સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો છેલ્લાં કેટલાંક સમયથી વીજ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અવારનવાર અચાનક પાવર કટ થઈ જતો હોવાના લીધે ઉદ્યોગકારોની કરોડો રૂપિયાની મશીનરી ખોટકાઈ રહી છે, જેના લીધે તેઓને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ વીજ સમસ્યા સુરત મનપાની ડમ્પિંગ સાઈટના લીધે હોવાનું તારણ બહાર આવ્યું છે, ત્યારે હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી દ્વારા સુરત શહેર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.
હાલમાં 220 કેવી તલંગપુર(સચીન) સબસ્ટેશનમાંથી સચીન ઔદ્યોગિક વસાહતના સચીન-એ, બી, સી, ડી, ઈ એમ પાંચ અને ડાયમંડ પાર્કનું એક સબસ્ટેશન મળી કુલ 6 અલગ-અલગ સબસ્ટેશનોને વીજપૂરવઠો આપવામાં આવે છે. 220 કેવી તલંગપુર સબસ્ટેશનમાં ટ્રીપીંગ આવવાથી સચીન વસાહતના તમામ સબસ્ટેશનોમાં ઝીરો પાવરની સમસ્યા ઊભી થવાનાં કારણે ઉદ્યોગોમાં પાવર બંધ થતાં ઉત્પાદન કાર્ય બંધ થવાથી તેમજ અચાનક પાવર બંધ થવાના કારણે નવી ટેકનોલોજીની મશીનરીમાં મોંધી કિંમતના ઇલેક્ટ્રોનીક્સ પાર્ટસ ખરાબ થવાથી કરોડો રૂપિયાની નુક્શાની વેઠવાની નોબત ઉદ્યોગકારો પર આવે છે. જે સમસ્યાના યોગ્ય નિવારણ અર્થે ડીજીવીસીએલ અને જેટકોના ઉચ્ચ અધિકારીઓ સાથે સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી દ્વારા બે વખત રૂબરૂ મીટીંગો ગોઠવી પાવરની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા રજુઆતો કરી હતી.
તેના પગલે અધિક્ષક ઈજનેર, જેટડો, નવસારીએ પત્રના માધ્યમથી સોસાયટીને હકીકત જણાવી છે કે, હાલ 220 કેવી તલંગપુર (સચીન) સબસ્ટેશનને 220 કેવીની અનુક્રમે, 220 કેવી ઇચ્છાપોર – તલંગપુર, 220 કેવી જીસેગ – તલંગપુર, 220 કેવી વાવ – તલંગપુર અને 220 ડેવી નવસારી – તલંગપુર. આ 220 કેવીની 4 લાઈનોથી 220 કેવી તલંગપુર સબસ્ટેશનને જોડવામાં આવે છે. જેમાંથી 220 કેવી તલંગપુર સબસ્ટેશનને જોડતી અગત્યની બે લાઈનો અનુક્રમે 1 અને 2, જે 220 કેવી તલંગપુર સબસ્ટેશનની નજીક આવેલ સુરત મહાનગરપાલિકાના ડમ્પીંગ યાર્ડમાંથી પસાર થાય છે.
ડમ્પીંગ યાર્ડમાંથી પતંગની દોરી, જરી, પ્લાસ્ટીક જેવી વસ્તુઓ હવામાં ઉડીને જેટકોની ટ્રાન્સમિશન લાઈનમાં પડવાથી વારંવાર લાઈનો ટ્રીપ થાય છે, જેના કારણે બીજી બે અન્ય લાઈનો પણ ઓવરલોડીંગના કારણે ટ્રીપ થાય છે જેથી વારંવાર પાવર સપ્લાય બંધ થવાની સમસ્યા ઊભી થાય છે.
આ મામલે જેટકો દ્વારા સુરત મહાનગરપાલિકાના સબંધિત અધિકારીઓને પણ ડમ્પીંગ પાર્ડ તથા ક્યરાનો અન્ય ઉચિત જગ્યાએ ત્વરીત નિકાલ કરવા રજુઆત કરી છે પરંતુ હાલમાં પણ આ પ્રશ્ન SMC તરફથી કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં સચીન જીઆઇડીસી ડીજીવીસીએલને હાઇએસ્ટ રેવન્યુ આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ ગણાતું સચીન જીઆઈડીસી દેશનાં GDP ને ખુબ મોટું યોગદાન આપે છે, જેથી આ વિસ્તારમાં વારંવાર પાવર ટ્રીપીંગની સમસ્યાથી ઉદ્યોગોને અને રાજય સરકારને કરોડો રૂપિયાની રેવન્યુ લોસ થઈ રહી છે.
આ મામલે સંકલન સમિતીની આગામી બેઠકમાં સુરત મહાનગરપાલિકાના સબંધિત અધિકારીઓ, જેટકો તથા ડીજીવીસીએલના અધિકારીઓને હાજર રાખી ઉદ્યોગોના હીતમાં આ ગંભીર સમસ્યાનું તાકીદે યોગ્ય નિરાકરણ આવે તે માટે વિનંતી કરાઈ છે.
