સુરત: રાજ્ય સરકારના આદેશના લીધે રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરી માનદ સેવા આપતા 6,000 થી વધુ ટીઆરબી (TRB) જવાનોને છુટા કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે ટીઆરબી જવાનોની આજીવિકા છીનવાઈ ગઈ છે. તેથી ટીઆરબીના જવાનો રોષે ભરાયા છે.
સમગ્ર ગુજરાતમાં 6,000 થી વધુ ટીઆરબીના જવાનોને છુટા કરવા ના નિર્ણય સામે સુરતમાં પણ વિરોધનો સુર ઉઠ્યો છે. સુરત શહેરમાં ફરજ બજાવતા 1600 જેટલા ટીઆરબી જવાનો સરકારના આ નિર્ણય બાદ એક જૂથ થયા છે અને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે. આજે બુધવારે તા. 22 નવેમ્બરના રોજ અંદાજે 400 જેટલા ટીઆરબી જવાનો મોરચો લઈ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી કલ્પેશ બારોટ ની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચેલા ટીઆરબી ના જવાનોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સૂત્રોચ્ચાર અને નારેબાજી કર્યા હતા. ટીઆરબી જવાનોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને પરત ખેંચવાની માંગણી કરી હતી. સરકાર જો પરિપત્ર પરત નહીં ખેંચે તો પોતાના પરિવાર જોડે રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સુરત સ્ટેશન રોડ પર 27મી નવેમ્બરે ધરણાં પ્રદર્શન કરાશે
ટીઆરબી જવાનોના આગેવાન કલ્પેશ બારોટ એ જણાવ્યું હતું કે સરકારે ટીઆરબી જવાનો સાથે અન્યાય કર્યો છે. ટીઆરબીમાં ગરીબ વર્ગની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મામલે સુરત જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 27મી નવેમ્બરના રોજ સ્ટેશન રોડ પર આવેલ સરદારની પ્રતિમા નજીક ટીઆરબી જવાનોને સાથે રાખી સરકાર સામે ધરણાં-પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવશે.
પતિના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતી ટીઆરબી મહિલા બેરોજગાર બની
મહિલા ટીઆરબી જવાન સોનલબેન રાઠોડે કહ્યું કે, દસ વર્ષથી ટીઆરબીમાં સેવા આપે છે. પતિના અવસાન બાદ બાળકો અને પરિવારના ગુજરાનની જવાબદારી ઉઠાવી રહી છે. માતાને લકવો છે. જેની સાર-સંભાળની જવાબદારી પણ પોતાના પર રહેલી છે. સરકારના નિર્ણય બાદ એકાએક છૂટા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આવા સંજોગોમાં બાળકો અને ઘર-પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે.