસ બાંધવાનું બંધ રખાવ્યું. જૈનોમાં આનંદ છવાઇ ગયો. આનું નામ ખરી મા! માતાની આ જ ખરી જવાબદારી છે. સંસ્કારથી જ માનવીનું જીવન ઉજળું બને છે.