સુરત: સુરતમાં (Surat) સચિનનાં (Sachin) નવાબ ખાન ફૈસલખાન વિન્ટેજ કારનાં ( Vintage Car) શોખીનો પૈકીના એક જાણીતાં સંગ્રાહક છે. નવાબ ફૈસલખાનની ટીમે રિસ્ટોર કરેલી બે જીપ (Zeep) કમ કાર વડોદરામાં યોજાનાર એશિયન વિન્ટેજ કાર શો (Asian Vintage Car Show) માટે પસંદગી પામી છે. આ શો 6 થી 8 જાન્યુઆરી દરમિયાન વડોદરાના લક્ષ્મીવિલા પેલેસ (Laxmi Vilas Palace) ખાતે એશિયાનો સૌથી મોટા વિન્ટેજ કાર- વેહિકલ શોમાં ફરતી જોવા મળશે. 1941થી 1945 દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકન આર્મીમાં શામેલ આ જીપ કમ કારને મૂળ સ્વરૂપમાં લાવતાં 7 વર્ષ લાગ્યા છે. આ જીપ કમ કાર શહેરના પાલનપોર રાંદેર રોડ પર રહેતા એડ્વોકેટ કપિલ આર.આહિરે ખરીદી હતી અને તેને રિસ્ટોર કરવા માટે સચિન નવાબની ટીમને આપી હતી.
- સુરતમાં રિસ્ટોર થયેલી જીપ વિન્ટેજ શોમાં જોવા મળશે
- બીજા વિશ્વ યુદ્ધ વખતે યુએસ આર્મીમાં શામેલ જીપ કમ કારને મૂળ સ્વરૂપમાં લાવતાં 7 વર્ષ લાગ્યા
- સચિનનાં નવાબ ફૈસલખાનની ટીમે જીપ કમ કારને રિસ્ટોર કરી
વિન્ટેજ કારના શોખીન એડવોકેટ કપીલ આર.આહિરેએ વિલિસ સ્લેટ ગ્રીન (એમ.બી) અને ફોર્ડ કંપનીની એમ બે જીપ-કાર નોન યુઝ હાલતમાં ખરીદી હતી. છે. આ બંને કારને સચિનના નવાબ ફૈસલખાનની ટીમ દ્વારા રીસ્ટોર કરાઈ છે. વિલિસ અને ફોર્ડ કંપનીઓની આ કાર કમ જીપ પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં ઉપયોગમાં લેવાય હતી. આ બંને કંપનીઓએ 5.70 લાખ જેટલી મોડેલની કાર બનાવી હતી. એ પછી એનું ઉત્પાદન બંધ કર્યું હતું. એના પુરજાઓ મળવા પણ મુશ્કેલ હતાં.
એ સ્થિતિમાં આ બંને વિન્ટેજ વાહનોને ફરી જીવંત કરવામાં આવ્યા છે. અમેરિકાથી તેના પાર્ટ્સ ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતાં. નવાબ ફૈસલખાનનાં માર્ગદર્શન હેઠળ આ બંને જીપ ફોરમેન મુર્તુજા મલેક, શોહેલ શેખ, અફઝલ શેખ, આસીફ શેખ, વસીમ શેખ અને યુનુસ પઠાણ એ 7 વર્ષની મહેનત પછી તૈયાર કરી હતી. આ જીપકારની ઓરિજિનલ ડિઝાઈન વિલિસ કંપનીની હતી. અમેરિકન આર્મીએ ઝડપી જરૂરિયાત માટે એજ ડિઝાઇન મુજબ ફોર્ડ કંપનીને જીપ કમ કાર બનાવવા કહ્યું હતું.
આ કારમાં માત્ર ત્રણ ગીયર, લેફ્ટ હેન્ડ સ્ટેયરિંગ, સ્પેશિયલ વાયરલેસ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, 1100 કિલો વજન ખેંચી શકે એટલો પાવર એન્જિન જનરેટ કરી શકે એ મુજબની વીંચ સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલની રીમ). 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન જે 57 એચ.પી જનરેટ કરે અને 6 વોટ્ની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.