સુરત: (Surat) 6 જાન્યુઆરી-2022ના રોજ સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી ઉન ખાડીમાં મુંબઈની (Mumbai) હાઈકેલ (high chel) કંપનીનું ઝેરી કેમિકલ (Toxic chemical) ઠાલવવા જતાં 6 કામદારનાં મોત અને 23 કામદારને અસર થવાની ઘટના પછી હવે જીઆઇડીસીનું તંત્ર સીસીટીવી કેમેરા (CCTV Camera) રિપેર કરાવવા જાગ્યું છે. જો કે, જીઆઇડીસીના એમડી અને વાઇસ પ્રેસિડેન્ટ એમ.થેન્નારસને (GIDC MD M. Thennarasan) બધા કેમેરા બંધ હોવા અને સીસીટીવી ફૂટેજ નહીં મળ્યા હોવાની શહેર પોલીસની દલીલોને નકારી હતી. તથા જીઆઇડીસીની તપાસમાં ફૂટેજ હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ રવિવારે સચિન ઇન્ડસ્ટ્રિયલ કો.ઓપ.સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ સચિન જીઆઇડીસીના તે સમયના ચીફ નોટિફાઇડ ઓફિસરે જીઆઇડીસીના એમડી એમ.થેન્નારસન વતી તા.9/1/2020ના રોજ તેમણે લખેલો પત્ર રજૂ કરી આક્ષેપ કર્યો હતો કે, એમ.થેન્નારસન, જીઆઇડીસીના ચીફ નોટિફાઇડ ઓફિસર, જીઆઇડીસીના ડિરેક્ટર (એન એ.), અધિક્ષક ઈજનેર (વ.ક.)ગાંધીનગર 2020થી મારી ફરિયાદ થકી જાણતા હતા કે, 2020થી સીસીટીવી કેમેરા વાયરલેસ ટાવર ખોટકાતા બંધ પડ્યા છે. છતાં સીસીટીવી કેમેરા 2.25 કરોડના ખર્ચે લગાવનાર એજન્સી સામે કે જીઆઇડીસીના બેદરકાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સામે કોઈ પગલાં લીધાં ન હતાં.
એટલું જ નહીં લૂંટ, હત્યા અને ચોરીના બનાવો જીઆઇડીસીમાં બન્યા હોવા છતાં કેમેરા રિપેર કરાવવા કોઈ રસ દાખવ્યો ન હતો. જો સચિન જીઆઇડીસીના કેમેરા ચાલતા હોત તો પોલીસને ગેસકાંડને દિવસે જ ફૂટેજ મળી ગયાં હોત અને પોલીસની તપાસ ઝડપી થઈ શકી હોત. જીઆઇડીસીના 66 પૈકી મોટા ભાગના કેમેરા કેમેરા બંધ હતા. તેમાં ઘટના સ્થળે વિશ્વપ્રેમ મિલ રાજ કમલ ચોકડી નજીકના સીસીટીવી કેમેરાનો પણ સમાવેશ થાય છે. 2.25 કરોડના ખર્ચે 2018માં સીસીટીવી કેમેરા નાંખવામાં આવ્યા હતા.
આ મામલે જીઆઇડીસીના એમડી.એમ. થેન્નારસને ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે, ગેસ ગૂંગળામણથી 6 કામદારનાં મોત મામલે જીઆઇડીસીએ પ્રાદેશિક નિયામકને તપાસ સોંપી હતી. કેમેરા બધા બંધ હતા એ ફરિયાદ સાચી નથી. જીઆઇડીસી પાસે ઘટનાના દિવસના એસ્ટેટના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ છે જ. તેમ છતાં આવી ઘટનાઓ ટાળી શકાય એ માટે ઓથોરિટીને જીઆઇડીસી પૂરતો સહયોગ આપશે. સીસીટીવી કેમેરા બંધ હતા એવા આરોપો બિનજરૂરી અને ખોટા છે. ઓથોરિટી ઈચ્છે તો નોટિફાઇડ ઓફિસર અથવા અધિક્ષકનો સંપર્ક કરી શકે છે.
એમડીને ફરિયાદ છતાં સીસીટીવી કેમેરા રિપેર નહીં કરાવનાર અધિકારી, એજન્સી સામે કોઈ પગલાં નહીં લેવાયાં: નિલેશ ગામી
સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ આક્ષેપ કર્યો હતો કે, જીઆઇડીસીના એમડી.એમ.થેન્નારસનને ફરિયાદ કરી હોવા છતાં સીસીટીવી કેમેરા રિપેર નહીં કરાવનાર અધિકારી, એજન્સી સામે કોઈ પગલાં લીધાં ન હતાં. મોટા ભાગના કેમેરા આજની તારીખે પણ બંધ છે. ગેસ દુર્ઘટના બન્યા પછી હવે રિપેર થઈ રહ્યા છે.
ગેસ કાંડમાં 6 મજૂરનાં મોત પછી સચિન જીઆઇડીસીના ગેસકાંડમાં જીપીસીબીના રિજનલ અધિકારી પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ જ દિવસે સચિન જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે કોન્સ્ટેબલ એવા કેશિયરોને પણ સસ્પેન્ડ કરી 20 પોલીસ જવાનોની બદલી કરી દેવામાં આવી હતી. જ્યારે જીઆઇડીસીના એકપણ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બે વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હોવાના મામલે વાપી ખાતે બેસતાં જીઆઇડીસીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ફરિયાદ છતાં કોઈ પગલાં એમ.થેન્નારસને લીધાં નથી.