સુરતની ‘ધૃતરાષ્ટ્ર’ પોલીસે તપાસ વિના જ 3 મિલ માલિકો પર કેસ ઠોકી બેસાડ્યો, સચીન ગેસ લીકેજ કાંડમાં આરોપીને બચાવવાના ખેલ

સુરત : (Surat) છ વ્યકિતઓનો ભોગ લેનારી સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) કેમિકલ (Chemical) છોડવાની ઘટનામાં કોર્ટેએ (Court) ત્રણ મિલના (Mill) સંચાલકોને જામીન (Bail) આપી દીધા છે. કોર્ટએ આપેલા જામીનને પગલે એવી હકીકતો સામે આવી છે કે આ ઘટનામાં જીપીસીબી (GPCB) અને પોલીસે (Police) જે તલસ્પર્શી તપાસ કરવી જોઈએ તે કરી જ નથી. જીપીસીબીએ ઉતાવળે તપાસ કર્યા વિના જ જે મિલના સંચાલકો હાથમાં આવ્યા તેમને પોતાના રિપોર્ટમાં (Report) ફિટ કરી દીધા અને સચીન જીઆઈડીસી પોલીસે પણ ધુતરાષ્ટ્ર બનીને જીપીસીબીના રિપોર્ટને આધારે એફઆઈઆર (FIR) કરી દીધી. પોલીસે પોતાની રીતે પણ તપાસ કરવી જોઈતી હતી પરંતુ તે નહીં કરી જે ખરેખર જવાબદારો છે તેને પોલીસે બચાવી લીધા અને અન્યોને ફિટ કરી દીધા. પોલીસે બલીનો બકરો બનાવવા માટે રજૂ કરેલા સંચાલકોને હવે સાચી હકીકતો સામે આવતા જામીન આપી દીધા છે.

  • ખરેખર પોલીસે ખરા જવાબદારોને શોધવાના હતા, પરંતુ પુરાવા વિના જ ઉદ્યોગકારો સામે એફઆઈઆર કરી દીધી
  • સેકશન લેતી પોલીસે ખરા આરોપીને બચાવી લેવા માટે કરેલી પેરવી કોર્ટમાં ઉઘાડી પડી અને કોર્ટેએ ત્રણેયને જામીન આપી દીધા

સચીન જીઆઇડીસીમાં ઝેરી (Toxic) કેમીકલ લીકેજ (Leakage) દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોત થયા છે, અને 22 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોકોના મોત ઉપર રમતી સુરત પોલીસ રૂપિયા પાછળ એટલી ગાંડી બની ગઇ છે કે તેણે જે ખરેખર આ કેસમાં ગુનેગારો છે તેને શોધવાની કોઈ જ તસ્દી લીધી નથી. આ ગુનામાં સંદિપ ગુપ્તા જેવા મોટા માથાને બચાવીને પોલીસ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ગઇ છે. સંદિપ ગુપ્તાના મોબાઇલ સીડીઆરમાં અનેક પોલીસ અધિકારીઓના નામો બહાર આવ્યા છે. પરંતુ આ બાબત ઉપર ઠંડુ પાણી નાંખીને બીજા લોકોને આરોપી તરીકે બતાવી લોકોને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા હતા. મહિને લાખો રૂપિયાનું સેકસન લેતી પોલીસ જ આ ગુનામાં આરોપી છે પરંતુ મોટા માથાને બચાવવા અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. પોલીસની ગંભીર બેદરકારી તેમજ જીપીસીબીના અધિકારીઓના પાપે ખોટી રીતે ફિટ કરી દેવામાં આવેલા ત્રણને કોર્ટએ જામીન મુક્ત કરી દીધા છે.

શા માટે છે પોલીસ શંકાના દાયરામાં

  • ગટરમાં કેમિકલ નાંખવાના આક્ષેપ હતા તે ગટર રિપેરિંગમાં હતી
  • તો પછી પોલીસે આ રિપોર્ટમાં ગરબડ કેવી રીતે કરી કે ગટરમાં કેમિકલ હતું
  • એફએસએલ રીપોર્ટમાં બે અલગ અલગ રિપોર્ટ આવ્યા છે
  • સંદીપ ગુપ્તાના મોબાઇલની તપાસણી થઇ નથી.
  • તેમાં મોટા માથાઓના નામ સંડોવાયેલા હોવાની વાત છે.
  • કેમિકલ ઠાલવનાર આરોપીઓ સાથે ધરપકડ કરાયેલા જે તે લોકો સંલગ્ન છે તેના કોઇ પૂરાવા રજૂ કરાયા નહી.
  • કોઇ પૂરાવા વગર આરોપીઓની ધરપકડ થઇ, આમ ખરેખર સાચા આરોપીઓની પૂછપરછ થઇ છે કે નહી તેની સામે પણ પ્રશ્નાર્થ છે.

