નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) ક્રિકેટર ઉસ્માન ખ્વાજા (Usman Khwaja) સાથે એવી ઘટના બની છે જેના લીધે ક્રિકેટ ચાહકોને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી સિડની ટેસ્ટમાં (Sydney Test) ઉસ્માન ખ્વાજા 195 પર રમી રહ્યો હતો અને બેવડી સદીથી (Double Century) તે માત્ર 5 રન જ દૂર હતો ત્યારે કેપ્ટન પેટ કમિન્સે (Pet Cummins) ઈનિંગ ડિકલેર કરી દીધી હતી, જેના લીધે ખ્વાજા બેવડી સદીથી ચૂકી ગયો હતો અને 195 રન પર અણનમ પેવેલિયનમાં પરત ફર્યો હતો. આ ઘટનાના લીધે ક્રિકેટ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. ટ્રોલર્સ પેટ કમિન્સને ટ્રોલ કરી રહ્યાં છે તો બીજી તરફ ખ્વાજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે.
જોકે, આ પહેલી ઘટના નથી જ્યારે ઈનિંગ ડિકલેર કરવાના લીધે કોઈ ખેલાડી બેવડી સદી ચૂકી ગયું હતું. આ અગાઉ વર્ષ 2004માં આવી ઘટના બની હતી. દુ:ખદ વાત એ છે કે ક્રિકેટ ગોડ ગણાતા મહાન બેટ્સમેન સચીન તેન્ડુલર (Sachin Tendulkar) તેનો ભોગ બન્યા હતા.
વાસ્તવમાં સિડની ટેસ્ટને વરસાદે સૌથી વધુ અસર કરી હતી. પ્રથમ બે દિવસ વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. જ્યારે ત્રીજા દિવસે રમત રમાઈ શકી ન હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી પ્રથમ દાવમાં 4 વિકેટે 475 રન બનાવી લીધા હતા. ઉસ્માન ખ્વાજા 195 અને મેટ રેનશો 5 રન બનાવીને અણનમ રહ્યા હતા.
આ રીતે ઉસ્માન ખ્વાજા બેવડી સદી ચૂકી ગયો
ત્રીજો દિવસ વરસાદથી ધોવાઈ ગયા બાદ ચાહકોને આશા હતી કે ચોથા દિવસે (7 જાન્યુઆરી) રમત શરૂ થશે ત્યારે 36 વર્ષીય ઉસ્માન તેની બેવડી સદી પૂરી કરશે. પરંતુ તે નિરાશ થયો, કારણ કે કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે 475ના સ્કોર પર ઇનિંગ્સ ડિકલેર કરી અને ઉસ્માનને મેદાનમાં ઉતરવાની તક મળી ન હતી. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જન્મેલા ઉસ્માન ખ્વાજાએ 2011માં ઈંગ્લેન્ડ સામે સિડનીના મેદાનમાં જ ડેબ્યૂ મેચ રમી હતી. હવે આ મેદાન પર કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અને 13મી સદી પણ બની હતી. આ મેદાન પર તેની આ સતત ત્રીજી સદી હતી. તમને જણાવી દઈએ કે સિડની ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંત સુધીમાં આફ્રિકાની ટીમે 6 વિકેટે 149 રન બનાવી લીધા છે. માર્કો જેન્સેન 10 અને સિમોન હાર્મર 6 રન બનાવીને અણનમ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 326 રનથી આગળ છે.
કેપ્ટન દ્રવિડે ઈનિંગ ડિકલેર કરતા સચિન સાથે અન્યાય થયો હતો
29 માર્ચ 2004ના રોજ મુલતાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકર 194 રન બનાવીને અણનમ રમી રહ્યા હતા. ત્યારે ભારતીય કેપ્ટન રહેલા રાહુલ દ્રવિડે ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. જેના લીધે સચીન માત્ર 6 રનથી બેવડી સદી ચૂકી ગયા હતા. ત્યારે સચીન તેન્ડુલકર પણ આઘાત પામ્યા હતા અને મેચ બાદ રાહુલ દ્રવિડના નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી.