SURAT

સુરતમાં ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે સમૂહમાં મતદાન કરવાનો ક્રેઝ જોવા મળ્યો

સુરત: ભારે ગરમી વચ્ચે પણ સુરતીઓમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. નવસારી લોકસભા બેઠકના મતદારોએ ઢોલનગારા સાથે આખી સોસાયટીના રહીશોએ ભેગા મળી વોટિંગ કરવા માટે રસ દાખવ્યો છે.

નવસારી બેઠકના ભટાર વિસ્તારની સૂર્ય પ્લાઝા સોસાયટીના રહીશોએ 100 ટકા મતદાન થાય તેઓ સંકલ્પ કર્યો હતો. આ સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીમાં રહેતા વડીલોને મતદાન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌથી પહેલા વ્હીલચેરમાં વડીલોને મતદાન કરાવવા લઈ ગયા હતા. ત્યારબાદ સોસાયટીના લોકો પોતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં સોસાયટીનું 100 ટકા મતદાન થાય તેવો દાવો કર્યો છે.

આ તરફપુણાગામ ભયાનગર વિસ્તાર ના લોકો એક સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

વેસુ વિસ્તારની સગર્ભા મહિલાએ મતદાન કર્યું
લોકસભાની સામાન્ય ચુંટણીના મહાપર્વ નિમિત્તે આજ રોજ વહેલી સવારથી જ સુરત શહેરમાં સુરતીઓએ મતદાન માટે લાઇનો લગાવી હતી. વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન મોર્ડન ઈન્ટરનેશન સ્કુલ ખાતે નવસારી સંસદીય મતવિસ્તારમાં આવેલી ચોર્યાસી વિધાનસભા બેઠકમાં મતદાન મથકમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અહીં 30 વર્ષીય સગર્ભા મહિલા સ્વાતિ મોદીએ મતદાન કરીને કહ્યું કે, હું દર ચુંટણીમાં મતદાન કરૂ છું. સ્વાતીબેનની 6 માસની સગર્ભાવસ્થા હોવા છતાં પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા.

તેમણે કહ્યું કે, અસહ્ય ગરમી હોવા છતાં પણ ગાયનેક તબીબની સલાહ મુજબ જરૂરી કાળજી લઈને મતદાન કરવા પહોંચી છું, જેથી લોકશાહીમાં મતદાનના લ્હાવાને હું ગુમાવવા માંગતી ન હતી એમ જણાવી લોકશાહીના અવસરમાં સહભાગી બની શકી એ બદલ ગર્વની લાગણી વ્યકત કરી હતી. તેમણે લોકોને અચૂક અને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી.

વેપારી, ઉદ્યોગકારોએ સહપરિવાર વોટિંગ કર્યું
વેપારી અને ઉદ્યોગકારોમાં પણ મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વેપારીઓએ સહપરિવાર વોટિંગ કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી. સચિન જીઆઇડીસી નોટીફાઇડ બોર્ડના ચેરમેન મયુર ગોળવાલાએ જાણીતા ચિત્રકાર ભાવિની ગોળવાળા સાથે વેસુની ભારતી મૈયા સ્કૂલમાં મતદાન કર્યું હતું.

નેતાઓએ લોકોને મોટી માત્રામાં મતદાન કરવા અપીલ કરી
નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે પત્ની ગંગાબેન પાટીલ સાથે વોટિંગ કર્યું હતું. તે પહેલાં સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પીપલોદ ખાતે વોટિંગ કરવા પહોંચ્યા હતા. ચોર્યાસી મતવિસ્તારના ધારાસભ્ય સંદિપ દેસાઈ એ કનસાડ ગામના લોકોને સાથે લઈ મતદાન કર્યું હતું. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ગાંધીજીના વેશમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સુરતના માજી મેયર કદિર પીરઝાદા એ વી. ટી. ચોક્સી લો કોલેજ બુથ પર મતદાન કર્યુ હતું.

60 વર્ષમાં પહેલીવાર અહીં મતદાન થયું નહીં
આમ તો ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થતાં સુરત લોકસભા બેઠક પર ઈતિહાસમાં પહેલીવાર વોટિંગ થઈ રહ્યું નથી, પરંતુ નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ એક જગ્યા એવી છે જ્યાં ચૂંટણી હોવા છતાં મતદાન થઈ રહ્યું નથી. આ જગ્યા છે ઉધનાની રેલવે લાયબ્રેરી. અહીં છેલ્લાં 60 વર્ષથી તમામ મતદાન થતા આવ્યા છે. જેમાં નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભા અને લોકસભા મતદાનનો સમાવેશ થાય છે. કારણ કે દર વખતે આ લાયબ્રેરી પોલીંગ સેન્ટર રહેતું. હતું. જોકે, આ વખતે પ્રથમ વખત આ સેન્ટર પર મતદાન થયું નથી. કારણ કે અહીં ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ ચાલી રહી હોવાથી રસ્તો બંધ છે.

ઠેરઠેર છાશનું વિનામૂલ્યે વિતરણ
આજે 41 ડિગ્રીથી વધુ તાપમાન હોય મતદારોને ગરમીથી રાહત આપવા માટે ઠેરઠેર વિના મૂલ્યે છાશ વિતરણના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. નવસારી લોકસભા વિસ્તાર માં 250 જગ્યા પર છાશ વિતરણ શહેર માં જિલ્લા માં મળી કુલ 360 જગ્યા એ છાશનું વિતરણ થઈ રહ્યું છે.

Most Popular

To Top