સચિન કેમિકલ કાંડમાં ભરૂચની કેમીઓર્ગેનિક કંપનીના એમડી મયંક શાહની ધરપકડ
સચીન જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ પર્યાવરણને નુકસાન થાય તેવી બેદરકારીનો પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા કરવામાં આવી રહી છે. એસઓજીએ એક દિવસ પહેલા ભરૂચની કેમીઓર્ગેનિક કંપનીના એમડી મયંક જેન્તીભાઇ શાહ, તેમજ કંપનીના કર્મચારી યશવંત મોંઢે અને વિરલ પંચાલની પણ ધરપકડ કરીને સુરતની કોર્ટમાં રજૂ કર્યા હતા.

  • એસઓજીએ કેમીઓર્ગેનિક કંપનીના એમડી સહિત ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
  • પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

એસઓજીએ ત્રણેયની પુછપરછ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સામે બચાવપક્ષે ત્રણેયના વકીલ કલ્પેશ દેસાઇ અને ગૌતમ દેસાઇએ દલીલો કરીને રિમાન્ડ નામંજૂર કરવા માટે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ એમડી સહિત ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

હાઇકેલના કર્મચારીઓના જામીન નકારાયા, જ્યારે સચિનના ત્રણ ઉદ્યોગપતિના જામીન મંજૂર કરાયાં
કેમિકલ લીકેજ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોતના જવાબદાર ગણાતી હાઇકેલ કંપનીની ત્રણ વ્યક્તિના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ જ કેસમાં સચીન જીઆઇડીસીમાં વેપાર કરતા ત્રણ ઉદ્યોગકારોને જામીનમુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. એકાદ મહિના પહેલા ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવાના પ્રયાસમાં તે હવામાં ફેલાતાં 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતાં જ્યારે 22 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. આ કેસમાં સચીનના ઉદ્યોગપતિ રમણભાઇ ભલાભાઇ બારીયા, વિજયભાઇ ધીરૂભાઇ ડોબરિયા તેમજ સૌરભભાઇ પ્રવિણભાઇ ગાબાણીએ વકીલ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં જામીન અરજી કરી હતી.

આજ કેસમાં આ ઉપરાંત મુંબઇની હાઇકેલ કંપનીના જ્યોતિ મનસુખભાઇ પટેલ, મછીન્દરનાથ ઘોરે અને અભય સુરેશ દાંડેકરે પણ જામીન મુક્તી માટે અરજી કરી હતી. સરકારી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી આરોપીઓના જામીન નામંજૂર કરવા માટે અપીલ કરી હતી . કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાઓ ધ્યાને રાખીને સચીન જીઆઇડીસીમાં વેપાર કરતા રમણભાઇ, વિજયભાઇ અને સૌરભભાઇને જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો, જ્યારે હાઇકેલ કંપનીના જ્યોતિ પટેલ, મછીન્દરનાથ અને અભય ડાંડેકરના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

એફએસએલના બે રિપોર્ટ અને ગટરલાઇનના રિપેરિંગના પુરાવાથી જયબજરંગ, સહજાનંદ તેમજ રીયલ ફેમના સંચાલકોને જામીન મળ્યા
જય બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણભાઇ ભલાભાઇ બારીયા, સહજાનંદ કલરયાર્નના વિજયભાઇ ધીરૂભાઇ ડોબરીયા તેમજ રીયલ ફેમના સૌરભભાઇ પ્રવિણભાઇ ગાબાણીને જામીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. આ અંગે વકીલ કેતન રેશમવાલાએ માહિતી આપતા કહ્યું હતું કે, આરોપીઓની ગટરમાંથી પાણી છોડાતું હોવાનો રિપોર્ટ કર્યો હતો, પરંતુ ગટરલાઇનનું રિપેરિંગ થઇ રહ્યું હતું, આ ઉપરાંત જે કેમિકલ મળ્યું તે અંગે એફએસએલ દ્વારા નવો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ બંને પુરાવા આરોપીઓને તરફેણમાં હતા અને તેને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેયને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top