Business

સુરતની સરકારી કંપનીએ સચીન GIDCના ઉદ્યોગકારો પાસે 90 કરોડ લીધા બાદ હાથ ઊંચા કર્યા

સુરત: (Surat) સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમા મહેન્દ્ર રામોલિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈને આવેદનપત્ર મોકલી સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયા (Power Cut Problem) દૂર કરવા 500 – 200 કેવીના ટ્રાન્સફોર્મર, કંડકટર, 150 સ્કવેર એમએમ.ના કેબલ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.

ઉદ્યોગકારોની ફરિયાદ છે કે, જીઆઇડીસીના ઉદ્યોગકારોએ 80 થી 90 કરોડ જમા કરાવ્યા પણ DGVCL પાસે પુરતાં સાધનો નથી. સચીન સબ ડિવિઝન કચેરીમાં જરૂરીયાત મુજબનું ઈલેકટ્રિક ઈન્ફ્રાસ્ટ્રચર ઉપલબ્ધ ન હોવાથી ડી.જી.વી.સી.એલ. તરફથી ઉદ્યોગોને સમયસર પાવર સપ્લાય મળી રહ્યો નથી. સચીન ઔદ્યોગિક વસાહતમાં 2250 યુનિટ આવેલા છે. તથા તેને લાગીને નવા ડેવલપ થયેલા લક્ષ્મી ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક મળીને અંદાજીત વધુ 2000 જેટલા નવા ટેક્સટાઇલ યુનિટ કાર્યરત થયા છે.

હયાત વીવિંગ એકમોમાં પણ મશીનરી અપગ્રેડેશન થવાથી વીજળીની ડિમાન્ડ 4 ગણી વધી ગઇ છે. પાવ૨ની જરૂરીયાત માટે ટેક્સટાઇલ ઉદ્યોગની હાલની પરિસ્થિતિ એવી છે કે, 100 જેટલા ટ્રાન્સફોર્મરના સ્થાપન માટે ઉદ્યોગકારોએ અંદાજીત 80 થી 90 કરોડ રૂપિયા ડીજીવીસીએલ.માં જમાં કરાવી દીધા છે. પણ સચીન સબ ડિવિઝન કચેરી –1 પાસે જરૂરીયાત મુજબનું ઇલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. 500 અને 200 કેવીએનાં ટ્રાન્સફોર્મરો, કંડકટર અને જરૂરી 150 સ્કવે૨ એમએમના કેબલ પણ ઉપલબ્ધ નહીં હોવાથી ઉદ્યોગોને જરૂરીયાત મુજબનો પાવ૨ સપ્લાય પૂરો પાડી શકાતો નથી.

જીઆઈડીસીમાં 500 કરોડની ટેક્સટાઇલ મશીનરી કા૨ખાનામાં ઇન્સ્ટોલ થઈને પડી છે. મશીનરીની લોન સામે ઉદ્યોગકારોના માથે બેંકોનું કરોડો રૂપિયાનું વ્યાજનું ભારણ વધી રહ્યું છે . જયારે સચીન સબ ડિવિઝન કચેરીમાંથી દ૨ મહિને 120 કરોડ રૂપિયાની રેવન્યુ સ૨કા૨ને મળી રહી છે. આવી સ્થિતિમાં સચીન વસાહતનાં ટેક્સટાઇલ ઉદ્યોગોની વીજ માંગને પહોંચી વળવા વીજ કંપની પાસે જરૂરીયાત મુજબનું ઈલેકટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રચ૨ હાજર સ્ટોકમાં ન હોય જે ખુબજ દુખદાયી બાબત છે. સરકારે જીઆઈડીસીમાં વીજ સપ્લાય નિયમિત મળે એ માટે દરમિયાનગિરી કરવી જોઈએ.

Most Popular

To Top